Business

કંપનીના લીડર કે CEO બનવા માટે શું કરવું જોઈએ?

તમે ફૉર્ચ્યુન 500માં શ્રેષ્ઠ કંપનીઓના CEOની યાદી જોશો તો વિદિત થશે કે સારી કંપનીઓના CEOની સફળતાનો મુખ્ય યશ તેમની ‘People Management’(પીપલ મેનેજમેન્ટ) સ્કિલ્સને આભારી છે. ભારતમાં પણ શ્રેષ્ઠ CEOના દાખલા જોશો તો તેમની સફળતાનો યશ તેમની માર્કેટિંગ કરવાની આવડત અને બીજા અન્ય કારણો કરતાં ‘People Management’ને આભારી છે. ‘People Management’ એ શું છે? તમારી સાથે કામ કરતા કર્મચારીઓને, એક નોકરની દૃષ્ટિએ ન જોતાં તેમને એક ‘બિઝનેસ પાર્ટનર’ની જેમ ગણવા અને તેવો અભિગમ રાખવો. વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ તેમની સફળતાનો શ્રેય ‘People Management’ને આપ્યો છે.

તેમના કહેવા પ્રમાણે ‘જો તમે માનવ સંસાધનને બિઝનેસ પાર્ટનરની જેમ રાખશો, તેવો વર્તાવ અને અભિગમ બતાવશો તો સંસ્થાનો ગ્રોથ જરૂર થશે. લોકોથી સંસ્થા બને છે અને શ્રેષ્ઠ કર્મચારીઓથી જ શ્રેષ્ઠ ઓર્ગેનાઇઝેશન બને છે.’ ઇન્ફોસીસના વડા નારાયણમૂર્તિના કહેવા પ્રમાણે રોજ સવારે તેમની મિલકતમાં વધારો થાય છે. જ્યારે રોજ સાંજે તેમની મિલકત ઓછી થઈ જાય છે. નારાયણ મૂર્તિ માનવ સંસાધનને પોતાની મહામૂલી મિલકત માને છે. રોજ સવારે જ્યારે કર્મચારીઓ ઑફિસના કામ પર આવે ત્યારે તેમની મિલકત વધે છે અને જ્યારે કર્મચારીઓ પાછા જાય ત્યારે મહામૂલી મિલકત ઘટે છે.

માનવ સંસાધનનું કેટલું મહત્ત્વ છે તે આ ઉદાહરણથી સમજી શકાય છે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના કહેવા મુજબ ‘તેમની સંસ્થાનો વિકાસ તેના કર્મચારીઓના ફાળાને જ આભારી છે. તેમના મુજબ મારી ટીમ એ જ મારો પરિવાર છે. અનિલ અગ્રવાલના મત મુજબ જે CEO કર્મચારીઓને સારી રીતે સંભાળી શકે છે તેઓના બિઝનેસનો ગ્રોથ આપોઆપ થાય છે. ‘‘People Management’ની સ્કિલ્સ એ સારા મેનેજર અને સારા લીડરનાં લક્ષણો છે.’

ટિપ્સ

  • CEO એ કર્મચારીઓને ‘વૅલ્યુએબલ એસેટ્સ’ તરીકે જોવા જોઈએ. કર્મચારીઓને સાથે રાખીને કામ કરવું અને સંસ્થાનો વિકાસ કરવો.
  • CEO એ સારા એચ.આર મેનેજર બનવા માટે થોડાક લાગણીશીલ બનવું પડે. બીજાની પીડાને સમજવી, કર્મચારીઓની મુશ્કેલીઓમાં સાથ આપવો અને તેમની પડખે ઊભા રહેવું. જો આમ થશે તો કર્મચારીઓ CEO ને તેમના પોતાના પરિવારના ભાગરૂપ ગણશે અને CEO સારા/ખરાબ સમયે તેમની પડખે જ રહેશે.
  • CEO એ કર્મચારીઓને એક નોકર તરીકે નહીં, પરંતુ ‘બિઝનેસ પાર્ટનર’ તરીકે ગણવા. જે રીતે એક પાર્ટનર બીજા પાર્ટનરને માન આપે અને સાથે મળીને કામ કરે તે રીતે કર્મચારીઓને પૂરતું માન આપવું અને તેમના સહિયારા પ્રયાસોથી કંપનીના વિકાસમાં યોગદાન આપવું.
  • કોઈપણ પરિસ્થિતિમાં CEO એ હંમેશાં સ્વસ્થ અને શાંત રહેવું અને કર્મચારીઓને સાચી દિશા તરફ વાળવા પ્રયત્ન કરવો.
  • CEO એ કર્મચારીઓને કાર્યક્ષમતા પ્રમાણે કામ આપવું અને કરાવવું. યોગ્ય કર્મચારીને તેના રસ મુજબનાં કામ આપવાથી તેની કાર્યદક્ષતામાં ઘણો વધારો થશે અને કર્મચારી સંસ્થાના વિકાસમાં વધુ કાર્યશીલ અને ઉત્સાહિત બનશે.
  • જો CEO કર્મચારીઓને માન અને સન્માન આપશે તો કર્મચારીઓ પણ તેમને તેવી જ નજરે જોશે અને એક સારું વાતાવરણ ઊભું થશે, જે સંસ્થાના વિકાસમાં ફળદાયી બનશે.
  • CEO એ એક કર્મચારીને બીજા કર્મચારીની સામે કદી ઉતારી પાડવો નહીં કે અપમાનિત કરવો નહીં. કર્મચારીનો કંઈક વાંક હોય તો તેને એકલાને બોલાવી સારી રીતે સમજાવવું.
  • CEO એ કર્મચારીની યોગ્યતા અને સંસ્થાની જરૂરિયાત પ્રમાણે તાલીમ આપવી. જેથી કર્મચારીઓ ફળદાયી બનશે.
  • જો CEO સારો એચ.આર મેનેજર બની શકે તો સમજવું કે સંસ્થાની સફળતા હાથવગી જ રહેશે.

Most Popular

To Top