Trending

નાનાં બાળકોમાં કોરોનાનાં શું લક્ષણો જોવા મળે છે? બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે છે ?

ગયા વર્ષના કોરોના પેન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલાં શિશુથી લઈને મોટાં બાળકો સુધી બધાંમાં કોરાનાનું ઈન્ફેકશન થઈ શકે છે. મોટા ભાગનાં બાળકો સારાં થઈ જાય છે છતાં થોડાં બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે. આ સંદર્ભે બાળરોગ નિષ્ણાત ડો. વિમલ જરીવાળાએ તૈયાર કરેલા મા-બાપને મૂંઝવતા પ્રશ્નો:

બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે છે ?

બાળકોને મોટા ભાગે ઘરમાંથી બહાર નોકરી-ધંધાર્થે આવ-જા કરતી વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ લાગે છે. આવી વ્યક્તિને પોતાને ઘણી વખત કોરોનાનાં લક્ષણો ના હોય એવું પણ બને. આ ઉપરાંત બાળકોને મહોલ્લામાં સાથે રમતાં અન્ય બાળકો દ્વારા અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએથી અજાણી વ્યક્તિ દ્વારા પણ સંક્રમણ થઈ શકે છે.

નાનાં બાળકોમાં કોરોનાનાં શું લક્ષણો જોવા મળે છે?

તાવ, ગળું દુખવું, માથું દુખવું, શરીરનો દુખાવો, શરદી-ખાંસી, ઊલટી, ઝાડા, પેટનો દુખાવો વગેરે નાનાં બાળકોના કોરાનાના શરૂઆતનાં લક્ષણો છે. સંક્રમણ વધારે ફેલાતાં ગંભીર લક્ષણો પણ જોવા મળે છે જેમ કે, ખૂબ અશક્તિ લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાસમાં તકલીફ પડવી વગેરે.

બાળકોમાં કોરોના જાણવા માટે કયો રીપોર્ટ કરવામાં આવે છે?

કોઈ પણ પુખ્ત વ્યક્તિની જેમ જ બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જાણવા માટે નાકમાંથી સેમ્પલ લઈને કોવિડ રેપીડ એન્ટિજન ટેસ્ટ અથવા કોવિડ RTPCR કરવામાં આવે છે. બાળકના કોરોના RTPCR રીપોર્ટમા Ct વેલ્યુનું ખાસ મહત્ત્વ નથી. સારવાર બાળકનાં લક્ષણો મુજબ કરવામાં આવે છે. Ct વેલ્યુ પરથી રોગની ગંભીરતાનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી. સામાન્ય લક્ષણો ધરાવતાં બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રીપોર્ટની જરૂર હોતી નથી. ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોમાં સારવાર માટે જરૂરી એવા અન્ય રીપોર્ટ જેવા કે CBC, CRP, LFT, D- Dimer, S. Ferritin વગેરે રીપોર્ટ કરાવવામાં આવે છે. મોટા ભાગનાં બાળકોમાં કોરોના થાય તો પણ તેનાં લક્ષણો ખૂબ સામાન્ય હોય છે. બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસાંમાં ફેલાતો નથી. જેથી શરૂઆતી લક્ષણો ધરાવતાં બાળકોમાં છાતીનો CT Scan કરવાની જરૂર હોતી નથી, પરંતુ ખૂબ ખાંસી આવતી હોય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો CT Scan કરવાની જરૂર પડી શકે.

બાળકમાં કોરોના રીપોર્ટ ક્યારે કરાવવો જોઈએ?

ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો એ ઘરના દરેક સભ્યોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, નાનાં બાળકોએ પણ. હાલના સંજોગોમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ફેલાયું હોવાથી કોઈ પણ બાળકને તાવ, શરદી-ખાંસી કે માથાનો દુખાવો જેવાં લક્ષણો દેખાય તો કોરોનાનો રીપોર્ટ કરાવવો જોઈએ (ઘરમાં અન્ય કોઈ બીમાર ન હોય તો પણ).

બાળકને કોરોના થાય તો શું સારવાર કરવામાં આવે છે ?

મોટા ભાગનાં સામાન્ય લક્ષણો ધરાવતાં બાળકોમા કોરાના કોઈ ચોક્ક્સ દવા વગર, જરૂર પૂરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ જાય છે. ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને Remdesivir ના ઇંજેક્શન આપવામાં આવે છે. પુખ્ત વયના દર્દીમાં વપરાતી દવાઓ જેવી કે Favipiravir, Ivermectin, Doxycyclin, વગેરે બાળકોમાં વાપરવામાં આવતી નથી.

કોરોનાનું સંક્રમણ ધરાવતું બાળક ઘરે હોય તો શું ધ્યાન રાખવું ?

ડૉક્ટરની સલાહ મુજબની દવાઓ આપવી, ખૂબ પાણી પીવડાવવું, ઘરે જ બનાવેલો તાજો સંતુલિત ખોરાક આપવો, બહારનો ઠંડો અને વાસી ખોરાક આપવો નહીં, હૂંફાળું પાણી પીવડાવવું અને શક્ય હોય તો મોટાં બાળકોને સવાર-સાંજ બાફ આપવો. નાનાં બાળકોને કોરોનાનું સંક્રમણ મોટે ભાગે ઘરની કોઈ મોટી વ્યક્તિમાંથી જ લાગ્યું હોય છે, જે વ્યક્તિ ઘણી વાર પોતે લક્ષણો ધરાવતો ન પણ હોય શકે એટલે કોરોના સંક્રમિત બાળકને મા-બાપની સાથે જ રાખવાનું હોય છે. પરંતુ ઘરના ૫૦ વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમોર્બિડીટીવાળી વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવા જરૂરી છે.

અમારા ઘરમાં દરેક મોટી વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, માત્ર બાળક નેગેટીવ છે અને એને કોઈ લક્ષણો પણ નથી. તો શું અમારે આ બાળકને અમારાથી અલગ બીજા ઘરે મોકલી દેવો જોઈએ ?
બિલકુલ નહીં. આવું બાળક, રીપોર્ટ નેગેટીવ હોવા છતાં કોરોનાથી સંક્રમિત હોય શકે છે. આવું બાળક બીજાના ઘરમાં પણ સંક્રમણ ફેલાવશે માટે, આવા કિસ્સામાં બાળકને પોતાના ઘરે જ રાખો.

મારી પત્નીને હાલમાં જ ડીલીવરી થઈ છે અને હવે કોરોના પોઝિટિવ છે. શું એ બાળકને ધાવણ આપી શકે ? શું બાળકને માતાથી અલગ રાખવું જોઈએ? શું બાળકનો કોરોના રીપોર્ટ કરાવવો જોઈએ?
મોટે ભાગે તો આવું બાળક કોરોનાથી સંક્રમિત થઈ જ ગયું હોય છે. રીપોર્ટ કરાવી શકાય પરંતુ જરૂરી નથી. જ્યાં સુધી બાળકમાં કોઈ ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી કોઈ સારવારની પણ જરૂર નથી. બાળકને માતાનું ધાવણ ચાલુ રાખવું. કોરોના પોઝિટિવ માતા મોઢાં ઉપર માસ્ક પહેરીને બાળકને ચોક્ક્સ ધાવણ આપી જ શકે છે.

Most Popular

To Top