Columns

ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લિક કૌભાંડમાં ખરેખર શું બન્યું હતું?

આપણી સરકારે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો નારો આપ્યો છે, પણ જો કોલેજમાં ભણવા જતી અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓને સલામત વાતાવરણ ન મળે તો તેમની જિંદગી જોખમમાં મૂકાઈ જતી હોય છે. આજે સમાજમાં દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે પોતાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહેતી હોય ત્યાં તેની સાથે જે ઘટનાઓ બનતી હોય છે તે માબાપની ચિંતા વધારી દેતી હોય છે. પંજાબના મોહાલીમાં આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની લેડીઝ હોસ્ટેલમાં જે કિસ્સો બન્યો તે હિમશિલાની ટોચ જેવો છે. મળતા હેવાલો મુજબ હોસ્ટેલમાં રહેતી એક યુવતીએ પોતાના વીડિયો ઉપરાંત બાથરૂમમાં સ્નાન કરતી બીજી ૬ યુવતીઓના બિભત્સ વીડિયો બનાવ્યા હતા અને હિમાચલ પ્રદેશમાં રહેતા પોતાના ૨૩ વર્ષના બોયફ્રેન્ડને મોકલી આપ્યા હતા. બોયફ્રેન્ડે તે વીડિયો સોશ્યલ મીડિયામાં લિક કરી દેતાં હાહાકાર મચી ગયો હતો.

યુનિવર્સિટીમાં અફવા ફેલાઈ ગઈ હતી કે તે યુવતીએ હોસ્ટેલમાં રહેતી ૬૦ યુવતીઓના વીડિયો બનાવીને પોતાના બોયફ્રેન્ડને મોકલ્યા હતા. અફવા તો એવી પણ ફેલાઈ ગઈ કે કેટલીક યુવતીઓએ તેમના વીડિયો લિક થવાને કારણે આપઘાતની કોશિશ કરી છે. અફવાને પગલે યુવતીઓ હોસ્ટેલ ખાલી કરીને પોતાના ઘરે જવા લાગી હતી. તેમણે યુનિવર્સિટીના કેમ્પસમાં વિશાળ રેલી કાઢી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વાતાવરણ એટલું બગડી ગયું હતું કે યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા ૬ દિવસ માટે કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વિવાદને પગલે પંજાબની પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.

તેણે મોબાઇલ વડે વીડિયો ઉતારનારી યુવતીની, તેના બોયફ્રેન્ડની અને તેના મિત્રની પણ ધરપકડ કરી છે. લેડીઝ હોસ્ટેલમાં પોતાની ફરજમાં બેદરકારી દાખવનારી બે મહિલા વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવી છે. પંજાબની પોલીસે યુવતીની ધરપકડ કરી તો તેણે જણાવ્યું હતું કે તેણે પોતાનો નગ્ન વીડિયો ઉતારીને બોયફ્રેન્ડને મોકલ્યો હતો, પણ બીજા કોઈ વીડિયો ઊતાર્યા નહોતા. ઉચ્ચ શિક્ષણ લેવા માટે કન્યાઓને અજાણ્યા શહેરમાં મોકલવામાં આવે, ત્યાં તેમની પર યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોય, તેમના હાથમાં મોબાઇલ હોય અને તેઓ મોબાઈલમાં પોર્ન સાઇટ પણ જોતી હોય ત્યારે ન બનવાનું બને છે.

મોહાલીની હોસ્ટેલના બાથરૂમમાં એક યુવતી ચોરીછૂપીથી સ્નાન કરતી યુવતીનો વીડિયો બનાવતી પકડાઈ ગઈ, તેને પગલે આ પ્રકરણ બહાર આવ્યું હતું. આ યુવતીને હોસ્ટેલ વોર્ડન પાસે લઈ જવામાં આવી હતી. તેને પૂછવામાં આવ્યું કે તેં કોના વીડિયો ઊતાર્યા હતા? ત્યારે તેણે ઇનકાર કર્યો હતો. તેનો મોબાઇલ ફોન તપાસવામાં આવતાં તેમાં કોઈ વીડિયો મળી આવ્યા નહોતા. યુવતીની પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન તેના પર સતત કોઈના ફોન આવતા હતા. યુવતીને સ્પિકર ફોન ચાલુ રાખીને તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું.

યુવતીને કહેવામાં આવ્યું હતું કે તેણે જે વીડિયો તેના બોયફ્રેન્ડને મોકલ્યા હતા તેના સ્ક્રીનશોટ મંગાવી લે. બોયફ્રેન્ડે સ્ક્રીનશોટ મોકલ્યા ત્યારે કૌભાંડ પકડાયું હતું. યુવતીનો બોયફ્રેન્ડ સની મહેતા સિમલામાં રહેતો હતો અને યુવતી દ્વારા મોકલવામાં આવતા વીડિયો સોશ્યલ મીડિયામાં અને પોર્ન સાઇટ પર અપલોડ કરતો હતો. પંજાબની પોલીસે હિમાચલ પ્રદેશની પોલીસની મદદથી સની મહેતાની ધરપકડ કરી છે અને તેને ચંદીગઢ લાવવામાં આવ્યો છે.

