National

પહેલા અન્ય દેશોને વેક્સિન આપી દીધી હવે મોદી સરકારે આયાત કરવાનો વારો આવ્યો

આખા વિશ્વમાં નામના મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી સંવેદનાનો દાવ ઊંધો પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના આખા વિશ્વને ધમરોળી રહ્યો છે. ગત વર્ષે કોરોનાએ માઝા મુકી હતી અને આ વર્ષે તેનાથી પણ વધારે ખરાબ હાલત વિશ્વમાં છે. તેમાં પણ ખાસ કરીને ભારતમાં કોરોનાએ આ વખતે ગત વખત કરતાં પણ વધારે દાટ વાળ્યો છે. રોજના કેસનો આંક બે લાખને પણ પાર કરી ગયો છે. જે હજુ ઘટવાનું નામ લેતો નથી. મોતનો આંક પણ એટલો જ રોજ ઊંચો જઈ રહ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે આખા વિશ્વ દ્વારા વેક્સિન બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં તેમાં ભારતે પણ ઝંપલાવ્યું હતું. ભારતે પણ ઘરઆંગણે વેક્સિન બનાવી અને તેનું ઉત્પાદન શરૂ કર્યું. જ્યારે વેક્સિન શોધાઈ ત્યારે એવું લાગતું હતું કે હવે ભારતનો કોરોનાથી છૂટકારો થઈ જશે પરંતુ સરકારના વેક્સિનેશનના પ્રયત્નો એવા રહ્યાં નહીં અને સાથે સાથે લોકોએ પણ એટલો ઉત્સાહ બતાવ્યો નહીં.

સરવાળે વેક્સિનેશન અસરકારક રહે તે પહેલા જ ભારતમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ અને હવે ભારત કોરોનાના સંપૂર્ણ ભરડામાં આવી ગયું છે. જ્યારે ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાનવીર બનવા માટે આખા વિશ્વને ભારતની કોરોના સામેની વેક્સિનની લહાણી કરી હતી. વિશ્વના 92 દેશોને નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે ઉત્પન્ન થયેલી વેક્સિનના 6.55 કરોડ ડોઝ આપી દીધાં અને હવે જ્યારે ભારતમાં કોરોના સામે લડવા માટે વેક્સિનની જરૂરીયાત છે તો ભારતમાં વેક્સિન ઘટી પડી છે. જ્યાં ભારતે છ કરોડ ડોઝ આપી દીધાં ત્યાં હવે ભારતે 12 કરોડ વેક્સિનના ડોઝ આયાત કરવા પડી રહ્યાં છે. વિશ્વગુરૂ બનવા માટેના મોદીના પ્રયાસોને કારણે ભારત હવે વેક્સિનના મામલે ભીંસમાં આવી ગયું છે.

જ્યારે ભારતમાં વેક્સિન બની ત્યારે જ ભારત સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મુકી દેવો જોઈતો હતો. ભારતમાં કોરોના ફરી ક્યારે વકરે તે ખબર નહોતું અને વિશ્વમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ ભારતમાં પણ આગામી દિવસોમાં વેક્સિનની મોટાપાયે જરૂરીયાત રહેશે તે ખ્યાલ રાખવો જોઈતો હતો પરંતુ તે રખાયો નહીં. હવે વેક્સિનના મામલે મોટી સમસ્યા શરૂ થઈ ગઈ છે. દેશવાસીઓને એ જાણવાની જરૂરીયાત છે કે મોદી સરકારે કયા કયા દેશને કેટલી કેટલી વેક્સિનનો જથ્થો આપ્યો?

મોદી સરકારે સૌથી વધારે એક કરોડ કરતાં પણ વધારે વેક્સિનનો જથ્થો બાંગ્લાદેશને આપી દીધો છે. જ્યારે બીજા ક્રમે મ્યાનમાર છે. આ દેશને મોદી સરકારે 37 લાખ વેક્સિનનો જથ્થો આપ્યો. ત્રીજા ક્રમે નેપાલ છે. નેપાલને મોદી સરકારે 25 લાખ વેક્સિનનો જથ્થો આપ્યો. શ્રીલંકાને પણ મોદી સરકારે 12 લાખ વેક્સિનનો જથ્થો આપ્યો. અન્ય જે જાણીતાં દેશોને મોદી સરકારે ભારતની વેક્સિન આપી તેમાં નેપાલ, ભૂટાન, માલદીવ, મોરિશિયસ, બ્રાઝિલ, મોરક્કો, ઓમાન, ઈજિપ્ત, યુએઈ, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા સહિતના અન્ય દેશોનો સમાવેશ થાય છે. આ ભારતની આસપાસના દેશો છે. જોકે, આ દેશોને વેક્સિન આપી દીધા બાદ હવે ભારતમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે.

ખરેખર મોદી સરકાર કોરોના અને વેક્સિનના મામલે પરિસ્થિતિને પારખવામાં થાપ ખાઈ ગઈ છે. કોરોના એવો રોગ છે કે જે સંપૂર્ણ વેક્સિનેશન વિના નાબુદ થાય તેમ નથી. વેક્સિનેશન પણ તેનો અંતિમ ઉપાય નથી. વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ રહ્યો છે. વેક્સિનથી એટલો ફાયદો છે કે કોરોના જીવલેણ બનતાં અટકે છે. વેક્સિનનો જથ્થો ઘટી જવાથી મોદી સરકાર હાલમાં 45 વર્ષથી નીચેની વયના લોકોને વેક્સિન આપી શકતી નથી અને તેને કારણે હાલમાં મોટાપાયે યુવાનો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે અને સાથે સાથે કોરોનાનો ભોગ પણ બની રહ્યાં છે. હવે મોદી સરકારે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાનો સમય છે. વિશ્વમાં જ્યાંથી પણ મળે ત્યાંથી મોટાપાયે વેક્સિનનો જથ્થો ભારતમાં લાવીને જો પુખ્તવયના તમામને વેક્સિન આપી દેવાની જરૂરીયાત છે. જો મોદી સરકાર આવું કરી શકશે તો જ ભારતમાં કોરોના કાબુમાં આવશે અન્યથા હાલના રોજના બે લાખ કેસનો આંક આગામી દિવસોમાં ત્રણ લાખથી પણ વધુ થઈ જાય અને મોટાપાયે મોત થવા માંડે તો નવાઈ નહીં હોય.

Most Popular

To Top