બાળકનું આગમન માતા પિતા માટે તો અનેરો અહેસાસ હોય જ છે પણ સાથે જ નવજાતના દાદા દાદી, નાના નાની, મામા મામી કે કાકા કાકી સહિતના દરેક સંબંધીઓમા પોતાના નામ સાથે જોડાનારા નવા સગપણને લઈને રોમાંચ જોવા મળતો હોય છે. આ અનોખા અનુભવને યાદગાર બનાવવા માટે અને new born baby ને wel come કરવા માટે તેઓ કોઈ કસર બાકી રાખવા નથી માંગતા. જો કે અગાઉ પણ બાળકને ઘરમાં આવકારવા માટે તેની આરતી ઉતારીને નજર ઉતારવાની તો પરંપરા હતી જ પરંતુ હવે પેઢીઓ બદલાવા સાથે જ આ પરંપરાને ટ્રેન્ડી લુક આપીને ખાસ રીતે હોસ્પિટલ, ઘર અને કાર સુધ્ધાં ડેકોરેટ કરીને ફેમિલી મેમ્બર્સ પ્રસંગને માણવામાં કોઈ કચાસ બાકી રાખવા નથી માંગતા. બાળક સાથે જ તેની માતાનું પણ ખાસ પ્રકારે સ્વાગત કરવાથી તેને પણ પોતાના માતૃત્વ માટે ખુશી થાય છે. તો આવો જાણીએ કે આ ટ્રેન્ડમાં શું ખાસ છે અને એનો ક્રેઝ લોકોમાં કેમ વધ્યો છે
છેલ્લાં 3 વર્ષથી વધી રહ્યો છે ટ્રેન્ડ : ધ્રુવ ભટ્ટ
ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા ભટ્ટ જણાવે છે કે, સોશ્યલ મીડિયા અને TV માં દેખાતા વિડીયો લોકોમાં ઝડપથી પોતાનું સ્થાન જમાવી લેતા હોય છે. new born baby ને આવકારવા માટે ‘wel come baby’ ની થીમ પર જે ડેકોરેશન કરાવવામાં આવે છે એ આનું જ ઉદાહરણ છે. 5 વર્ષ અગાઉ આ ટ્રેન્ડની શરૂઆત થઈ હતી પરંતુ છેલ્લાં 3 વર્ષમાં મોટાભાગનો વર્ગ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર ડેકોરેશન કરાવે છે. જો કે કોરોનાના 2 વર્ષ આ બધુ મંદ પડ્યું હતું પરંતુ ફરીથી આ નવો ચીલો ચલણમાં વધી રહ્યો છે. ‘wel come baby’ થીમમાં કેટલાક લોકો ઘર ઉપરાંત હોસ્પિટલ અને કાર પણ ડેકોરેટ કરાવે છે જેમાં અમે ફૂલ, બલૂન વગેરેથી ડેકોરેટ કરીને કુમકુમ પગલાં પડાવીને વિડીયો તથા ફોટો બનાવી આપીએ છીએ અને બેબીના કુમકુમ પગલાને લેમિનેટ કરાવીને આપવા ઉપરાંત બેબીના વજન પ્રમાણેની કેકનો પણ સમાવેશ થાય છે.
અમારી પેઢીની શરૂઆતની ખુશીની ફૂલોથી કરી ઉજવણી: ભાવના શારદા
ભટાર વિસ્તારમાં રહેતા ભાવના શારદા કહે છે કે, ‘મારા સાસરામાં મારી દીકરીના આગમનથી જ નવી પેઢીની શરૂઆત થઈ છે અને દિવાળીના સમયમાં જ અમારા ઘરે દીકરીના રૂપમાં લક્ષ્મીનું આગમન થયું હોવાથી અમારા પરિવારમાં તો દરેક વ્યક્તિ ઘણા જ ખુશ હતા એટ્લે અમે તો દીકરીના આગમનને ખાસ વધાવી લેવા માટે અને એ પ્રસંગ યાદગાર બને એ માટે ધૂમધામથી દીકરીને ‘wel come’ કરવાનું નક્કી જ કર્યું હતું. આ માટે અમારા પરિવારે હું જ્યારે દીકરીને લઈને ઘરે આવી ત્યારે અમારું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ સાથે જ હાલમાં જ દીકરી 2 માસની થઈ ત્યારે દીકરીના જન્મ સાથે જ મારો પણ એક મા તરીકે જન્મ થયો હોવાથી અમે ફરીથી સેલિબ્રેટ કર્યું હતું જેની હું ખુબ જ ખુશી અનુભવું છુ.’
સોશ્યલ મીડિયાના કારણે ક્રેઝ વધ્યો: પ્રગતિ વૈદ્ય
અમરોલી ખાતે રહેતા પ્રગતિ વૈદ્ય કહે છે કે, ‘ખુશી વ્યક્ત કરવા માટેનું કારણ મળે એટ્લે એ ખુશી સેલિબ્રેટ કરી જ લેવાની. મારે એક દીકરી છે અને 4 માસ અગાઉ દીકરાનો જન્મ થયો ત્યારે અમે દીકરીની જેમ જ એનું પણ ઘરમાં ‘wel come baby’ ડેકોરેશન કરાવીને સ્વાગત કરીને પોતાની ખુશી જાહેર કરી હતી જેથી એ ક્ષણો યાદગાર બની રહે. પહેલા લોકો સાદાઈથી દીકરો કે દીકરી અવતરવાની ખુશીની ઉજવણી કરતાં હતા પરંતુ હવે સોશ્યલ મીડિયાનો જમાનો છે એટ્લે લોકો પોતાની ખુશી અન્યો સુધી પણ પહોચાડી શકે છે એટ્લે પણ આવો ક્રેઝ આજે દરેક વર્ગમાં વધી રહ્યો હોય એમ લાગે છે.’
પરિવાર પૂરો થવાની ખુશીમાં કર્યું સેલિબ્રેટ: રાજવી વૈરાગી
ડિંડોલી વિસ્તારમાં રહેતા રાજવી વૈરાગી એક 4 વર્ષીય દીકરીના માતા છે અને 2 માસ અગાઉ જ તેઓએ એક દીકરાને પણ જન્મ આપ્યો છે જેના ઘરે આગમન સમયે તેમણે ‘wel come baby’ ડેકોરેશન કરાવ્યું હતું. આ અંગે રાજવીબહેન કહે છે કે, ‘મારી એક દીકરી તો હતી જ અને એના જન્મ બાદ પણ અમે ‘wel come baby’ ડેકોરેશન કરાવ્યું હતું, પછી દીકરાનો પણ જન્મ થતાં અમારું પરિવાર સંપૂર્ણ થવાથી ખુશી થઈ હતી માટે દીકરાનું અમારા ઘરે આગમન પણ ધામધુમથી જ કરવાનું નક્કી કર્યું હતું કારણ કે, હાલમાં તો આ મુજબના ઘણા વિડીયો અને રિલ્સ જોવા મળી રહ્યા છે એટ્લે આવો ટ્રેન્ડ તો હવે મોટાભાગના લોકોમાં જોવા મળી રહ્યો છે, ને અમારે મન તો દીકરો અને દીકરી બંને સરખા જ હોવાથી દીકરીના આગમન સમયે ઘર ડેકોરેટ કરાવ્યુ હોવાથી દીકરાના સમયે પણ ડેકોરેશન અને કેક કટિંગથી લઈને દીકરાના પગલાની છાપ પણ લેવડાવી હતી, જે અમારા માટે અમૂલ્ય સંભારણું છે.’