મોહાલીની હોસ્ટેલમાં રહેતી યુવતીઓના જણાવ્યા મુજબ તેમની લેડીઝ હોસ્ટેલમાં અગાઉ છોકરાઓ રહેતા હતા. તેના બાથરૂમના દરવાજાઓમાં નીચેથી અને ઉપરથી જગ્યા છોડવામાં આવી હતી, જેને લીધે કોઈ પણ વ્યક્તિ બાથરૂમમાં ડોકિયાં કરી શકતી હતી. આરોપી યુવતીએ દરવાજાના નીચેના ભાગમાં પોતાનો મોબાઈલ ફોન ગોઠવી દઈને સ્નાન કરતી યુવતીઓના વીડિયો ઉતારી લીધા હતા. હોસ્ટેલમાં રહેતી યુવતીઓ જ્યારે વોર્ડન પાસે ફરિયાદ કરવા ગઈ ત્યારે વોર્ડને તેમનો જ વાંક કાઢતાં કહ્યું હતું કે ‘‘પ્રોબ્લેમ વીડિયોમાં નથી પણ તમારાં કપડાંમાં છે. તમારાં કપડાં જોઈને યુવાનોને બિભત્સ વીડિયો બનાવવાની ઇચ્છા પેદા થાય છે. ’’આ કોમેન્ટ કરનારી વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્ટેલની બાકીની બધી વોર્ડનની બદલી કરી કાઢવામાં આવી છે.

ચંડીગઢ યુનિવર્સિટીના કેમ્પસમાં જોરદાર અફવા ફેલાઈ ગઈ હતી કે જેમનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે ૬ યુવતીઓ દ્વારા આપઘાતની કોશિશ કરવામાં આવી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આપઘાતના પ્રયાસ માટે નહીં, પણ રેલીમાં કેટલીક યુવતીઓ બેભાન બની જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતી યુવતીઓ જાતજાતની મુસીબતોનો સામનો કરતી હોય છે. ઉત્તર પ્રદેશની વિખ્યાત બનારસ હિન્દુ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી યુવતીઓની છેડતીને પગલે થોડા સમય પહેલાં મોટો વિવાદ થયો હતો.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના કેમ્પસમાં મહિલાઓની છેડતી, બળાત્કાર અને જાતીય અત્યાચારોની ઘટનાઓ નિયમિત સમયના અંતરે બનતી હોવા છતાં વહીવટીતંત્ર સલામતીનું વાતારવરણ ઊભું કરવામાં નિષ્ફળ ગયું છે. ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં યુનિવર્સિટીમાં ભણતી યુવતીએ ફરિયાદ કરી હતી કે એક સિનિયર વિદ્યાર્થીએ તેને પોતાની હોસ્ટેલ પર બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વિદ્યાર્થિની માર્ગદર્શન લેવા પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીની રૂમ પર ગઇ હતી, પણ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

ફર્સ્ટ યરમાં ભણતી યુવતી પોતાની હોસ્ટેલમાં પાછી ફરી રહી હતી ત્યારે બાઇક પર બેસીને આવેલા ત્રણ અજાણ્યા યુવકો તેની છેડતી કરીને ભાગી ગયા હતા. યુવતીના જણાવ્યા મુજબ તેણે બૂમાબૂમ કરી, પણ કોઇ તેની મદદે આવ્યું નહોતું. છેડતીનો ભોગ બનેલી યુવતીએ હોસ્ટેલમાં જઇને વોર્ડન સમક્ષ ફરિયાદ કરી ત્યારે તેણે યુવતીનો વાંક કાઢતાં કહ્યું હતું કે તને મોડી સાંજે હોસ્ટેલની બહાર જવાનું કોણે કહ્યું હતું? આ જવાબથી નાસીપાસ થયેલી યુવતી ફરિયાદ કરવા વાઇસ ચાન્સેલર ગિરીશચન્દ્ર ત્રિપાઠીને મળી ત્યારે તેમણે પણ તે મતલબનો જવાબ આપ્યો હતો કે યુવતીઓએ મોડી સાંજે હોસ્ટેલની બહાર નીકળવું જોઇએ નહીં.

ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં હિન્દી વિભાગમાં ભણતો વિદ્યાર્થી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે યુનિવર્સિટીનો લોગો ધરાવતી કારમાં બેઠેલા પાંચ યુવાનો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાલતી કારમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધવામાં ચાર દિવસનો વિલંબ કર્યો હતો. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પણ સેક્સ સ્કેન્ડલોની કોઈ નવાઈ નથી.

મુક્ત સેક્સ કરવા જતાં વિદ્યાર્થીઓ ચેપી રોગોનો શિકાર ન બની જાય તે માટે પણ સરકારે કાળજી રાખવી પડે છે. ઇ.સ. ૨૦૦૫ માં કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી ત્યારે જેએનયુના કેમ્પસમાં પહેલી વખત મફતમાં રબ્બરના ગર્ભનિરોધકો મળે તેવાં મશીનો લગાડવામાં આવ્યાં હતાં. કેમ્પસમાં કુલ ૧૮ મશીનો મૂકવામાં આવ્યાં હતાં, જે દરેકમાં ૧૨૦૦ ગર્ભનિરોધકો રાખવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ તેનો છૂટથી ઉપયોગ કરતા હોવાથી દર ચાર દિવસે મશીનો રિફીલ કરવા પડતા હતા. આ માહિતી મેળવવા માટે પણ આરટીઆઈ કાયદા હેઠળ અરજી કરવી પડી હતી.

Most Popular

To Top