SURAT

હીરા ઉદ્યોગમાં મંદી અંગે મહીધરપુરા બજારના વેપારીઓ શું કહે છે?, જાણો..

સુરત: સુરતનો હીરા ઉદ્યોગ હાલ ભયંકર મંદીની ચપેટમાં આવી ગયો છે. છેલ્લાં 50 વર્ષમાં હીરાનાં વેપારમાં ક્યારેય આવી મંદીનો સામનો વેપારીઓએ કર્યો ન હોવાનું મહિધરપુરા હીરા માર્કેટનાં વેપારીઓનું કહેવું હતું. વૈશ્વિક સ્તરે હાલ લેબગ્રોન ડાયમંડનો વધતો વ્યાપ અને નેચરલ ડાયમંડની ડિમાન્ડ ખૂબ ઓછી થઈ ગઈ હોવાનું પણ સપાટીએ આવ્યું છે.

  • છેલ્લાં 50 વર્ષમાં ક્યારેય આવી મંદીનો સામનો કર્યો નથી: વેપારીઓ
  • ભૂતકાળની મદીમાં 10માથી 8 નેચરલ ડાયમંડ વેચાઈ જતાં હતાં, જો કે હાલ પરિસ્થિતિ વિપરીત
  • યુરોપ અને મિડલ ઈસ્ટમાં નેચરલ ડાયમંડની માંગ ઘટી, સસ્તા લેબગ્રોન ડાયમંડની માંગ વધી

ચાઈના તથા અમેરીકા જેવા બે મોટા દેશોએ નેચરલ ડાયમંડ ખરીદવાનુ બંધ કરી દીધું છે. આ સિવાયના દેશો પૈકી હોંગકોંગ, તુર્કી, દુબઈ, મિડલ ઈસ્ટ જેવા દેશોમાં પણ નેચરલ ડાયમંડની ડિમાન્ડ ભારે માત્રામાં ઘટી ગઈ છે, તેવું મહિધરપુરા હીરા બજારનાં વેપારી સમિર શાહનું કહેવું હતું. અત્યાર સુધી ભારત સિવાય વૈશ્વિક સ્તરે સુરતમાં તૈયાર થયેલા હીરાઓની નિકાસ થતી હતી, તેવા દેશોમાં પણ ખરીદી ઓછી થઈ ગઈ છે.

હીરાનાં ઓવરસિઝ માર્કેટોમાં હાલ નેચરલ ડાયમંડની ડિમાન્ડ ખૂબ ઓછી થઈ ગઈ છે, તેનું સ્થાન હવે સીવીડી એટલે કે, લેબગ્રોન ડાયમંડે લઈ લીધું છે. નેચરલ ડાયમંડની તુલનામાં આ ડાયમંડ કિમતમાં 10 ઘણો સસ્તો હોવાથી તે લોકોની પહેલી પસંદગી બની ગઈ છે. મહિધરપુરા હીરા બજારમાં પણ મોટાભાગનાં વેપારીઓ હવે લેબગ્રોન ડાયમંડ બનાવીને તેના કારોબાર તરફ વળી રહ્યા છે.

નેચરલ ડાયમંડમાં મંદી હોવાને કારણે મોટાભાગનાં હીરાનાં વેપારીઓ હાલ બજારમાં સમય જ પસાર કરી રહ્યા છે, તેઓ બપોરે 12 વાગે આવે છે અને સાંજે ઘરે જતાં રહે છે. બીજી તરફ નેચરલ ડાયમંડમાં કામ કરતા મોટાભાગનો કારીગર વર્ગ બેરોજગાર થતાં તેઓ અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. નેચરલ હીરાનાં વેપાર સાથે સંકળાયેલા વેપારી રાજુભાઈ જોગાણી, રાજુભાઈ સંઘવી, યશભાઈ શાહ, અતુલભાઈ સંઘવીએ ભારત સરકારને સહાયની અપીલ કરી છે.

ગોલ્ડનાં ભાવોમાં વધારો મંદીનું બીજુ કારણ
10 ગ્રામ સોનાની કિંમત રૂ.83 હજારને વટાવી ગઈ છે. સોનાની કિંમતોમાં વધારો પણ હીરા વેપારમાં મંદીના એક કારણ પૈકીનું એક કારણ હોવાનું હીરાનાં વેપારીઓનું કહેવું હતું, સોના સાથે નેચરલ હીરાની ખરીદી તથા તેની પાછળની મજૂરી પણ મોંઘી પડતી હોવાથી સોનાની સાથે હવે સિન્થેટીક હીરાઓની ઘડામણી થવા લાગી છે.

બન્ને પ્રકારનાં હીરાઓની ચમક દમકમાં કોઈ ફેર દેખાતો ન હોવાથી લોકો હવે સિન્થેટીક ડાયમંડ પહેરીને સંતોષ માને છે. નેચરલ ડાયમંડમાં કેરેટનો ભાવ 7 લાખ રૂપિયાની સામે લેબગ્રોન ડાયમંડ માત્ર 30થી 40 હજારની કિંમતમાં મળી જતો હોવાથી પણ નેચરલ ડાયમંડને માર પડી રહ્યો છે.

Most Popular

To Top