Sports

IPLમાં ખેલાડીઓને હાર્ટ મોનીટર પહેરાવવાની નવી યોજનાથી ઉભો થયો વિખવાદ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) માટે ફ્રેન્ચાઇઝી લીગ આધારિત ક્રિકેટ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દૂઝણી ગાય જેવી ટૂર્નામેન્ટ છે. ઘણાં લોકો આઇપીએલને નાણાનો સમુદ્ર ગણાવે છે, જો કે બીસીસીઆઇ માટે તો તે હાલ દૂઝણી ગાય છે અને તેથી જ મેનેજમેન્ટ એવા વિચારો અને એવી યોજનાઓ અમલમાં મૂકે છે કે જેથી વધુમાં વધુ લોકો આઇપીએલ તરફ આકર્ષાય અને વધુમાં વધુ લોકો આઈપીએલની મેચો જોતા થાય તો તેના થકી વધુને વધુ રેવન્યુ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે મેળવી શકાય. બીસીસીઆઇ અને આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલ દ્વારા જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી એક એવી યોજના અમલમાં મૂકાવાની હતી કે જેનાથી ખેલાડીઓની પ્રાઇવસીમાં સીધુ ડોકિયું કરી શકાય. જો કે તેમની આ યોજના આજ સુધી તો અમલમાં લાવી શકાય નથી પરંતુ હવે નવી સીઝનથી તેને અમલમાં મૂકવાનો વિચારવામાં આવી રહ્યું છે અને આના કારણે ખેલાડીઓ અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ સર્જાયો છે.

આઇપીએલ મેનેજમેન્ટની જે યોજના છે તેનો હેતુ એ છે કે દર્શકો આડકતરી રીતે ખેલાડીઓની નજીક પહોંચી જશે. મેદાન પર રમતી વખતે ખેલાડીઓની શું સ્થિતિ છે તે દર્શકો પણ જાણી શકે અને આ જાણવાનો એક રસ્તો છે ખેલાડીઓના હાર્ટ બીટ એટલે કે હૃદયના ધબકારા. કોઈપણ વ્યક્તિના હૃદયના ધબકારામાં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થતો હોય છે દાખલા તરીકે તે થાકી ગયો હોય તે વિચારમાં હોય તે ટેન્શનમાં હોય એવી અનેક પરિસ્થિતિમાં હૃદયના ધબકારાની સંખ્યા તે પ્રમાણે બદલાતી રહે છે. આ ધબકારાની ગતિ જાણવા મળે તો તેઓ જાણી શકે કે કયા ખેલાડી ટેન્શનમાં છે, કે કયો ખેલાડી થાકી ગયો છે. તેની સેકન્ડ સેકન્ડની પરિસ્થિતિ જાણી શકાય કે જેથી તેઓ ખેલાડી સાથે એટેચ રહી શકાય. મેનેજમેન્ટની આ યોજના અંતર્ગત ખેલાડીઓએ હાથ મોનિટર પહેરવાનું હોય છે, જેના વડે તેના હૃદયના ધબકારાની સ્થિતિ સહિતની વિગતો ટીવી સ્ક્રીન પર પ્રગટ કરી શકાય. ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હાર્ટ મોનિટર ખેલાડીને પહેરાવવામાં આવે તો તેને ટીવી મોનિટર પર દર્શાવી શકાય અને તેના થકી  ખેલાડીની જે તે સમયની સ્થિતિ જાણી શકાય. મેચ દરમિયાન ખેલાડીઓની હાર્ટરેટ દર્શકોને ખબર પડતો રહે અને તેનાથી એ ખબર પડે કે કઈ મોમેન્ટ દરમિયાન ખેલાડીઓની હાર્ટરેટ કેટલો વધ્યો કે કેટલો સ્થિર થયો. કોઈ રોમાંચક  મેચમાં ખેલાડીઓના હદયના ધબકારા કેટલી ઝડપથી વધે કે ઘટે છે એ પણ ચાહકો જોઈ શકે તેવી આ સ્થિતિ છે.

