SURAT

VIDEO: ડાયમંડ ઈન્ડસ્ટ્રીની બજેટ પ્રત્યે શું છે અપેક્ષા?, જાણો અગ્રણીઓ શું કહે છે

સુરતઃ આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ ભારત સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટ પહેલાં ઉદ્યોગજગતમાં હલચલ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રીના પેટાળામાંથી શું બહાર આવશે તે જાણવાની ઉત્કંઠા થવા લાગી છે ત્યારે ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને આ વખતે બજેટ પ્રત્યે મોટી અપેક્ષા છે.

  • ભારતને રફ ટ્રેડિંગ હબ બનાવવું હોય તો બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ અપનાવો, હીરા ઉદ્યોગની બજેટ પહેલાં ભલામણ

અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ બેઠાં ત્યાર બાદ ટેરિફ વોર શરૂ થઈ છે. આ ટેરિફ વોરમાં સૌથી વધુ નુકસાન ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને ઉઠાવવું પડ્યું છે. વોલ્યુમની દ્રષ્ટિએ ભલે આંકડા સારા દેખાતા હોય પરંતુ ખરેખર વેપારને 40 ટકા જેટલી માતબર નુકસાનીમાં હોવાનું જાણકારો કરે છે, ત્યારે સરકાર આ વખતે બજેટમાં એવી કોઈ મોટી જાહેરાત કરે કે જેથી અમેરિકાના ટેરિફ સામે હીરા ઉદ્યોગને પ્રોટેક્શન શિલ્ડ મળે તેવી અપેક્ષા હીરા ઉદ્યોગને છે.

ખાસ કરીને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ભારતને પોલિશ્ડ ડાયમંડ મેન્યુફેક્ચરીંગ હબથી એક સ્ટેપ આગળ લઈ જઈ ડાયમંડ રફ ટ્રેડિંગ હબ તરફ લઈ જવા માંગે છે અને તે માટે ભારત સરકારના સહકારની અપેક્ષા રાખે છે.

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન (IDI) દિનેશ નાવડીયાએ કહ્યું કે, સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં વિદેશી માઈનીંગ કંપનીઓ દ્વારા રફ ટ્રેડિંગ કરાય તો 4 ટકા સેફ હાર્બર ટેક્સ ભરવો પડે છે, તેના લીધે વિદેશી માઈનર્સ ભારતમાં રફ વેચવા આવતા નથી. જો ભારત સરકાર આ ટેક્સ દૂર કરી બેલ્જિયમની જેમ કેરેટ ટેક્સ સિસ્ટમ લાગુ કરે તો વિદેશી માઈનર્સ ભારતમાં જ રફ વેચવા આવશે. જેથી ભારતીય હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે.

નાવડીયાએ વધુમાં કહ્યું કે, દુબઈ કે એન્ટવર્પમાં રફની ખાણો નથી, પરંતુ ત્યાં ટેક્સ સિસ્ટમ સકારાત્મક છે તેના લીધે આ દેશો રફ ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યા છે. ભારત સરકાર પોલિશ્ડ ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ છે. જો ભારતમાં રફની ખાણ કંપનીઓને સારી કર રાહતો મળે તો ભારત પણ રફ ટ્રેડિંગ હબ બની શકે છે.

છેલ્લાં કેટલાંક સમયથી નેચરલ કરતા સીવીડી/લેબગ્રોન ડાયમંડનો વેપાર વધુ ફુલ્યોફાલ્યો છે. સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી છેલ્લાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી આ કૃત્રિમ હીરાના વેપાર પર ટકેલી છે, ત્યારે સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, સુરતમાં લેબગ્રોનના 800થી 1000 કારખાના છે. લાખો રત્નકલાકારો આ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. સૈંકડો કારખાનેદારો સાહસ ખેડી રહ્યાં છે.

