હાલના સમયમાં અંગ્રેજી માધ્યમ તરફનો લોકોનો ઝુકાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે અને લોકોની જરૂરિયાતને આધીન અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલી રહી છે. ગુજરાતી માધ્યમની સરખામણીએ અંગ્રેજી માધ્યમમાં બાળકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. અંગ્રેજી માધ્યમના આંધળા અનુકરણ તરફ લોકો આગળ વધી રહ્યાનું અનુભવાઇ રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાતી ભાષાના અસ્તિત્વ તરફ પ્રશ્ન ઊભો થાય એ પણ ખૂબ જ સ્વાભાવિક છે. ઉચ્ચ અભ્યાસમાં કે સારા વ્યાવસાયિક ક્ષેત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગ્રેજી માધ્યમમાં જ હોય છે જેમાં બાળકો પાછાં ન પડે તે માટે અંગ્રેજી તરફ ઝુકાવ વધુ છે. આ બાબત આપણી માતૃભાષા માટે જોખમરૂપ છે. હમણાં જ બિહારમાં ત્યાંની પ્રાદેશિક ભાષાના બચાવ માટે ‘લેગ્વેંજ બોક્સ’ની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળામાં એક મહિનાના સમયગાળામાં જે બાળક સૌથી વધુ પ્રાદેશિક ભાષાના શબ્દો એ બોક્સમાં ઉમેરે તેને ઇનામ આપવાનું નક્કી કરાયું. આવા નવતર પ્રયોગો ભાષા માટે થાય એ ખૂબ જરૂરી છે. લોકોમાં ભાષાકીય જાગૃતિ કેળવી શકાય અને ભાષારક્ષણ માટેનાં વિદ્વાનોના પ્રયત્નોમાં સામાન્ય જનતા પણ પોતાનો ફાળો નોંધાવી શકે.
– ત્રિવેદી ભાવિશા પી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.