મહારાષ્ટ્રમાં સત્તાપલટો થયો તેને એક મહિનો વીતી ગયા પછી પણ સરકારની રચના નથી થઈ. તેના પરથી ખ્યાલ આવે છે કે સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ મેળવવા માટે ભાજપ-શિવસેના વચ્ચે તીવ્ર મુકાબલો ચાલી રહ્યો છે. ભાજપના મોવડીમંડળે ગુજરાતમાં રાતોરાત આખી કેબિનેટ બદલી કાઢી હતી, પણ મહારાષ્ટ્રમાં એક મહિના પછી પણ તેઓ નવું પ્રધાનમંડળ જાહેર કરી શક્યા નથી, તેમાં વાંક ભાજપના મોવડીમંડળનો છે. છેલ્લા એક મહિનામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસ ૬ વાર દિલ્હીની મુલાકાત લઈ આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહને મળી આવ્યા છે, પણ ચિત્ર સ્પષ્ટ થતું નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ૧૦૬ વિધાનસભ્યો છે, તેના સહયોગી પક્ષ બહુજન વિકાસ અઘાડીના ત્રણ સભ્યો છે અને એકનાથ શિંદે જૂથના ૩૯ સભ્યો છે. આ ૧૪૮ સભ્યો પ્રધાન બનવા આતુર છે, પણ પ્રધાનમંડળમાં ૪૦નો જ સમાવેશ કરી શકાય તેમ છે. એકનાથ શિંદે જૂથના ૩૯ સભ્યો પ્રધાનપદું મેળવવા જ બળવો કરવા પ્રેરાયા હતા. જો તેમને સંતુષ્ટ કરવામાં ન આવે તો તેઓ ફરી પાટલી બદલી શકે છે. ભાજપનું મોવડીમંડળ પણ પ્રધાનપદાંની ફાળવણી એવી રીતે કરવા માગે છે કે ૨૦૨૪ માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ વખતે પક્ષનું પરિણામ સારું થાય. ભાજપ જે વિસ્તારોમાં પોતાનો દેખાવ સુધારવા માગતો હશે તેને જ પ્રધાનપદાં મળવાની સંભાવના રહેશે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉથલપાથલના પગલે જે નવી સરકારો આવી છે, તેના પરથી સાબિત થઈ ગયું છે કે સરકાર ચલાવવા કેબિનેટની બિલકુલ જરૂર નથી. ગુજરાતમાં તો નવા નિમાયેલા પ્રધાનોને કોઈ સત્તા જ આપવામાં આવી નથી. આખી સરકાર ઉચ્ચ અધિકારીઓ દિલ્હીના નિર્દેશ મુજબ ચલાવે છે. મહારાષ્ટ્ર સરકાર પણ હકીકતમાં ભાજપના કેન્દ્રીય મોવડીમંડળના આદેશ મુજબ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ચલાવે છે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદે બાળ ઠાકરેનાં પુત્રવધૂ સ્મિતા ઠાકરેને મળ્યા તેને પરિણામે મહારાષ્ટ્રના અને ખાસ કરીને શિવસેનાના રાજકારણમાં અનેક તર્કવિતર્કો વહેતા થઈ ગયા છે. સ્મિતા ઠાકરે બાળ ઠાકરેના પુત્ર જયદેવની પત્ની હતી, પણ તેમણે ૨૦૦૪ માં છૂટાછેડા લઈ લીધા હતા. રાજ ઠાકરેની જેમ સ્મિતા ઠાકરે પણ ઉદ્ધવ ઠાકરેના વિરોધી કેમ્પમાં હોવાથી ભાજપ માટે તેમનો ઉપયોગ વધી જાય છે. સ્મિતા ઠાકરે કહે છે કે એકનાથ શિંદે જૂના શિવસૈનિક હોવાથી તેમણે માત્ર અભિનંદન આપવા તેમની મુલાકાત લીધી હતી. સ્મિતા ઠાકરેની ઉંમર અત્યારે ૬૩ વર્ષની છે. તેમણે દાયકા પહેલાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પણ તેઓ જો રાજકારણમાં પાછાં ફરે તો ઉદ્ધવ ઠાકરેના હાથમાં રહી ગયેલી શિવસેનાને તોડવા માટે ભાજપ તેમનો પણ ઉપયોગ કરી શકે છે.
સ્મિતા ઠાકરે મુંબઈમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરતાં બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેના પ્રેમમાં પડ્યાં હતાં અને ૧૯૮૭ માં તેમની સાથે પરણી ગયાં હતાં. બાળ ઠાકરેના પરિવારમાં આવીને તેમણે પરિવાર પર પોતાનો પ્રભાવ પાથરી દીધો હતો. ૧૯૯૫ માં બાળ ઠાકરેનાં પત્ની મીનાતાઈનું મરણ થયા પછી અસ્વસ્થ થઈ ગયેલા બાળ ઠાકરેને સધિયારો આપવાનું કામ સ્મિતા ઠાકરેએ કર્યું હતું. ૧૯૯૬ માં બાળ ઠાકરેના જયેષ્ઠ પુત્ર બિંદુ માધવનું અકસ્માતમાં મરણ થઈ ગયું તે પછી સ્મિતા ઠાકરેની વગ ‘માતોશ્રી’માં વધી ગઈ હતી. બાળ ઠાકરેએ જયદેવની ‘માતોશ્રી’ બંગલામાંથી હકાલપટ્ટી કરી, પણ સ્મિતા ઠાકરે માતોશ્રીમાં જ રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં ૧૯૯૫ થી ૧૯૯૯ દરમિયાન શિવસેના ભાજપની સરકાર હતી ત્યારે રિમોટ કન્ટ્રોલ બાળ ઠાકરેના હાથમાં હતું, પણ ખરી સત્તા સ્મિતા ઠાકરેના હાથમાં હતી. ૧૯૯૮ માં મનોહર જોષીને બદલે નારાયણ રાણેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય હકીકતમાં સ્મિતા ઠાકરેનો નિર્ણય હતો.