આ ઈન્ડસ્ટ્રી એવી છે જેમાં રફથી પોલિશ્ડ બધું સુરતમાં જ તૈયાર થાય છે. મેક ઈન ઈન્ડિયાના ભારત સરકારના સૂત્રને સાકાર કરતી આ ઈન્ડસ્ટ્રીના કારખાનેદારોને બળ પુરું પાડવા માટે સરકારે સબસીડી યોજનાઓ જાહેર કરવી જોઈએ. જેમ કાપડમાં મશીનો ખરીદવા ટફ જેવી સબસીડી મળે છે તે રીતે લેબગ્રોનમાં મશીનરી ખરીદવા સરકાર સબસીડી યોજનાઓ જાહેર કરવી જોઈએ.

હીરા ઉદ્યોગની બજેટ પ્રત્યે અપેક્ષા

  • રફ ડાયમંડ માટે લિબરલ ટેક્સેશન. ખાસ કરીને સ્પેશિયલ નોટિફાઈ ઝોનમાં વિદેશી માઈનિંગ કંપનીઓ માટે લાગુ 4 ટકા સેફ હાર્બર ટેક્સ વ્યવહારું નથી. તે દૂર થવો જોઈએ અને બેલ્જિયમ માં કેરેટ ટેક્સ છે તેવો ફ્લેક્સિબલ કર માળખું લાગું કરવું જોઈએ.
  • લેબગ્રોન ડાયમંડના સીડ્સ પર કસ્ટમ્સ ડ્યુટીની છૂટ વધારવી જોઈએ.
  • રિ-ઈમ્પોર્ટ નિયમોમાં હાઈટ વેરિયન્સ રેટ્રોસ્પેક્ટિવ લાગુ કરવી. 2014થી 2015 દરમિયાન હાઈટ વેરિયન્સના અભાવને કારણે ઉદ્યોગને મુશ્કેલી પડી. આ સમયગાળા માટે હાઈટ વેરિયેન્સને રેટ્રોસ્પ્રેક્ટિવ રીતે લાગુ કરવા માંગ છે.
  • સોનું અને ચાંદી માટે એડ વેલોરેમ ડ્યુટી ડ્રોબેક લાગુ થાય. હાલની ફિક્સડ ડ્રો બેક કર પદ્ધિત ભાવમાં વધઘટને ધ્યાને લેતી નથી. એડ વેલોરેમ પદ્ધતિ લાગુ કરવાથી વાસ્તવિક ડ્યુટી મુજબ રિફંડ મળશે અને નિકાસકારો પર નાણાંકીય ભાર ઘટશે.
  • પ્લેટિનમ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિકલ્સ માટે ડ્યુટી ડ્રોબેક લાગુ થાય. હાલની સ્કીમમાં બંને ડ્યુટી ડ્રો બેકમાં સામેલ નથી. આ ક્ષેત્રોમાં નિકાસ ઝડપથી વધી રહી હોવાથી આ બંને ક્ષેત્રોને ડ્યુટી ડ્રો બેકનો લાભ આપવાથી ડીટીએ યુનિટસ સ્પર્ધાત્મક બનશે.
  • વિદેશી પ્રવાસીઓ માટે ટેક્સ રિફંડ સ્કીમ લાગુ કરાય. જીએસટી સાથે બેઝીક કસ્ટમ ડ્યુટી અને એઆઈડીસી નો રિફંડ પણ આવરી લેવાય. તેથી ભારત વિશ્વમાં લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશનલ તરીકે આકર્ષક બને.
  • સેઝમાં રિવર્સ જોબ વર્કરને મંજૂરી, ડીટીએમાં સ્ટોક વેચવાની છૂટ મળે, બિલ ટુ શિપ ટુ મોડલ હેઠળ ડીટીએમાંથી ખરીદી કરાય.
  • ઈન્ડાયરેક્ટ ટેક્સ અને અન્ય પ્રસ્તાવોમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ અને કલર્ડ જેમ્સ્ટોન્સ પર આયાત શુલ્ક ઘટાડાય તથા રફ જેમ્સસ્ટોન્સ પર શુલ્ક સંપૂર્ણ રદ કરાય.

Most Popular

To Top