આજે આશ્રમમાં બાગકામ કરવામાં આવી રહ્યું હતું. બધા શિષ્યો અને ગુરુજી પોતે બધા જ કામ પર લાગ્યા હતા.કોઈ જૂના સૂકાં પાંદડાં સાફ કરી રહ્યું હતું.કોઈ ઘાસ કાપી રહ્યું હતું …કોઈ નવા ફૂલ છોડની ક્યારી બનાવી રહ્યું હતું …કોઈ બીજ રોપી રહ્યું હતું… બપોરના ભોજન બાદ થોડો આરામ કરવા બાગમાં જ ઝાડ નીચે બેઠા જેથી થોડા આરામ બાદ ફરીથી જલ્દી કામ શરૂ કરી શકાય. બધા બેઠા હતા ત્યારે ગુરુજીએ કહ્યું, ‘તમે બધા બાગની સંભાળ માટે તનતોડ મહેનત કરી રહ્યા છો સારી વાત છે પણ શું તમે આ બાગનાં ફૂલ, છોડ ,ઝાડ, બીજ, ઘાસ પાસેથી કૈંક શીખ્યા….’ શિષ્યો બોલ્યા, ‘પ્રકૃતિનાં સુંદર અંગ છે અને બાગને સુંદર બનાવે છે, બીજું શું શીખવાનું હોય…’ ગુરુજી બોલ્યા, ‘આંખો અને મગજ ખુલ્લાં રાખો તો આ પૃથ્વી પર દરેક પાસેથી કૈંક શીખ મળે જ છે..એ વાત પછી કયારેક કરીશું.
આજે આ બાગની જ વાત કરીએ.સૌથી પહેલાં ઝાડની વાત કરું તો વૃક્ષ પરોપકારી છે અને બધાને છાંયો ,લાકડું ,ફૂલ, ફળ વગેરે આપે છે તે તો તમને ખબર જ છે પણ આજે તમને સમજાવું કે વૃક્ષ સતત અડીખમ ઊભું રહીને સંદેશ આપે છે કે જીવનમાં હંમેશા અડીખમ રહો …જીવનમાં કોઈ મુશ્ોલી આવે ત્યારે કે કોઈ મકસદ માટે લડી રહ્યા હો ત્યારે તમારા વિચારો પર તમારા માર્ગ પર સતત અડીખમ રહો. હવે વાત કરું નાના નાના છોડની… છોડ વૃક્ષ સમાન મજબૂત નથી, પણ પોતાના અસ્તિત્વ પર દુઃખી નથી થતાં નારાજ નથી રહેતા, સતત આમથી તેમ ડોલતાં રહી સુંદર ફૂલો ઉગાડી બાગની સુંદરતામાં વધારો કરે છે.
જીવનમાં નાની નાની ખુશીઓનું મહત્ત્વ છે …જીવનમાં નાનાં માણસો કે નાનાં કાર્યો કે નાની મદદ કશું જ બિનમહત્ત્વનું નથી. બધા અહીં પોતાનું કાર્ય કરે છે અને આપણે પણ કરતાં રહેવું જોઈએ.આ સુંદર ફૂલો હસતાં હસતાં પોતાની ચાર દિવસની જિંદગીમાં કંઈ કેટલી સુગંધ …સુંદરતા અને આનંદ ફેલાવી અન્યને ખુશ કરે છે તેમ આપણે પણ જીવન દરમ્યાન વધુમાં વધુ લોકોના જીવનમાં આપણાં કામ , મદદ ,સ્વભાવ, સેવા અને શબ્દોથી આનંદ ફેલાવવો જોઈએ.
ઘાસ પાસેથી શીખો કે ઘાસ નાનકડું ,સામાન્ય, લીલા રંગનું પણ તે સુકાઈ જાય તો આખા બાગની શોભા ઓછી થઈ જાય છે..તેમ જીવનમાં કોઈ પણ તુચ્છ નથી. દરેકની આગવી ઉપયોગિતા છે અને હવે સૌથી મહત્ત્વની વાત કરું, જે આ ઝાડ હોય ,છોડ હોય કે ઘાસનો મહત્ત્વનો ભાગ છે તે છે. તેમનાં મૂળ દેખાતાં નથી પણ છુપાઈને બધાને જીવનસત્ત્વ આપે છે …આપણે પણ છુપાઈને અન્યનો આધાર બનવું જોઈએ અને હવે ખાસ વાત બીજની…બીજ જમીનમાં દબાઈને મરતું નથી પણ ઊગીને નવજીવન નિર્માણ કરે છે.આપણે પણ જો જીવનમાં ક્યારેક જમીન પર પડીએ તો બીજની જેમ ફરીથી દરેક અવરોધ સામે લડીને ઊગવું જોઈએ.’ ગુરુજીએ સુંદર સમજ આપી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.