વિદ્વાનો જણાવે છે કે રેશનાલિઝમ એટલે સત્યનું આકાશ અને અંદ્ધશ્રદ્ધા એટલે અજ્ઞાનનો અંધકાર. ધર્મ આસ્તિકોનો અભ્યાસક્રમ છે અને વિવેકબુદ્ધિવાદ એટલે નાસ્તિકોની ગીતા. મોટે ભાગે એવું બને છે કે આસ્તિકોને કોઈ પથ્થર બતાવીને કહેવામાં આવે કે આ ભગવાન છે તો તેઓ પથ્થર પર કંકુનું તિલક કરશે પણ નાસ્તિકો પુરાવા વિના કોઈ વાત સાચી માનતા નથી. તેમને એ પથ્થરનો કોઈ ચમત્કાર બતાવવામાં આવે તો પણ તેઓ એ ચમત્કાર શી રીતે થાય છે તે ચકાસી જોવાનો આગ્રહ રાખે છે. ત્યાં સુધી કે તેઓ વિજ્ઞાનની કોઈ વાતને પણ આંખ મીચીને સ્વીકારી લેતા નથી. (એ ઉચિત પણ છે) તેઓ માને છે કે નાસ્તિક્તામાં પુરાવાઓ, પ્રયોગો, સાબિતીઓ, સિદ્ધાંતો, નિયમો, વિજ્ઞાન, લેબોરેટરીઓ, ટેક્નોલોજી જેવા તમામ ફેક્ટરો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
1880માં કોપનહેગનમાં નાસ્તિકોની એક શિખર પરિષદ મળી હતી, તેમાં અનેક ચર્ચાવિચારણા કરીને થોડા નિયમો બનાવવામાં આવ્યા હતા. એમાં એક મુદ્દો એ હતો કે પ્રત્યેક માનવીને તેનો ધર્મ પાળવાની છૂટ છે પણ એક જણના ધર્મને કારણે બીજાને દુ:ખ થવું ન જોઈએ. કોઈએ કોઈના ધર્મનું અપમાન કે ટીકા કરવી જોઈએ નહીં. સરકારની બધી જાહેર નીતિઓ તર્કસંગત હોવી જોઈએ. ધર્મની બાબતમાં દરેક રાજ્યે તટસ્થતા જાળવવી જોઈએ. રાજ્યએ કોઈ પણ ધર્મની પક્ષપાતયુક્ત તરફેણ કરવી જોઈએ નહીં.
એમાં એક ઠરાવ એવો પણ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ માણસ ઈશ્વરમાં માને કે નથી માનતો તે વાતને વચ્ચે લાવ્યા વિના તેને દેશની તમામ લોકશાહી પ્રક્રિયામાં સામેલ થવાનો અધિકાર હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદાઓએ નિયત કરેલી મર્યાદાઓને આધીન તમામ લોકોને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર હોવો જોઈએ. કોઈને પણ ધર્મની વાજબી અને સાચી ટીકા કરવાનો હક હોવો જોઈએ (ધર્મની ટીકા ન થઈ શકે તે માટે સાવ અર્થહીન કાયદાઓ ઠોકી બેસાડવામાં આવે તો એવા કાયદાઓ પર જરૂર નિયંત્રણ મુકાવું જોઈએ) એ પરિષદમાં સમાન નાગરિકધારાનું સમર્થન કરાયું છે અને લઘુમતીઓ માટે વિશેષ અધિકાર ન હોવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત એમ પણ નક્કી કરવામાં આવ્યું છે કે કૌટુંબિક તકરારમાં ધાર્મિક અદાલતની હકૂમત ન હોવી જોઈએ. પરિષદે વચન આપ્યું કે અમે જાહેર નોકરીઓ કે સામાજિક સેવાઓમાં ધર્મ, જાતિ, માન્યતાઓ, લિંગ, વર્ગ, કોમ વગેરેનાં કારણોસર ઉદભવતા ભેદભાવોનો સખત વિરોધ કરીએ છીએ. જાહેરજીવન તેમ જ રાજકારણમાં ધર્મનું કોઈ સ્થાન ન હોવું જોઈએ. તે જ રીતે અમુકતમુક ધર્મની ઉન્નતિ કરવા માટે ચેરિટેબલ ટ્રસ્ટ તેમ જ ધાર્મિક શિક્ષણને રાજ્ય તરફથી અનુદાન (ગ્રાન્ટ) ચૂકવવા સામે પણ અમારો સખત વિરોધ છે. અમે ધર્મનિરપેક્ષ શિક્ષણનું સમર્થન કરીએ છીએ. શિક્ષણમાં આલોચનાત્મક વિચારોને અમે આવકારીએ છીએ પણ જ્ઞાનપ્રાપ્તિમાં શ્રદ્ધા અને તર્ક વચ્ચેના બારીક તફાવતને સમજવો જરૂરી છે. ધર્મની દરમિયાનગીરી વિના દરેકને વિજ્ઞાનનું અદ્યતન શિક્ષણ આપવું જોઈએ અને કોઈના પણ વૈચારિક સ્વાતંત્ર્ય પર ધર્મના જરીપુરાણા નિયમોએ તરાપ મારવી જોઈએ નહીં.
