ઘણા લાંબા સમય પછી આપણા વડા પ્રધાનને વિદેશ પ્રવાસે જવાનો યોગ પ્રાપ્ત થયો. તેઓશ્રી અમેરિકા ગયા એ આમંત્રણ હતું કે “આમંત્રિત કરાવ્યાં”? એ સંશોધનનો વિષય છે. વડા પ્રધાન તેમના પ્રવાસના નિર્ધારિત દિવસો કરતાં એક દિવસ પહેલા પરત ફર્યા. વડા પ્રધાનના અમેરિકા પ્રવાસ બાબતે બે મત પ્રવર્તે છે, એક વર્ગ એમનો (પ્રશંસક) એમ કહે છે કે, અમેરિકાનો પ્રવાસ સફળ રહ્યો. બીજો વર્ગ (ટીકાકારો) એમ કહે છે કે, “ડેલીએ હાથ દઇ આવ્યા”… અહેવાલ પ્રમાણે વડા પ્રધાનનું વિમાની મથકે સ્વાગત કરવા માટે અમેરિકાના કોઈ ઉચ્ચ કોટિના નેતા હાજર રહ્યા નહોતા.
સૌથી અગત્યનો મુદ્દો એ છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડનને આપણા વડાપ્રધાન ક્યા મોઢે મળ્યા હશે? કારણ કે, આપણા આ જ વડા પ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ વખતે “અબકી બાર ટ્રમ્પ સરકાર” ના નારા એમની ધરતી પર લગાવી આવેલા. (મતલબ કે જો બાયડનને હરાવો અને ટ્રમ્પને જીતાડો) એ વખતે વડા પ્રધાનને વિચાર કેમ ના આવ્યો કે કદાચ ટ્રમ્પ હારી જાય તો? એક વિશાળ દેશના વડાપ્રધાન હોવાને નાતે આપને આવી હરકત શોભે ખરી? આવી હરકત બાદ જો બાયડન આપણા વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત ના કરે, એ સ્વાભાવિક છે. કહેવાતા વિદેશ નીતિમાં “માહિર” એવા આપણા વડા પ્રધાન આ વાત સમજવામાં કેમ થાપ ખાઈ ગયા?
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે