દરિયા કાંઠે એક દાદા પોતાના પૌત્રને લઈને રોજ સાંજે ફરવા જતા.યુવાન થતો પૌત્ર અને વૃદ્ધ થતા જતા દાદા વચ્ચે સંબંધ મસ્તીભર્યો અને લાગણીભર્યો હતો.રોજ સાંજે દરિયા કાંઠે ફરતા ફરતા પૌત્ર પોતાની કોલેજની મસ્તીની વાતો કરતો અને દાદા પોતાની યુવાનીની જૂની જૂની વાતો યાદ કરતા.બન્નેને એકમેકની વાતો સાંભળવાની મજા આવતી. એક દિવસ સાંજે દરિયા કાંઠે ચાલતાં ચાલતાં દાદાએ પોતાના પુત્રને કહ્યું, ‘ચલ, આજે જરા વધુ મસ્તી કરીએ.દરિયાના પાણીની નજીક જઈને કાંઠે આવતાં મોજામાં ભીના થઈએ.’ પૌત્ર બોલ્યો, ‘દાદાજી, મજા તો આવશે પણ ભીના થશું તો મમ્મી બરાબર ખીજાશે.’ દાદા બોલ્યા, ‘ચલ, માત્ર પગ તો બોળીએ; એમાં તારી મમ્મી નહિ ખીજાય.’
બંને દાદા અને પૌત્રે દરિયા મોજામાં પગ બોળ્યા…મજા કરી અને પછી થોડે દૂર રેતીમાં બેઠા. દાદાએ કહ્યું, ‘દીકરા, મારા દાદાએ મને સમજાવ્યું હતું તે હું તને કહું છું. તને ખબર છે આ દરિયાનાં મોજાં પ્રેરણાત્મક સંદેશ સતત આપતા રહે છે?’ પૌત્રે કહ્યું, ‘હા દાદા, આ દરિયાના મોજાં સતત ઉછળતા રહે છે.એમ આપણે ઉત્સાહથી છલકતા રહેવું જોઈએ.’ દાદાએ કહ્યું, ‘બરાબર છે તારી વાત …પણ મારા દાદાએ મને જે સમજાવ્યું હતું તે હું તને કહું છું તે સમજજે.
આ દરિયાનાં મોજાં સતત ઉછળતાં રહે છે….ઉપર ઉછળે છે અને નીચે પણ પડે છે પણ અટકતા નથી…આ દરિયાનાં મોજાં પ્રેરણાદાયી છે કારણ કે તેઓ સતત ઉછળે છે ..નીચે પડે છે …આગળ આવે છે …પાછળ જાય છે.પણ કયારેય થાકીને અટકી જતાં નથી.ક્યારેય નીચે પડીને હારી જતા નથી.બમણી તાકાતથી ફરી પાછાં ઉછળે છે અને આગળ આવે છે.માટે જીવનમાં હંમેશા ઉત્સાહથી ઉછળતાં રહેવું ..છલકતાં રહેવું અને ક્યારેય થાકવું નહિ અને હારીને અટકી જવું નહિ.’
પૌત્ર બોલ્યો, ‘દાદાજી, હું તમારી વાત સમજી ગયો કે આ દરિયાનાં મોજાંની જેમ જીવનમાં આગળ વધીએ કે ક્યારેક પાછાં પડીએ, અટકવું નહિ.’ દાદાજી બોલ્યા, ‘શાબાશ, હજી એક વાત ..આ દરિયાનાં મોજાં કેટલાંય ઊંચા ઉછળે, કયારેય કાંઠાની મર્યાદા છોડતા નથી.તેમ આપણે પણ જીવનમાં ગમે તેટલા આગળ વધીએ, વિચાર ,વાણી અને વર્તનની મર્યાદા કયારેય તોડવી નહિ.સફળતા મળે કે નિષ્ફળતા, સજાગ રહીને મર્યાદામાં રહેવું. સફળતામાં છકી જવું નહિ અને નિષ્ફળતામાં ઝૂકી જવું નહિ..હારી જવું નહિ.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.