દોસ્તો એ વાતને નિર્વિવાદ સ્વીકારવી રહી કે આ બધા વર્ષો જૂના જર્જરિત નિયમો ફેરવિચારણા માગે છે કેમ કે ત્યાર બાદ તો નદી, સમુદ્રોમાંથી કેટલાંય પાણી વહી ગયાં. સમય બદલાયો. યુગપરિવર્તન થયું. જ્ઞાનવિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી. ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વની સૂરત પલટી નાખી. એથી હવે નવી ગીલ્લી અને નવો દાવ હોવો જોઈએ. તાત્પર્ય એટલું જ કે, ‘મચ્છરની ઉડાન મચ્છરદાની સુધી, મોરની ઉડાન ટોડલા સુધી અને ધાર્મિકોની ઉડાન મંદિર સુધી હોય છે. માણસ ચંદ્ર સુધી પહોંચી શક્યો છે પણ ભગવાન સુધી પહોંચવાનો એને રસ્તો જડતો નથી એથી એ રાતદહાડો મંદિરો તરફ દોડ લગાવે છે એથી ભગવાન કવરેજ એરિયાની બહાર સરકતો જાય છે.
બાબરી મસ્જિદના ધ્વંસ અને નરોડા પાટિયા હત્યાકાંડ પછી એક વાત સૌએ સ્વીકારવી પડશે. આસ્તિકોનું ભગવાન વિશેનું ઝનૂન કાતરનાં બે પાંખિયાં જેવું હોય છે. એની વચ્ચે કોઈ આવ્યું તો તે કપાઈ જાય છે. કોઈ ઈશ્વર ન હોવાની વાત કરે તો આસ્તિકો તેને પોતાના ધર્મનું અપમાન ગણે છે એ કારણે ક્યારેક નાસ્તિકોને માર પણ પડ્યો છે એથી હવે નાસ્તિકોએ એક તરફી યુદ્ધવિરામ કરી દીધો છે. તેમને ખાતરી થઈ ગઈ છે કે દુનિયાભરના સંતો અને જ્ઞાની પંડિતો ઈશ્વર નથી એવું ચીલ્લાઈને કહે તો પણ આસ્તિકો એ સ્વીકારવાના નથી. માણસ માત્ર વિચારી શકે છે પણ એના વિચારોને મર્યાદા છે. એ વિચારો કેટલા સાચા છે તે માપવા માટે તેની પાસે કોઈ અધિકૃત ફૂટપટ્ટી નથી. પક્ષીઓ પાંખો વડે ઊડી શકે છે પણ ચકલી ઊડી શકતી હોવા છતાં ચંદ્ર પર પહોંચી શકતી નથી. પ્રસ્તુત ઈશ્વરચિંતન પણ ચકલીની ચંદ્રયાત્રા જેવું છે.
ધૂપછાંવ
સિંહ અને હરણ વચ્ચે જીવનમરણની મૅચ ખેલાય અને ટૉસ હરણ જીતે તો ય જીત તો હરહાલમાં સિંહની જ થાય છે.