SURAT

શાહપોર માછલી પીઠમાં 20 ફૂટ ઊંડા ભૂવામાં નિકાહનો મંડપ ગરકાવ, મહેમાનો જમ્યા વિના ભાગ્યા

સુરત : શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા શાહપોરના માછલીપીઠ નજીક આજે મોટી દુર્ઘટના ટળતી રહી હતી. મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનક જમીન ધસી પડતા 20 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો સર્જાયો હતો.

  • શાહપોરમાં થોડા દિવસ પહેલા પણ અહીં મસમોટો ભૂવો પડ્યો હતો
  • મંડપનો એક પાયો અને 25 ખુરશીઓ ખાડામાં ગરકાવ

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ભૂવો પડ્યો તે સ્થળની બાજુમાં જ નિકાહનો મંડપ બાંધવામાં આવ્યો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ જ વિસ્તારમાં એક મહિનામાં બીજી વાર ભૂવો પડ્યો છે. અગાઉ પડેલા ખાડાને માત્ર કોન્ક્રીંટથી પુરવામાં આવ્યો હતો, પરંતુ કાયમી કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે ફરીથી આ ઘટના બની હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.

ભૂવો પડતા જ નિકાહના મંડપનો એક પાયો ખાડામાં ગરકાવ થઈ ગયો હતો અને સાથે 20થી 25 ખુરશીઓ પણ ભૂવામાં સમાઈ ગઈ હતી. ભૂવો પડ્યો તે નજીકમાં જ કિચન હોવાને કારણે રસોઈનું ખાવાનું મૂકીને લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. નિકાહમાં હાજર મહેમાનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના સમયે નિકાહના મંડપમાં મહેમાનોની અવરજવર ચાલુ હતી. અચાનક જમીન ધ્રુજી ઉઠતા મંડપનો એક બાજુનો ભાગ ધસી પડ્યો હતો.

સદનસીબે, જમીન ધસી રહી હોવાનો અહેસાસ થતા જ લોકોએ સમયસર સ્થળ ખાલી કરી દીધું હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. મેટ્રોની કામગીરી દરમિયાન રહેણાંક વિસ્તારમાં નાગરિકોની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સુરત મહાનગરપાલિકા અને મેટ્રો તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો આ ઘટનામાં જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ ? તેવા સવાલો ઉઠયા છે. હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગેસ અને પાણીની લાઈનોને નુકસાન : બંગલો ખાલી કરાવાયો
ભૂવો પડવાની જાણ થતા જ ફાયર વિભાગ, ગુજરાત ગેસ અને મેટ્રો રેલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગેસની પાઈપલાઈનને નુકસાન પહોંચતાં તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાયો હતો. ભૂવો પડવાને કારણે પાણીની મુખ્ય લાઈન તૂટી હોવાની શંકા છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાવા લાગ્યા હતા. ભૂવો એક બંગલાના કિચનની પાછળ પડ્યો હોવાથી જોખમને ધ્યાનમાં રાખી એક બંગલો ખાલી કરાવવામાં આવ્યો હતો. જેમાં 20 થી વધુ લોકો વસવાટ કરતા હતા.

મોટી દુધટના બનતાં રહી ગઇ, મહેમાનો પરેશાન થઇ ગયા : નદીમ ખાન
“મારા નાના ભાઈના નિકાહ હતા. અમે હમણાં જ ખુરશીઓ પરથી ઊભા થયા કે તરત જ મોટો ખાડો પડી ગયો. બધી ખુરશીઓ અંદર જતી રહી. અમે લોકો માંડ માંડ બચ્યા છીએ. ગેસ લિકેજ પણ થયું છે અને મહેમાનો ખૂબ પરેસાન થઈ ગયા છે.” “આ મહિનામાં બીજી વાર અહીં ખાડો પડ્યો છે. અગાઉ પણ સામે જ આવું બન્યું હતું. ફાયર બ્રિગેડને પહોચવામાં મોડુ થયુ હોત તો તો મોટી દુર્ઘટના થઈ શકતી.”

એક માસમાં બીજી વખત ખાડો પડ્યો : મહંમદ ફારૂક
સ્થાનિક રહેવાસી મહંમદ ફારૂકે જણાવ્યુ હતુ કે, એક મહિનામાં આ બીજી વખત ઘટના બની છે. 15 ફુટ જેટલો ખાડો પડ્યો છે. નીચે મેટ્રોની ટનલ છે. એટલે ચિંતાનો વિષય છે.

ટનલને નુકસાન નથી, જમીન નીચે ડ્રેનેજ લાઈનના કારણે સોઇલ સ્ટ્રક્ચર નબળુ પડ્યું હોય હોવાની ધારણા : મેટ્રો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્થળે મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે મેટ્રોની ટનલ રોડ લેવલથી અંદાજે 40થી 45 ફૂટ નીચે બનાવવામાં આવે છે, જેથી ટનલને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.

પ્રાથમિક તપાસમાં આ રોડના નીચેથી ઘણી કેબલો અને પાઈપો પસાર થઈ રહ્યા છે જેના કારણે સોઈલ સ્ટ્રક્ચર વીક પડ્યું હોવાનું જાણવામાં આવ્યું છે. અથવા તો સુરત મહાનગરપાલિકાની પાણી અથવા ડ્રેનેજ લાઈનના કારણે ભૂગર્ભમાં પોલાણ સર્જાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોઇલ સ્ટ્રક્ચર નબળું પડતા માટી એકાએક ધસી પડતા રોડ બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ટીબીએમ સિંકહોલના સ્થળથી આશરે 660 મીટર દૂર છે. હાલમાં સિંકહોલને કોંક્રિટથી ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top