Sports

દિલ્હી પોલીસે 7 મહિલા રેસલરને સુરક્ષા આપી, બ્રિજ ભૂષણનો આરોપ એક ઉદ્યોગપતિએ આખું ષડયંત્ર રચ્યું છે

નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ સાત મહિલા રેસલર્સ દ્વારા મૂકાયેલા જાતીય સતામણીના આરોપમાં દિલ્હી પોલીસે (Delhi Police) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યા અનુસાર બે એફઆઇઆર (FIR) દાખલ કરી હતી. કોનોટ પ્લેસ પોલીસ દ્વારા દાખલ કરાયેલી બે એફઆઇઆરમાંથી એકમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) સહિત અન્ય સંબંઘિક કલમો સાથે દાખલ કરી હતી. તેમ છતાં આજે પણ પહેલવાનાના ધરણાનો આજે 8મો દિવસ છે.

રવિવારે બ્રિજ ભૂષણે આ ઘટના અંગે એક ઉદ્યોગપતિ પર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે આ બધાનું ષડયંત્ર હજારો કરોડની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ દ્વારા ઘડવામાં આવ્યું છે. બ્રિજ ભૂષણે પણ આજે કહ્યું હતું કે સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે તેમના નિવેદનો બદલ્યા છે. ઉપરાંત બીજો મોટો દાવો કરતા તેણે કહ્યું કે જે કોઈ ધરણા પર બેઠો છે તે હુડ્ડાની એકેડમીનો છે. વડાપ્રધાન મોદી તેમના નિશાના પર છે. યૌન ઉત્પીડન સામે કુસ્તીબાજોના વિરોધ વચ્ચે દિલ્હી પોલીસે 7 મહિલા રેસલરને સુરક્ષા પૂરી પાડી છે. તેમજ દિલ્હી પોલીસે 7 મહિલા રેસલર્સનો સંપર્ક કરીને તેમના નિવેદન નોંધ્યા છે.

આ વચ્ચે ઓલંપિક વિજેતા યોગેશ્વર દત્તે આ અંગે પ્રતિક્રિયા આપી છે. દત્તે કહ્યું કે પોલીસમાં FIR નોંધાઈ ગઈ છે તેમજ હવે કાયદાકીય કાર્યવાહી પણ તેના પર શરૂ થઈ ગઈ છે. આ મામલો હવે કોર્ટના હાથમાં છે. તેથી ખેલાડીઓએ પોતાની પ્રેકિટસ પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત તેમણે વધારામાં કહ્યું કે તેઓએ પહેલા જ પોલીસ પાસે જવાની સલાહ ખેલાડીઓને આપી હતી. આ ઉપરાંત યોગેશ્વરે કહ્યું કે પોલીસ એકશન ત્યારે જ લેશે જયારે તમે FIR નોંધાવશો. આ વાત હું એ પહેલા જ પહેલવાનોને કહી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું કે રમત મંત્રાલયે પણ એક કમિટિ બનાવી હતી જો કે તેઓ સીધો કોઈ ઉપર આરોપ ન લગાવી શકે ન તો કોઈ નિર્દોષ છે તેવું કહી શકે. આ ઉપરાંત આમ નિર્ણય લેવાનો પાવર કમિટિ પાસે છે પણ નહિં. આ પાવર માત્ર કોર્ટ પાસે જ છે જેઓ દોષીને સજા અને નિર્દોષને ન્યાય અપાવી શકે. કમિટિનું કામ માત્ર એટલું છે કે તેઓ નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરી દે.

પહેલવાનોને સાથ આપવા માટે ભીમ આર્મીના મુખીયા ચંદ્રશેખર આઝાદ પણ જંતર મંતર પહોંચ્યા હતા. તેઓએ આ અંગે કહ્યું કે આ લડાઈ પાર્ટ, જાતિ કે ધર્મની નથી પણ સત્યની છે. આ ઉપરાંત દિલ્હીના વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ #istandwithmychampions હેશટેગ અભિયાન ચલાવ્યું છે. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે ‘પોલીસે કહ્યું કે જો તમારે વિરોધ કરવો હોય તો રસ્તા પર સૂઈ જાઓ. આજે તેમના પર કેવું દબાણ આવ્યું છે, અગાઉ આવી કોઈ સમસ્યા નહોતી, આ FIR માત્ર સુપ્રીમ કોર્ટના દબાણને કારણે થઈ છે. અમે અમુક સામાન મંગાવ્યો હતો પરંતુ પોલીસ અમને અહીં લાવવા નથી દેતી તેમજ જેઓ સામાન લાવે છે તેમને માર મારીને ભગાડી રહ્યા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું, પછી ભલે પોલીસ પ્રશાસન અમને ગમે તેટલો ત્રાસ આપે.

આ કેસની તપાસ દિલ્હી પોલીસની 7 મહિલા અધિકારીઓ કરશે. 7 મહિલાઓ 1 ​​ACP ને રિપોર્ટ કરશે અને પછી ACP DCP ને રિપોર્ટ કરશે. નવી દિલ્હી જિલ્લાના લગભગ 10 નિરીક્ષકોને FIR નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જે પછી 2 FIR નોંધવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસનો દોર વિદેશમાં પણ જઈ શકે છે. આ ઉપરાંત પીડિત રેલસરની સુરક્ષાની જવાબદારી પણ દિલ્હી પોલીસની રહેશે.

Most Popular

To Top