Columns

હમણાં હું શું કરું છું

એક રાજા પાસે દુનિયાભરનાં બધાં જ સુખ હતાં. સમૃધ્ધ રાજ્ય, ગુણવાન પત્ની, સંસ્કારી બે સંતાન, પ્રજાનો પ્રેમ , બધું જ હતું, છતાં રાજાને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રહેતી. પોતાની પાસે જે હતું તે બધું જ તેને ઓછું લાગી રહ્યું હતું અને એટલે તે દુઃખી જ રહેતો અને પોતાની પાસે જે સુખ સાહ્યબી હતી તે માણી શકતો ન હતો. પોતાના દુઃખને દૂર કરવાનો માર્ગ શોધતાં શોધતાં રાજા એક મંદિર પાસે પહોંચ્યો. મંદિરની બહાર એક ફૂલવાળો સુંદર ફૂલો વેચી રહ્યો અને  અતિ સુંદર ફૂલોની માળા બનાવતાં બનાવતાં ભગવાનનાં ભજન ગાઈ રહ્યો હતો.

એક બાજુ તેણે પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી હતી અને બીજી બાજુ બે માટલામાં મંદિરે આવનાર ભક્તો માટે પાણીની વ્યવસ્થા પણ કરી હતી. ભક્તો તેની પાસેથી ફૂલો અને ફૂલની માળાઓ ખરીદતાં, તે વધુ નફો ન લેતાં સસ્તા ભાવે ફૂલની માળા વેચતો, સુંદર ફૂલો શોધી  આપતો, રામરામ કહેતો અને ઠંડું પાણી પણ પીવડાવતો અને કામ કરતાં કરતાં ભગવાનનાં ભજન ગાતો રહેતો.તેના ચહેરા પર એક અજબ ખુશી અને શાંતિ ચમકતાં હતાં.

રાજા દૂરથી આ ફૂલવાળાને ક્યારનો જોઈ રહ્યો હતો. રાજા તેની કલાત્મક ફૂલમાળાઓથી પ્રભાવિત થયો અને તેણે જોયું કે ફૂલવાળો તો સાવ સસ્તા ભાવે આ માળાઓ વેચી રહ્યો છે.તેઓ મંત્રી સાથે ફૂલવાળા પાસે ગયા અને તેને કહ્યું, ‘હું આ નગરનો રાજા છું.તારી આ માળાઓ મને બહુ ગમી છે.’ફૂલવાળાએ રાજાને નમન કર્યા અને પૂછ્યું, ‘આભાર રાજન બોલો તમને કઈ માળા આપું.’

રાજાએ કહ્યું, ‘ભાઈ તારી કળા અતિ સુંદર છે. તું મારી સાથે મહેલમાં ચાલ.’ ફૂલવાળા માળીએ કહ્યું, ‘હું રાજન્ મહેલમાં શું કામ આવું?’ મંત્રી બોલ્યા, ‘ત્યાં સુંદર માળાઓ બનાવી મહેલના મંદિરને અને તોરણોથી મહેલને શણગારજે. તને અહીં મળે છે તેનાથી ઘણા વધુ પૈસા મળશે.’ ફૂલવાળાએ કહ્યું, ‘પણ વધુ પૈસાનું મારે શું કામ? હું શું કરું વધુ પૈસા મેળવીને?’ રાજાએ કહ્યું, ‘અરે, વધુ પૈસા કમાઇશ તો વધુ સુખી થઈશ. બીજાને સુખી કરી શકીશ, સમાજ અને લોકોની સેવા કરી શકીશ અને જીવનમાં સુખ શાંતિ આવશે તો સુખેથી ભગવાનનું નામ લઇ શકીશ.’

આ સાંભળી ફૂલવાળો હસ્યો અને બોલ્યો, ‘રાજન્, તો હું હમણાં શું કરું છું? તમને શું દેખાય છે? હું ખુશ છું ,મનગમતું કામ કરું છું ,લોકોને ખુશ કરું છું , મૂંગાં પંખીઓની અને મંદિર આવતાં લોકોને જલસેવા આપું છું અને ભગવાનના સાન્નિધ્યમાં બેસીને સુખેથી તેમનું નામ જ તો જપું છું. તેને માટે મારે અહીંથી મહેલમાં આવવાની શું જરૂર છે? રાજન્ માફ કરજો, પણ પૈસા જ બધું નથી. જીવનમાં આનંદ અને ખુશીનો બધો આધાર કંઈ પૈસા પર રહેલો નથી. હું હમણાં જ્યાં છું, જે કરું છું, તેમાં ખુશ છું. સુખી છું અને તે માણી રહ્યો છું.’ફૂલવાળાના જવાબમાં રાજાને જીવનનો સાચો માર્ગ સમજાયો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top