SURAT

કારીગરો માટે સુરતની મિલો અને વિવિંગ એકમોમાં લાગ્યા આ બેનર

સુરત: (Surat) કોરોના સંક્રમણની બીજી લહેર પીક પર હતી, ત્યારે ઉત્તર ભારત અને ઓડિશાના કારીગરો વતને પહોંચી ગયા હતા. તેના લીધે વિવિંગ અને ડાઇંગ પ્રોસેસિંગ એકમો 1 મહિના સુધી બંધ રહ્યાં હતાં. જૂન મહિનાના પ્રારંભથી કારીગરો પરત થતાં 30 ટકા મિલ અને 50 ટકા વિવિંગ એકમ શરૂ થયાં છે. જો કે અન્ય રાજ્યોમાં ફેબ્રિક્સની ડિમાન્ડ ન હોવાથી જોબવર્કના પ્રોગ્રામ મિલોને પ્રમાણમાં ખૂબ ઓછા મળી રહ્યા છે. તેના લીધે 30 ટકા મિલો શરૂ થઇ શકી છે. જ્યારે 70 ટકા મિલ હજી પણ બંધ પડી છે. જે મિલો અને વિવિંગ એકમો 12 કલાક કાર્યરત છે તેમાં પણ કારીગરોની (Workers) ખેંચ જોવા મળી રહી છે. ઓછા કારીગર સાથે પણ બે પાળી કામ થઇ શકે તેવા હેતુસર મિલ માલિકો અને વિવિંગ એકમો (Weaving units) અને શહેરની જુદી જુદી જીઆઇડીસીમાં કારીગરો જોઇએ છે તેવા બેનરો લગાવ્યાં છે. 450 રૂપિયાના રોજ સામે 650 રૂપિયા આપવાની તૈયારી છતાં કારીગરો મળી રહ્યા નથી.

ટેક્સટાઇલનો વેપાર નરમ રહેવા માટેનું એક કારણ ટ્રેડિંગ માટે સાંજે 7 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે ટ્રેડર્સ રાતે 9 વાગ્યા સુધી ટ્રેડિંગની છૂટ આપવા અને માર્કેટ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. સામાન્ય રીતે લગ્નસરાં અને દિવાળી સહિતના તહેવારોની તૈયારી વિવિંગ અને પ્રોસેસિંગ એકમોમાં જૂનના બીજા પખવાડિયાથી શરૂ થતી હોય છે. પરંતુ ઓછી ડિમાન્ડ અને કારીગરોની અછતને લીધે સુરતમાં મેન્યુફેક્ચરિંગ એકમોને અસર થઇ છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, કાપડની ડિમાન્ડ નથી, કારીગરો પણ ખૂબ ઓછા છે અને જોબવર્કનું કામ પણ મળવું જોઇએ તેવું મળી રહ્યું નથી. તેના લીધે સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરની 350 મિલોમાંથી 70 ટકા મિલ હજી બંધ છે. સુરતનો વેપાર જે રાજ્યો સાથે સીધી રીતે જોડાયેલો છે ત્યાં કોરોનાની અસર ગ્રામીણ વિસ્તારની માર્કેટ સુધી ફેલાયેલો હોવાથી તેની અસર સુરતમાં જોવા મળી રહી છે. અત્યારે 30 ટકા એકમો 12 કલાક કામ ચાલી રહ્યું છે.

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, કારીગરો આવવાના શરૂ થતાં 50 ટકા જેટલાં વિવિંગ એકમો એક પાળીમાં શરૂ થયાં છે. ગ્રે-કાપડની ડિમાન્ડ ઓછી છે. તેની સામે યાર્નના ભાવ કિલોએ 25થી 40 રૂપિયા સુધી વધી ગયા છે. તેના લીધે વિવર્સ કોઇ મોટું જોખમ લેવા માંગતા નથી. ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે, મિલોના કારીગરોને લેવા માટે કોન્ટ્રાક્ટરોને યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશા મોકલવામાં આવ્યા છે. કેટલાક કોન્ટ્રાક્ટરો હવે જઇ રહ્યા છે. જે મિલમાલિકો અને કોન્ટ્રાક્ટરો સાથે કારીગરોના વર્ષો જૂના સંબંધો હતા તે કારીગરો સુરત પરત આવી ગયા છે. પરંતુ જે મિલોના સંચાલકો કારીગરોને વેતન માટે ધક્કા ખવડાવતા હતા તે મિલોને કારીગરોની સમસ્યા નડી રહી છે. ટ્રાન્સપોર્ટેશન આવવા-જવાનો ખર્ચ વધ્યો હોવાથી કારીગરો 650 રૂપિયા રોજ માંગી રહ્યા છે. જો કે, જૂનના અંત સુધીમાં 40 ટકા કારીગરો સુરત પરત ફરી આવશે તેવી શક્યતા છે.

Most Popular

To Top