ધરા અને રોહનનો પ્રેમભર્યો સંસાર હતો.બંને મહેનત કરતાં અને ખુશ રહેતાં.એકનો એક દીકરો હેમ, ખૂબ વ્હાલો અને સમજદાર અને હોંશિયાર પણ.જીવનની દરેક પરીક્ષાઓમાં ઉતાર-ચઢાવમાં પસાર થતાં હસતા મોઢે આગળ વધતાં ગયાં. દીકરો મોટો થયો, દસમા ધોરણમાં સારા ટકાએ પાસ થયો.બન્નેએ સપનું જોયું હતું કે દીકરો એન્જિનિયર બનશે અને ફેમિલીને સમૃદ્ધ બનાવશે.દસમા ધોરણ બાદ સાયન્સના ઇન્ટીગ્રેટેડ કોર્સમાં એડમિશન લીધું.
ફી લાખોમાં હતી અને પહેલો ઇન્સ્ટોલમેન્ટ ચાલીસ હજાર રૂપિયા ભરાઈ ગયા હતા.ફી માટે થોડી બચત હતી અને થોડી મહેનત વધુ કરી લઈશું તેવી ગણતરી હતી.દીકરા હેમને પણ મમ્મી અને પપ્પાના સંઘર્ષની ખબર હતી.તેણે પણ ખૂબ મહેનત કરી આગળ વધવાનું નક્કી કર્યું હતું. હેમ રોજ વહેલો ઊઠીને ક્લાસમાં જતો. છેક બપોરે ઘરે આવતો અને પછી થોડું જમીને પોતાના રૂમમાં સુનમુન બેસી રહેતો.થોડા દિવસ વીત્યા.હેમ ક્લાસમાં જતો પણ આવ્યા બાદ ચૂપ જ રહેતો, ઉદાસ રહેતો.એક દિવસ ધરાએ દીકરા હેમને ગેલેરીમાં એકલો ઊભેલો જોયો.
તે વિચારોમાં ખોવાયેલો હતો.ધીમેથી ધરા તેની પાસે ગઈ, પણ હેમને ખબર ન હતી.પાસે જઈને જોયું તો હેમની આંખોમાં આંસુ હતા.ધરા આ આંસુઓનું કારણ સમજી ન શકી, પણ ચિંતામાં પડી ગઈ. રાત્રે ધરાએ રોહનને બધી વાત કરી.બંને જણા રાત્રે બાર વાગે હેમના રૂમમાં ગયા.હેમ વાંચી રહ્યો હતો.રોહને જઈને તરત જ પૂછ્યું, ‘શું દોસ્ત, ભણવાનું કેવું ચાલે છે?’હેમે કહ્યું, ‘પપ્પા સારું ચાલે છે’ પણ તેનો અવાજ ઢીલો હતો.
ધરાએ પાસે જઈને પૂછ્યું, ‘દીકરા, ભણવાનું ગમે છે ને? કોઈ નવા દોસ્ત બન્યા?’હેમની આંખોમાં આંસુ ધસી આવ્યા તે મમ્મીના ખોળામાં માથું નાખી રડવા લાગ્યો.રોહને કહ્યું, ‘શું વાત છે દીકરા? અમને કહે, કઈ વાતે મૂંઝાય છે?’ હેમ રડતાં રડતાં બોલ્યો, ‘પપ્પા, ક્લાસમાં એક મહિનો થવા આવ્યો પણ મને બહુ કંઈ સમજાતું નથી. મને નથી લાગતું કે હું સાયન્સ લઈને આગળ ભણી શકીશ.’રોહને પળનો પણ વિલંબ કર્યા વિના કહ્યું, ‘વાંધો નહિ તો છોડી દે, જે ફાવે તે ભણ….પણ આમ ઉદાસ ન રહે .’હેમ બોલ્યો , ‘પણ પપ્પા આટલી બધી ફી ભરાઈ ગઈ છે.
મને નથી લાગતું કે કલાસીસમાંથી ફી પાછી મળશે..’ધરા બોલી, ‘દીકરા તેની તું ચિંતા ન કર,તારે શું કરવું છે તે કહે. આવતી કાલે કલાસીસમાં જવાની જરૂર નથી. તું ,હું અને પપ્પા વન ડે પીકનીક પર જઈશું અને પછી ફ્રેશ માઈન્ડથી તું નક્કી કરજે, શું કરવું છે. હજી એક મહિનો જ થયો છે અને તારા દસમાના માર્ક તો સારા જ છે ; એડમિશન મળી જશે…ચલ સ્માઈલ કર, કંઈ મોડું નથી થયું.કાલથી ફરી શરૂઆત કરીશું .’હેમના મોઢા પર પહેલાં જેવું સ્માઈલ આવી ગયું.