હવે આ મુદ્દો ખેલાડીઓમાં ચર્ચાસ્પદ બન્યો છે. મેનેજમેન્ટ  વિચારે છે કે આઈપીએલની મેચો દરમિયાન ક્રિકેટર હાર્ટ મોનિટર પહેરે જેથી તેમના હૃદયના ધબકારા મોનીટર કરી શકાય અને દર્શકો તે જોઇ શકે અને ખેલાડીને સ્થિતિ જાણી શકે કે તેની ખરેખર સ્થિતિ કેવી છે, પરંતુ ખેલાડીઓ ઈચ્છા નથી. તેઓની દલીલ છે કે વધુ પડતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેલાડીના  હાર્ટની સ્થિતિ શું છે, તેની શારીરિક સ્થિતિ શું છે, કે માનસિક સ્થિતિ શું છે અને પરિસ્થિતિ પ્રમાણે તેમાં શું ફેરફાર થાય રહે છે. આ બધું જ દર્શકો સુધી પહોંચાડવામાં આવશે તો પછી ખેલાડીઓ માટે પ્રાઇવસી જેવું કંઇ નહીં રહે. અને જો પ્રાઇવસી જેવું કંઇ નહી રહે તો તેનાથી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. અને મોટી વાત એ છે કે માનો કે કોઈ ખેલાડીના હૃદયના ધબકારામાં ઝડપથી વધારો કે ઘટાડો થયો તો તેની છાપ દર્શકો પર ખરાબ પડી શકે છે. દર્શકો લગભગ એવું નક્કી કરશે કે જે પરિસ્થિતિમાં હાર્ટબીટ વધી જાય છે તે પરિસ્થિતિનો સામનો કરતી વખતે ખેલાડી ગભરાઈ જાય છે. એટલે ખેલાડીઓ અને દર્શકોની વચ્ચેનો એક વિશ્વાસ છે એ વિશ્વાસ તૂટી જશે એવું ખેલાડીઓનું માનવું છે, એટલે હાલના તબક્કે આ યોજના અમલમાં મૂકવી ન જોઇએ. જો કે આઇપીએલ મેનેજમેન્ટ આમ છતાં તેને અમલમાં મૂકવાનું વિચારી રહી છે

અમે એક વાત જણાવી દઈએ કે ફુટબોલની મેચો દરમિયાન ફુટબોલના ખેલાડીઓને હાર્ટ મોનીટર પહેરાવવામાં આવે છે જેના થકી દર્શકો ફુટબોલના ખેલાડીઓને કેવી સ્થિતિ છે એ માહિતી મેળવી શકે છે. બરાબર આ જ આઈડિયા આઈપીએલના આયોજકો દ્વારા લેવામાં આવ્યો છે અને તેઓ ઇચ્છે છે કે આઈપીએલની મેચોમાં ક્રિકેટરો હાર્ટ મોનીટર પહેરે જેથી રમત વધારે લોકપ્રિય બનશે અને વધારે દર્શકો તેના તરફ આકર્ષાશે. આઈપીએલમાં બીજો એક મોટો વિવાદ બન્યો છે આઈપીએલની સફળતાને જોઈને મેનેજમેન્ટ એવું ઇચ્છે છે કે લગભગ આખુ વર્ષ આઈપીએલની મેચો ચાલતી રહે. એવું આયોજન કરવામાં આવે કે જેના થકી લગભગ આઈપીએલની મેચ ચાલુ રહે એનો અર્થ યુરોપિયન ફૂટબોલ લીગની જેમ આઈપીએલની મેચોના આયોજન કરવું. એટલે કે ખેલાડી વીકેન્ડ પર મેચ રમતા હોય અને આ લીગ છથી આઠ મહિના સુધી ચાલે. આઈપીએલ મેચ શરૂ થાય એટલે તે રોજેરોજના ધોરણે રમાય છે. પરંતુ રોજેરોજના ધોરણ ના બદલે વીકેન્ડમાંએટલે કે શનિ-રવિ બે દિવસ રમાય અને એ રીતે લીગ પ્રથા ચાલુ રહે, કે જેના કારણે લગભગ છથી આઠ મહિના સુધી તે ચાલી શકે. યુરોપમાં ફૂટબોલ લીગ રમાય છે તે રીતે આઇપીએલ રમાડવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે, જો કે તેમાં સફળથા મળવાની સંભાવના નથી. આઈપીએલ હાલ માત્ર બે-ત્રણ મહિના રમાય છે. તેને ફૂટબોલ લીગની જેમ લંબાવવા બાબતે હજુ કોઈ નિવેડો આવ્યો નથી કે નથી કોઈ નિર્ણય લેવાયો.

Most Popular

To Top