ટાયટેનિક પ્રસિદ્ધ લકઝરી જહાજ જે પહેલી યાત્રા દરમ્યાન જ ડૂબી ગયું.તેની સાથે જોડાયેલી અનેક વાતો છે.અહીં એવી જ એક વાત કરવી છે. ટાયટેનિકની પહેલી યાત્રા જાહેર થઇ અને ટીકીટ વેચાણ શરૂ થયું ત્યારે બધા માલેતુજાર શ્રીમંતોએ ટીકીટો ખરીદી બધા આ લકઝરી જહાજની પહેલી યાત્રાનો આનંદ લેવા માંગતા હતા. એક ફાર્મર કલાર્કની પણ ટાયટેનિકની પહેલી સફરમાં જોડાવાની બહુ ઈચ્છા હતી.ટીકીટો મોંઘી હતી, છતાં તેને પોતાની,પત્ની અને પાંચ બાળકો એમ પાંચ ટીકીટ ખરીદી.આ મોંઘી ટીકીટો ખરીદવા માટે તેણે પોતાની જીવનભરની જ્માપૂંજી વાપરી નાખી.કારણ મોંઘા જહાજ પર સફર કરવી, શ્રીમંતો સાથે જહાજની સફરનો આનંદ લેવો તેનું સપનું હતું.ટીકીટ લીધા બાદ તે ખૂબ જ ખુશ હતો અને સફરની તૈયારીમાં લાગી ગયો હતો.
સફરને ચાર દિવસ બાકી હતા ત્યારે ક્લાર્કનો પાળેલો કૂતરો તેના સૌથી નાના દીકરાને કરડ્યો અને તેથી કલાર્કની પત્નીએ કહ્યું, ‘નાના દીકરાને આ તકલીફ અને દુખાવા સાથે સફર પર લઇ જવો બરાબર નથી. ટાયટેનિકની સફર કેન્સલ કરીએ.ક્લાર્કનું મન માનતું ન હતું છતાં તેને ટીકીટ કેન્સલ કરાવવા માટે તપાસ કરી તો ખબર પડી કે ટીકીટ કેન્સલ કરી શકાય તેમ નથી.પત્નીએ કહ્યું, ‘તમે અને ચાર બાળકો જાવ.અમે બે ઘરે રહીશું.કલાર્કની ટાયટેનિકની સફર જવાની બહુ ઈચ્છા હતી.પણ પત્ની અને બાળકને પાછળ મૂકી જવા માટે મન માનતું પણ ન હતું. તે દ્વિધામાં પડી ગયો.અંતે બહુ વિચાર કર્યા બાદ તે બંદર પર પહોંચ્યો, પણ સફર પર ગયો નહિ અને કિનારે ઊભા રહી ઉદાસ આંખે દૂર જતા ટાયટેનિક અને પોતાનાં તૂટી જતાં સપનાને જોઈ રહ્યો.તે એકદમ દુઃખી હતો. તેનું સપનું પણ તૂટ્યું હતું અને જીવનભરની જ્માપૂંજી પણ ખર્ચાઈ ગઈ હતી.પોતાના નસીબ અને પાળેલા કૂતરાને કોસતો તે ઘરે આવ્યો અને ઘરે આવ્યા બાદ પણ તેનું મન દુઃખી દુઃખી હતું. તે કૂતરાને જોતો અને વધુ દુઃખી અને ગુસ્સે થઈ જતો.
પાંચ દિવસ આમ જ વીત્યા અને ખબર આવ્યા કે ટાયટેનિકની પહેલી સફર જ કમનસીબ રહી છે અને તે ડૂબી ગયું છે. બહુ ઓછા મુસાફરો બચી શકયા છે.આ સમાચાર સાંભળીને ક્લાર્ક અવાચક થઈ ગયો. તે સીધો દોડ્યો અને પોતાના કૂતરાને બહુ વહાલ કરવા લાગ્યો અને છેલ્લા ઘણા દિવસથી તેને કોસવા બદલ અને ગુસ્સો કરવા બદલ કૂતરાની માફી માંગવા લાગ્યો.કૂતરાના કરડવાથી તે અને તેનું કુટુંબ આ દુર્ઘટનામાંથી બચી ગયાં હતાં.જે થાય તે સારા માટે થાય છે. ઈશ્વરની લીલા અજબ જ હોય છે તે જે કરે તે આપણા માટે સારું જ હોય છે.શરૂઆતમાં કદાચ આપણું મનગમતું ન હોય, તો પણ તેનું લાંબા ગાળાનું પરિણામ આપણા માટે સારું જ હોય છે.માટે હંમેશા ઈશ્વરમાં શ્રધ્ધા રાખો કે તે જે કરશે તે સારું જ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.