શિવસેનાના શાસન દરમિયાન સ્મિતા ઠાકરે મહારાષ્ટ્રનાં સૌથી શક્તિશાળી મહિલા બની ગયાં હતાં. તેઓ સચિવોને માતોશ્રી બંગલે બોલાવતાં અને તેમના આદેશ મુજબ ફાઈલોનો નિકાલ કરવામાં આવતો હતો. બાળ ઠાકરેને મળવા કોઈ પણ ટોચના રાજકારણી આવે ત્યારે સ્મિતા ઠાકરે મીટિંગમાં અચૂક હાજર રહેતાં. સ્મિતા ઠાકરે રાજકીય વગનો ઉપયોગ કરીને ફિલ્મનિર્માતા પણ બની ગયાં હતાં. ડાયમન્ડ મર્ચન્ટ ભરત શાહની ભાગીદારીમાં તેમણે ‘હસીના માન જાયેગી’ નામની ફિલ્મ પણ બનાવી હતી. મુંબઇની સોશ્યલ સર્કિટમાં સ્મિતાનો ચહેરો જાણીતો બની ગયો હતો.
૧૯૯૯ માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ થઈ અને શિવસેના-ભાજપનો પરાજય થયો તે પછી સ્મિતા ઠાકરેની સત્તામાં ઓટ આવી હતી, પણ માતોશ્રી બંગલા ઉપર અને શિવસેના ઉપરનો તેમનો પ્રભાવ જરાય ઓછો નહોતો થયો. બાળ ઠાકરેએ પોતાના રાજકીય વારસદાર તરીકે ઉદ્ધવ ઠાકરેને જાહેર કર્યા તે પછી સ્મિતા ઠાકરેનાં વળતાં પાણી થયાં હતાં. ૨૦૦૪ માં જયદેવ ઠાકરે સાથે તેમના છૂટાછેડા થયા તે પછી તેમણે માતોશ્રી બંગલો પણ છોડવો પડ્યો હતો. જો કે પારિવારિક સંપત્તિના ભાગરૂપે તેમને શિવાજી પાર્કના પોશ એરિયામાં ફ્લેટ મળ્યો હતો. ૨૦૧૨ માં બાળ ઠાકરેનું મરણ થયું તે પછી સ્મિતા ઠાકરેના હાથમાં રહેલી થોડીઘણી સત્તાનો પણ અંત આવ્યો હતો.
બાલ ઠાકરેના પુત્ર અને રાજકીય વારસદાર ઉદ્ધવ ઠાકરેના જણાવ્યા મુજબ ઇ.સ.૨૦૧૧ માં તેમના પિતાશ્રીની તબિયત અત્યંત નાજુક હતી ત્યારે તેમણે એક વીલ બનાવ્યું હતું, જેમાં તેમની તમામ સ્થાવર અને જંગમ મિલકત ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવી હતી, પણ જયદેવ ઠાકરેને કોઇ હિસ્સો આપવામાં નહોતો આવ્યો. ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ હાઇ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેમના દિવંગત પિતાશ્રી પાસે કુલ ૧૪.૮૫ કરોડ રૂપિયાની સંપત્તિ હતી, જેમાં તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ બંગલાનો પણ સમાવેશ થઇ જતો હતો. તેની સાથે અસંમત થતાં જયદેવ કહે છે કે આજની તારીખમાં ‘માતોશ્રી’ બંગલાની કિંમત જ ૪૦ કરોડ રૂપિયા છે. તેમાં જો દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં આવેલા શિવસેના ભવનનો અને બાલ ઠાકરેએ સ્થાપેલા મરાઠી દૈનિક ‘સામના’ની ઓફિસનો સમાવેશ કરવામાં આવે તો સંપત્તિ ૧૦૦ કરોડ ઉપર પહોંચી જાય છે.
બાલ ઠાકરેએ પોતાના વીલમાં ‘માતોશ્રી’ બંગલો ઉદ્ધવ ઠાકરેને આપ્યો છે, પણ તેના પહેલા માળે જયદેવ-સ્મિતા ઠાકરેના પુત્ર ઐશ્વર્ય માટે રહેવાની વ્યવસ્થા કરી છે. તેમના વીલમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્મિતા ઠાકરે ‘માતોશ્રી’માં રહી શકે નહીં, પણ ઐશ્વર્યનું ભરણપોષણ કરવાની જવાબદારી તેણે નિભાવવાની છે. જયદેવ ઠાકરેનો આક્ષેપ છે કે જ્યારે બાલ ઠાકરેનું વીલ બનાવવામાં આવ્યું ત્યારે તેમની હાલત એટલી નાજુક હતી કે તેઓ કાંઇ વાંચી કે સમજી શકે તેમ નહોતા. વળી જિંદગીભર મરાઠી માણસના હક્કો માટે લડનારા બાલ ઠાકરે પોતાનું વીલ અંગ્રેજીમાં લખે એ વાત પણ હજમ થતી નથી. સ્મિતા ઠાકરે હાલ પોતાના બીજા પુત્ર રાહુલ ઠાકરે સાથે રહે છે, જ્યારે પહેલો પુત્ર ઐશ્વર્ય અત્યારે પણ માતોશ્રીમાં રહે છે. જો સ્મિતા ઠાકરે ફરીથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તો ઉદ્ધવ ઠાકરેના ફરી સત્તા પર આવવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.