Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પેઠી…

ઘેજ: ચીખલી સહિત સમગ્ર પંથકમાં હાલ આંબા કલમ પર મોર ફૂટવાની સીઝન છે, તો બીજી તરફ શેરડીનું કટિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હવામાન (Weather) વિભાગની (Department) કમોસમી વરસાદની (Rain) આગાહીને (prediction) પગલે ધરતીપુત્રોની ચિંતા વધવા પામી છે.હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને એપીએમસી માર્કેટ, અનાજના જથ્થાને, ખુલ્લામાં રહેલા ખેતીના માલને તેમજ પરિવહન દરમ્યાન કે અન્ય કોઇપણ જગ્યાએ વરસાદના કારણે કોઇ નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા અને તકેદારીના પગલાં લેવા માટે ખેતીવાડી, બાગાયત વિભાગના અધિકારીઓને ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જાણ કરવામાં આવી છે.

કમોસમી વરસાદની આગાહીથી ધરતીપુત્રોની ચિંતા વધી
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલે આંબાવાડીમાં આંબા કલમો ઉપર આમ્રમંજરી ફૂટવાની સીઝન છે. આંબાના ઝાડો પર કેટલીક જગ્યાએ આમ્રમંજરી જોવા પણ મળી રહી છે. બીજી તરફ ફ્રુટ માટે ઠંડીની માત્રા વધે તો વાતાવરણ સાનુકૂળ થતું હોય છે. પરંતુ તેનાથી વિપરિત આગાહી મુજબ કમોસમી વરસાદ થશે તો આંબાવાડીમા આમ્રમંજરી ફૂટવા પર અસર વર્તાવા સાથે નુકશાન થવાની શકયતા વચ્ચે ધરતીપુત્રોની ચિંતા વધી છે.આ ઉપરાંત, હાલ આ વિસ્તારનો મુખ્ય પાક એવા શેરડીનું કટિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પાકોને નુકશાન થવાની શકયતા વચ્ચે ખેડૂતોની ચિંતા વધે તે સ્વભાવિક છે
તેવામાં કમોસમી વરસાદ થાય તો શેરડીનું કટિંગ પણ અટકી જાય તેમ છે. વધુમાં કમોસમી વરસાદથી શાકભાજીના પાકોને પણ નુકશાન થવાની શકયતા વચ્ચે ખેડૂતોની ચિંતા વધે તે સ્વભાવિક છે. સાથે જ ચીખલી તાલુકામાં શેરડી કાપવા આવેલા શ્રમિકો પણ મોટી સંખ્યામાં છે અને તેઓ સામાન્ય ટેન્ટમાં વસવાટ કરતા હોય છે, ત્યારે આવા શ્રમિકોએ પણ મુશ્કેલી વેઠવાની નોબત આવી શકે. તાલુકામાં હાલ વિકાસના કામો પણ ચૂંટણી બાદ તેજ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદથી વિકાસના કામો પર પણ બ્રેક લાગવા સાથે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં વરસાદ પડતા વ્યાપક નુકસાન થયું હતું
ચીખલી પંથકમાં ગત વર્ષે પણ ડિસેમ્બર માસની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડયો હતો ગત 1 અને 2 ડિસે. દરમ્યાન ધોધમાર 74 મી.મી. જેટલો કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું હતું.કમોસમી વરસાદથી વિકાસના કામો પર પણ બ્રેક લાગવા સાથે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

Most Popular

To Top