Feature Stories

સાલમપાકની સાથે સાથે સુરતીઓમાં ઉત્તર ભારતના વિન્ટર સ્પેશ્યલ આ વસાણા બન્યા હોટ ફેવરિટ

શું અત્યારે તમે શિયાળાની ઠંડી સવારની મજા માણી છે? સવારના પહોરની હલ્કી ગુલાબી ઠંડી તન-મનને સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે અને તાજગીનો સંચાર કરી જાય છે. શિયાળો હજી તો બિલ્લીપગે દસ્તક આપી રહ્યાું છે ત્યાં વિન્ટર સ્પેશ્યલ વસાણાની મોસમ પણ ખીલી ઉઠી છે. શિયાળાની ખાસ વાનગી એટલે સ્વાસ્થ્યવર્ધક વસાણા. અત્યારે મોટાભાગના સુરતીઓના ઘરમાં સાલમ પાક, અડદિયા પાક, મેથી લાડુ ની સાથે સાથે હવે ખજૂર અને અંજીર પાક જોવા મળી રહ્યાા છે. ત્યાં બીજી તરફ મીઠાઈની દુકાનોમાં પણ આ વસાણાઓની ડીમાંડ વધવા લાગી છે. હવે વર્ષોથી ખવાતા પરંપરાગત સાલમ પાક જેવા વસાણા કરતા પણ કુદરતી સ્વીટનેસ આપતા ખજૂરપાક અને અંજીરપાક સુરતીઓની શિયાળાની વાનગીઓમાં મજબૂત સ્થાન બનાવવા લાગ્યા છે. ત્યાં ત્રીજી તરફ સુરતીઓ નોર્થ ઇન્ડિયન વિન્ટર સ્પેશ્યલ શીંડોલા અને સ્વીટ પંજરી ખાવા તરફ આકર્ષાઈ રહ્યા છે. વળી, હવે તો મલાઈ ઘારી ખાવાનું ચલણ પણ વધવા લાગ્યું છે. કેમ હવે પરંપરાગત વસાણા કરતા પણ ખજૂર-અંજીર પાક, ડ્રાયફ્રૂટ લાડુ અને નોર્થ ઇન્ડિયન વસાણાના સુરતીઓ દિવાના બનવા લાગ્યાં છે? તે આપણે અહીં આ ટ્રેન્ડ વિશે થોડુ જાણીએ.

અમારા ઘરમાં પરંપરાગત વસાણા અને નોર્થ ઇન્ડિયન વિન્ટર સ્પેશ્યલ વાનગીઓ ખવાય છે:ध દેવિકાબેન જરીવાલા
અલથાણ-ભીમરાડ વિસ્તારમાં રહેતા દેવિકાબેન જરીવાલાએ જણાવ્યું કે અમારા ઘરમાં સાલમ પાક અને ખજૂરપાક વધારે ખવાય છે. મારા સાસુ-સસરા તથા મારા હસબન્ડ નિકુંજ જરીવાલા સાલમ પાક અને ખજૂરપાક મલાઈ સાથે ખાય છે. અમે ખજૂરપાક ઘરે જ બનાવીએ છીએ. ગયા વર્ષે અમે દિલ્લી અને ચંદિગઢ ડિસેમ્બરમાં ફરવા ગયા હતા ત્યાં અને ફર્સ્ટ ટાઈમ શીંડોલા અને સ્વીટ પંજરી ટેસ્ટનો ટેસ્ટ માણેલો મારી બંને દીકરીઓ દિયા અને મહેક ને આ ટેસ્ટ ભાવી ગયો હતો સુરતમાં પણ હવે આ બંને નોર્થ ઇન્ડિયન વાનગી મળતી હોવાનું ખબર પડતાં મારી દીકરીઓના આગ્રહથી અમે આ બંને વાંનગી ઓર્ડરથી બનાવી આ સ્વાસ્થ્યવર્ધક વાનગીનો સ્વાદ માણી રહ્યા છે.

