Comments

વીજળી શું ? પાણી શું ? પેપર લીક શું? ડોક્ટરો કોણ? શિક્ષકો કોણ ? કેજરીવાલ કોણ? પાટીદાર કોણ? પાર્ટી કોણ?

ગરમી અને મોંઘવારી વચ્ચે ગુજરાતમાં આજકાલ કાળઝાળ હરીફાઇ જામી છે. ગરમીમાં રાજકીય ગરમી અને વાતાવરણની ગરમીની ખેંચતાણ મચેલી છે, તો મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ એક તરફ છે ને બીજી તરફ બીજી ચીજવસ્તુઓના ભભૂકતા ભાવ છે. એક તરફ કાળ ઉનાળો છે ને બીજી તરફ સામી ચૂંટણી છે. આમાં કેટલાક નેતાઓની જીભ લપસી જતાં વધારાની ગરબડો ઊભી થઇ રહી છે. 206 દિવસની સરકારને માથે રોજેરોજ કંઇક ને કંઇક બબાલો ઊભી થતી જ રહે છે. બાપડા મુખ્ય મંત્રી જેટલા ઠાવકા, ઠરેલ ને નમ્ર છે, એટલા એમના કેટલાક સાથીઓ ઉગ્ર અને ઉતાવળા લાગે છે. જેને કારણે ચૂંટણી વર્ષમાં સરકારની સામે અવનવા મુદ્દા ઊભા થતા રહે છે. વીજળીની ખેંચને કારણે ગામડાં અને નાના-મધ્યમ ઉદ્યોગોની નારાજી ફેલાયેલી છે, ત્યાં ડોક્ટરો, શિક્ષકો, વિવિધ જ્ઞાતિ સમાજોની નારાજી  થતી જાય છે. સરકારી ડોક્ટરોએ એમની ગ્રેડ-પે, રિકવરી સહિતના અનેક પ્રશ્નો માટે વંકાયેલા છે. તેની અસર સરકારી હોસ્પિટલો અને દવાખાનાંમાં બાપડા સામાન્ય દર્દીઓને થઇ રહી છે.

 રાજ્યના બોલકા શિક્ષણ  મંત્રીએ હમણાં રાજકોટમાં ઉત્સાહમાં આવી જઇને એવું નિવેદન આપેલું કે જેને અહીંનું શિક્ષણ સારું ન લાગતું હોય તો તેઓ સારું લાગે ત્યાં બીજે જાય. ભાજપના કેટલાક નેતાઓ રાજકોટ કે સૌરાષ્ટ્રમાં અવારનવાર આંટાફેરા કરતા રહે છે ને એમાંના કેટલાંક તો ત્યાં જઇને એકદમ આવા કેમ ઉગ્ર બની જાય છે એ નથી ગાંધીનગરને સમજાતું કે નથી પાટનગર નવી દિલ્હીને સમજાતું. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કયું ફ્રસ્ટ્રેશન કાઢવા પોતાના જ શિક્ષણ ખાતાના સંદર્ભે આવું કીધું હશે એ વિષે ભાજપનાં વર્તુળોમાં ખાસ્સી ચર્ચા ચાલી છે. વળી સરકારી પરીક્ષાઓનાં પેપર ફૂટવાના જે સિલસિલા હમણાંથી ચાલ્યા છે, તેને માટે એક નિમિત્ત ગણાતા યુવા નેતા અને વિદ્યાસહાયકોથી માંડીને ભરતીવાંચ્છુ ઉમેદવારોના હિત માટે લડત ચલાવતા યુવરાજસિંહ માટે પણ શિક્ષણ મંત્રીએ રાજકોટમાં જ એવું કહેલું કે કોણ યુવરાજસિંહ?

જીતુભાઇ વાઘાણીનાં આ ઉચ્ચારોથી ખાસ્સી હલચલ મચેલી છે. સોશ્યલ મીડિયામાં તો તેઓ ખૂબ ટ્રોલ પણ થયા છે. વાઘાણી કોણ?-ની કોમેન્ટ્સ થઇ રહી છે. હજુ થોડા દિવસ પહેલાં આમઆદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયાએ ગુજરાતના કથળેલા શિક્ષણ માટે સામસામી બહેસ કરવાની પણ તૈયારી દેખાડી હતી. ત્યાં વાઘાણીનાં ઉપરોક્ત નિવેદનોએ બળતાંમાં ઘી હોમ્યું છે. આમઆદમી પાર્ટીને ગબડવાનો ઢાળ મળી ગયો છે. સિસોદિયાએ વાતને ઉપાડી લેતાં એવું પણ કહી દીધું છે, કે સારા શિક્ષણ માટે ગુજરાત છોડવાની જરૂર નથી. આમઆદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી જેવું શિક્ષણ આપશે. આક્રમક નેતા તરીકે ઉભરેલા ગુજરાત ભાજપના અધ્યક્ષની જીભ કદી આમ લપસતી નથી. તેઓ વાઘાણી જેવી વાણી કદી ઉચ્ચારતા નથી. ગૃહ રાજ્યમંત્રી (સુરતના જ) હર્ષભાઇ સંઘવી જોશમાં હોય છે, પણ કદી આવી અવળવાણી ઉચ્ચારતા નથી.

