Charchapatra

આવકારદાયક નિર્ણય

સોના ચાંદીની આગઝરતી તેજી દરેકને દઝાડી રહી છે. દિવસે દિવસે એટલા બધા ભાવો વધતા જ રહે છે કે ગરીબ માણસ તો શું પણ મધ્યમ વર્ગનાં માણસો માટે પણ સોનું ખરીદવું દુર્લભ છે. એમાં મીઠી વીરડી સમાન નિર્ણય ખરેખર ખૂબ જ વહાલો લાગ્યો. જીવનની નવી દિશા અને સાથે બચતની સમજણ તો ખરી જ. હમણાં જ જાણવા મળ્યું કે ક્ષત્રિય સમાજમાં સૌએ સાથે મળી સમાજમાં દાગીના પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એટલી જ રકમ બેંકમાં ફીકસ ડીપોઝીટ કરાવવી એમ નક્કી કર્યું. આમ ક્ષત્રિય સમાજે એક નવું અભિયાન શરૂ કર્યું. ખરેખર આ પહેલ કરવાની આપણા સૌની ફરજ છે. અત્યારે જયારે લગ્નગાળો નજીક છે ત્યારે કેટલાય બાપને રાતે ઊંઘ નથી આવતી. દીકરીનાં લગ્ન નજીક હોય કે દીકરાનાં લગ્ન નજીક હોય તો પુત્રવધૂને દાગીના કરવા જ પડે છે. દેખાદેખી છોડીને સમાજને આ દૂષણમાંથી મુકત કરીએ. નવયુવાન દીકરા-દીકરીને પણ મારી નમ્ર અપીલ છે કે તેઓ પણ પહેલ કરીને સમાજને નવો રાહ ચીંધે. દરેક સમાજમાં આવા આવકારદાયક નિર્ણય લેવાવા જોઇએ.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top