80 ટકા હેલ્થ કોન્શ્યસ લોકો ખજૂર અને અંજીર પાક તરફ વળ્યા: ડોલી શ્રોફ
ઓર્ડરથી વસાણા બનાવી આપતા અને વેચતા ડોલીબેન શ્રોફે જણાવ્યું કે અંજીર અને ખજૂર બંનેમાં કુદરતી મીઠાશ હોય છે અત્યારે હેલ્થ કોન્શ્યસ બનેલા લોકો શુગર એવોઇડ કરવા લાગ્યાં છે ઉપરાંત પરંપરાગત સાલમ પાકમાં ઘી નું થર હોય છે એટલે ઘી ખાવાનું પણ ટાળતા લોકોમાં હવે પરંપરાગત વસાણા કરતા પણ ખજૂર અને અંજીર પાક તથા ડ્રાયફ્રૂટ ચીક્કી ખાવાનું ચલણ વધ્યું છે. ખજૂર એનર્જીથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલરી, કાર્બોહાઇડ્રેટ, ફાયબર, પ્રોટીન,પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર હોય છે. તેનાથી શક્તિ વધે છે અને નબળાઈ દૂર થાય છે. જ્યારે અંજીરથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને તે કેલ્શિયમથી ભરપૂર હોય છે એટલે ડોકટર પણ તેને ખાવાથી ના નથી પાડતા.

દિલ્લી, ચંદીગઢ, પંજાબમાં ખવાતી સ્વીટ પંજરી અને શિંડોલાની સુરતમાં ડીમાંડ વધી: બ્રિજ મીઠાઇવાલા
જાણીતા મીઠાઈ વિક્રેતા બ્રિજભાઈ મીઠાઈવાલાએ જણાવ્યું કે સ્વીટ પંજરી અને શીંડોલા સૌથી વધારે દિલ્લી, પંજાબ, ચંડીગઢમાં શિયાળામાં ખવાય છે. જેની ડીમાંડ સુરતીઓ પણ હવે કરવા લાગ્યાં છે. વળી સુરતમાં વસેલા પંજાબી સમાજના લોકો પણ સુરતમાં આ વિન્ટર સ્પેશ્યલ વાનગી મળતા તે ખરીદી રહ્યાં છે. શીંડોલામાં ગોળ, બદામ,પિસ્તા, પમ્પકીન સિડ, અને લેશમાત્ર ઘી હોય છે. જ્યારે સ્વીટ પંજરીમાં અળસી, ગોળ, મખાના, શેકેલી બદામ, ઘઊંનો લોટ હોય છે. જે સ્વાસ્થ્યવર્ધક છે.

મલાઈ ઘારી
શિયાળામાં સુરતીઓ મલાઈ ખાવાનું પસંદ કરે છે વળી ઘારી તો સુરતીઓનું સૌથી પ્રિય ફૂડ છે. એટલે આ બંનેના કોમ્બિનેશનથી શિયાળામાં ખવાય તેવી મલાઈ ઘારી સુરતીઓ ઓર્ડર આપીને બનાવે છે. તેમાં મલાઈ સ્ટફ કરેલી હોય છે અને મેંદાનું પડ હોય છે.

વ્યસ્ત લાઈફ જીવતા લોકો સાલમ,મેથી, અડદિયા અને ગુંદરપાક તરફ વળ્યા છે
જેઓ સતત ઘર અને ઓફિસ એમાં પણ ફિલ્ડ વર્ક વધુ કરતા વ્યસ્ત લોકો સાલમ પાક, ગુંદર પાક, મેથી પાક અને અડદિયા પાક ખાવા તરફ વળ્યાં છે કારણ કે એવું કહેવાય છે કે શિયાળાના ત્રણ મહીના આ ચાર પાકનું નિયમિત સેવન કરે તો કમર, ઘૂંટણ અને પગનો દુખાવો નહીં થાય. જે મહિલાની હમણાં-હમણાં ડિલિવરી થઈ છે તેમને કમરની તકલીફ રહે છે કારણકે અત્યારની લાઈફ વ્યસ્ત છે આરામ ઓછો મળતો હોય છે. તેઓ સ્વાસ્થ્યવર્ધક વસાણા ખાય તો તેમને કમરની તકલીફમાં 80 ટકા રાહત થાય છે. એટલે વ્યસ્ત જીવન જીવતા લોકો કમર અને પગની પીડાથી દુર રહેવા લોકો આ પરંપરાગત વસાણા પ્રીફર કરી રહ્યા છે.

Most Popular

To Top