સુરત: (Surat) શહેરીજનોની વિશેષ ટ્રેનોની (Train) માંગણીને ધ્યાને લઇ વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા ઉધના તેમજ બનારસ સ્ટેશન વચ્ચે એક નવી સાપ્તાહિક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સેવા મંગળવારથી શરૂ થશે. આ ટ્રેનને મંગળવારે સાડા દશ વાગ્યે રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ (Darshna Jardosh) લીલી ઝંડી બતાવી ઉધનાથી રવાના કરશે.
- રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉધના-બનારસ વિકલી સુપરફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવશે
- ઉધના-બનારસ અને બનારસ ઉધના વચ્ચે પરપ્રાંતિય મુસાફરો માટે સાપ્તાહિક વિશેષ ટ્રેન ફાળવાઇ
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેન નં.09013 ઉધના-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ અઠવાઠિયામાં એક દિવસ ઉધના-બનારસ વચ્ચે દોડશે. દરમિયાન મંગળવારે પહેલા દિવસે આ ટ્રેનનો સમય સવારે 10.30 કલાકનો રખાયો છે. ઉધના રેલવે સ્ટેશનેથી રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંધવી સહિત ભાજપના ધારાસભ્યો રેલવે અધિકારીઓ હાજર રહેશે. ઉધના-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ દર મંગળવારે સવારે 7.25 કલાકે ઉધનાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10.50 કલાકે બનારસ પહોંચશે. 11 ઓક્ટોબરથી આ ટ્રેન નિયમિત રીતે દોડાવવામાં આવશે.
આજ રીતે ટ્રેન નં.20962 બનારસ-ઉધના સુપરફાસ્ટ દર બુધવારે બનારસથી સાંજે 17.50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 20.35 કલાકે ઉધના રેલવે સ્ટેશન પહોંચશે. બનારસ-ઉધના વચ્ચે 5 ઓક્ટોબરથી નિયમિત રીતે ટ્રેન ઉપડશે. બંને રૂટ ઉપર વડોદરા, રતલામ, નાગા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બ્યાવરા, રાજગઢ, રૂઠિયાઇ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, માલનપુર, સોની, ભિંડ, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, તેમજ જોનપુર સ્ટેશન ઉપર સ્ટોપેજ લેશે.