સમગ્ર ભારત અને વિદેશમાં પણ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી પ્રિય મિત્ર પ્રિયપાત્રને શુભેચ્છા સહ ભેટની આપ લેથી કરવામાં આવે છે જે પારંપારિક બની ગયું છે. આ અભિગમ સ્નેહની સાંકળને મજબૂત કરે છે. ખરા અર્થમાં મારી દૃષ્ટિએ પરિવારનાં માતા પિતા પ્રથમ વેલેન્ટાઇન છે, જેઓએ બાળકના જન્મથી મૃત્યુપર્યંત સતત કાળજી અને બેસ્ટ વિશ સાથે ઉછેર કર્યો હોય છે. બીજા નંબરે વેલેન્ટાઇનમાં શિક્ષક/ગુરુનું સ્થાન રહે છે, જેઓએ વિદ્યાભ્યાસ કરાવી બાળકની કારકિર્દી તથા પ્રગતિ માટે શુભેચ્છા વ્યકત કરતા હોય છે. ત્રીજા સ્થાને પ્રિય મિત્ર/થનાર પ્રેમિકા હોઈ શકે. જેમાં એકબીજાને ગુલાબ ભેટ આપી શુભેચ્છા વ્યકત થતી હોય છે. આપણા યુવા વર્ગના જીવનનો વેલ ઇન ટાઇમ ગણી શકાય. ખેર, માતા પિતા, શિક્ષક, ગુરુને પણ આ દિને તેમનો આભાર. તેમની તંદુરસ્તી સારી રહે અને લાંબુ જીવન માણે એવી મનોમન શુભેચ્છા. લોક ઇન કરીએ તો ચોક્કસ આ પણ વેલ ઇન ટાઇમ કહી શકાય.
સુરત – દીપક બંકુલાલ દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારતમાં આ શકય થાય?
અમેરિકાની સરકારી ફેડરલ એજન્સીએ અમેરિકન પ્રમુખ બાઇડેનના ઘેર દરોડા પાડી ગુપ્ત દસ્તાવેજો જપ્ત કર્યાના અહેવાલથી વિશ્વભરમાં ચકચાર મચી ગઇ છે. પ્રામાણિકતા અને નીતિમત્તાનો આવો પુરાવો ભાગ્યે જ કોઇ દેશમાં મળી શકે. આપણે ત્યાંની સરકારી એજન્સીઓ વિરોધીઓને ત્યાં દરોડા પાડી શકે. સત્તાધારી પક્ષના નેતાઓ દૂધે ધોયેલા હોતા નથી. બીજું કે જો તમે સત્તાધારી પક્ષમાં જોડાઇ જાવ તો તમારાં બધાં કૌભાંડ સમેટાઇ જાય. અમેરિકાની ગત પ્રમુખ ચૂંટણી દરમ્યાન તે સમયના પ્રમુખ ટ્રમ્પે ટી.વી. પર અસત્ય વાત રજૂ કરતાં તેમનું માઇક બંધ કરી દેવાયું હતું. બ્રિટન વડાપ્રધાનનો બેલ્ટ ન પહેરવાના આરોપસર દંડ થયો છે. જો કે ભારતમાં વડાપ્રધાન ઇંદિરાનો કિરણ બેદીએ ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ કરેલ હતો. હાલ તો પ્રધાન જયાંથી પસાર થવાના હોય તો પબ્લીક ટ્રાફિક બંધ કરીને પ્રજા માટે અગવડ ઊભી કરાય છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.