Sports

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત: કોહલી અને બુમરાહને આરામ અપાયો

મુંબઈ(Mumbai) : વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની ટી20 સીરીઝ (T-20 Series) માટે ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને (Virat Kohli) 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચોની આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે T20 કે ODI સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય.

સિનીયરોને આરામ આપવા મુદ્દે સુનીલ ગવાસ્કર સહિતના ભૂતપૂર્વ ભારતી દિગ્ગજોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ગવાસ્કરે તો ત્યાં સુધી કહી દીધું છે કે કોઈ કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ કરતા વધુ આરામ ભારતીય ક્રિકેટરોને આપવામાં આવી રહ્યો છે. ગવાસ્કરે આઈપીએલમાં રમતી વખતે ખેલાડીઓને થાક નથી લાગતો તેવા અણિયારા સવાલ પણ કર્યા છે. આ ઉપરાંત કપિલ દેવ પણ વિરાટ કોહલીના પરર્ફોમન્સ વિશે પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. ચારેતરફથી ટીકાઓના થઈ રહેલાં વરસાદ વચ્ચે વિરાટ કોહલીને આરામ આપવાનો પસંદગીકારોનો નિર્ણય આશ્ચર્યજનક છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન. હર્ષલ પટેલ, અર્શદીપસિંહ.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણી

  • 29 જુલાઈ, પ્રથમ ટી20
  • ઓગસ્ટ 1, બીજી ટી20
  • ઓગસ્ટ 2, ત્રીજી ટી20
  • ઓગસ્ટ 6, ચોથી ટી20
  • ઓગસ્ટ 7, પાંચમી ટી20

આજે ઈંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં કોહલીનું રમવું શંકાસ્પદ
લંડન, તા. 13 (પીટીઆઇ) : આત્મવિશ્વાસ સભર ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે અહીં લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી વન ડે રમવા માટે મેદાને પડશે ત્યારે તેમનો ઇરાદો ઇંગ્લેન્ડ પરનું પ્રભુત્વ જાળવીને ત્રણ મેચની સીરિઝમાં અજેય સરસાઇ બનાવી લેવાનો રહેશે. આવતીકાલની મેચમાં પણ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું રમવું શંકાસ્પદ છે. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહેલા કોહલીને ગ્રોઇનના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે તે પહેલી વન ડે રમી શક્યો નહોતો અને હજુ એ સ્પષ્ટ નથી કે તે બીજી મેચમાં પણ ફિટ થશે કે નહીં.

મર્યાદિત ઓવરોની મેચમાં જો કે કોહલીના પ્રદર્શનથી વધુ અસર પડી નથી, કારણકે ટીમ વન ડે અને ટી-20માં સારું પ્રદર્શન કરી રહી છે. ઇંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝ 2-1થી જીત્યા પછી ભારતીય ટીમે મંગળવારે પહેલી વન ડેમાં 10 વિકેટે સરળ જીત મેળવી હતી. કોહલીની ગેરહાજરીનું નેગેટિવ પાસુ એ છે કે દેશના ટોચના બેટ્સમેનને પ્રેસરયુક્ત મેચમાં નક્કર પ્રદર્શન કરવાની તક નથી મળતી જ્યારે બીજુ પાસુ એ છે કે અન્ય બેટ્સમેનોને પોતાની જાતને સાબિત કરવાની તક મળી રહી છે.
બીજી મેચમાં કોહલીની ઉપલબ્ધતા અંગે સવાલ પુછાતા પહેલી મેચના હીરો જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે હું અંતિમ ટી-20 નહોતો રમ્યો અને કોહલી પહેલી વન ડે નથી રમ્યો, તેથી મારી પાસે તેની ઇજા અંગે કોઇ અપડેટ નથી. કોહલી જો સો ટકા ફિટનેસ વગર મેદાને ઉતરશે તો ગ્રોઇનના સ્નાયુ ખેંચાવાની ઇજા મોટી ઇજામાં ફેરવાઇ શકે છે.

Most Popular

To Top