ભાજપને નુકસાન થાય એવાં પ્રકારનાં આવાં ઉચ્ચારો કે વલણની તો જાણે આ શરૂઆત છે. ચૂંટણી સુધીમાં આવાં અનેક વર્તન જોવા મળે તો નવાઇ નહીં. સવાલ આમાં ઉગ્રતા દાખવવાનો નહીં, પણ ચૂંટણી વર્ષમાં નાહકના વિવાદોથી અળગા રહીને નક્કરતા સાથે પ્રજા સમક્ષ જવાનો છે. મોદી હૈ તો મુમકીન હૈ, એ વાત સો ટકા સાચી, પણ એમાં આવા બેફામપણા નુકસાન બની શકે છે. આમેય ભાજપ સામે નાહકના અનેક પડકારો આવી રહ્યા છે. અહીં બધું સમુસૂતરું ચાલતું જ હોત તો મોદી સાહેબે પોતાની વ્યસ્તતામાંથી મહિને ને મહિને ગુજરાતના આંટા ખાવા ન પડતા હોત. મોદી સાહેબને નામે (જ) ભાજપને વોટ મળે છે, એ વાત સાચી છે, પણ વિપક્ષી માર્જિન વધે એવી હરકતો કમ સે કમ ભાજપનું હિત હૈયે હોય એઓ ન કરે એવી અપેક્ષા હાઇ કમાન્ડ રાખે ને ચૂંટણી વખતે કાપકૂપ કરી મારે એમાં વાંક કોનો ને ગુનો કોનો। ડોક્ટરોનું કોકડું હજુ પત્યું નથી. શિક્ષકોના પગાર-એરિયર્સ, પોલીસ કર્મીઓના ગ્રેડ-પે સહિત અનેકાનેક ક્ષેત્રોના પ્રશ્નો કે બાકી માગણીઓ અણિયાળી બનીને નવી રાજ્ય સરકાર સામે આવી રહી છે.

નવી સરકારને ગાઇડ કરનારા જેટલા નથી, એટલા મિસગાઇડ કરનારા વધુ લાગે છે. ડોક્ટરોના મામલે અનુભવીઓએ સાચી સલાહ આપવી જોઇતી હતી. ડોક્ટરોનું કોકડું હજુ જોઇએ એવું ઉકેલાયું નથી. એવું જ રખડતાં ઢોરને નિયંત્રિત કરવાના કાયદાના મામલે થયું છે. ઢોરનો આ મુદ્દો અનેકને અકળાવનારો ભલે હોય, પણ ચૂંટણીના મામલે વિશાળ માલધારી સમુદાયની ખફગી ઊભી કરે એવો છે. સરકારે એમાં પણ પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં. પેપર ફૂટવાના મામલે તો સરકાર બદનામ થયેલી જ છે. કાળ ઉનાળે અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ તો શરૂ જ છે. વીજળીનો પ્રશ્ન ચોમાસા પહેલાં ઉકેલાય એમ લાગતું નથી. છેલ્લાં થોડાં વર્ષમાં વીજળી-પાણીનો પ્રશ્ન એટલો નહોતો, જેટલો હાલ ચૂંટણીના વર્ષમાં છે. પાટીદાર નેતા નરેશભાઇ પટેલ કઇ પાર્ટીમાં જોડાવાના છે એ હજુ કળી શકાતું નથી. ભાજપ દ્વારા પાટીદાર સમુદાય પરની પકડ જાળવી રાખવાના અનેક પ્રયાસો ચાલી રહેલા જણાય છે. મોદી સાહેબ પાટીદાર સમુદાયના બે કાર્યક્રમોને તાજેતરમાં વર્ચ્યુઅલી સંબોધવાના પણ છે. કોળી સમુદાયમાં પણ ખાસ્સો સળવળાટ છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાય પણ સક્રિય બનેલો છે. હજી તો બીજા સમુદાયો પણ ધાર સજાવી રહેલા જણાય છે. ચૂંટણીટાણે સૌ કોઇ રાજ્ય સરકારનો દાવ લેવાની વેતરણમાં પડ્યા છે. આ બધામાં મોંઘવારીએ પણ આડો આંક વાળવા માંડ્યો છે. ભાજપના સમર્થકો-શુભેચ્છકોને આ કાળઝાળ મોંઘવારીમાં પણ કમળની પડખે રાખવા એ બાબત પણ આ નવી સરકારને માટે પડકારરૂપ તો છે જ. કાલે ઊઠીને કોઇ એવું ન કહેવા લાગે કે વીજળી શું ? ! પાણી શું ? પેપર લીક શું? ડોક્ટરો કોણ? શિક્ષકો કોણ ? કેજરીવાલ કોણ? પાટીદાર કોણ? પાર્ટી કોણ?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top