ઘણા લોકોને એવી આદત હોય છે કે જેના વિષે તેઓને ખબર હોય કે આ આદત ખરાબ છે અને તે તેમના માટે નુકશાનકારક પણ છે પણ લાખ પ્રયત્નો છતાં તેઓ આદત છોડી નથી શકતા. આ બંધાણ કોઈ વ્યક્તિનું હોય, ખાવાની વસ્તુનું હોય, કોઈ નશીલા પદાર્થનું હોય કે પછી ધુમાડા ઉડાડતી સિગરેટનું પણ હોઈ શકે છે. આવી આદતો એટલી હદે વધી જતી હોય છે કે તે એક વ્યસન બની જાય છે તેઓ તો મુશ્કેલીમાં મુકાય જ છે પણ સાથે જ તેમની સાથે જોડાયેલી વ્યક્તિ પણ આવી આદતોથી પરેશાની ભોગવે છે. જો કે અચાનક તેમની સાથે એવું થાય છે કે, તેઓ સંપૂર્ણપણે વર્ષો જૂની આ આદતને તિલાંજલિ આપી દેતાં હોય છે. દર વર્ષે માર્ચ માસના બીજા બુધવારે ઉજવાતા ‘NO SMOKING DAY’ ની ઉજવણી આગામી તારીખ 9 માર્ચના રોજ થાય છે. તો આ નિમિત્તે અમારા વાચકો કે જેઓ સિગરેટની આદત છોડી ચૂક્યા છે તેમના દ્વારા સિગરેટ છોડવાના કેટલાક કિસ્સાઓ વાગોળવામાં આવ્યા હતા, જે વાંચીને શું ખબર અમારા અન્ય વાચકોને પણ સિગરેટ છોડવાનું મન થઈ જાય..

ગર્લફ્રેન્ડ છોડીને ભાગી જતી હતી: પિનેશ પટેલ
પિનેશનો તો કિસ્સો જ એવો છે કે, હસવું કે રડવું એ જ ખબર નથી પડતી. જો કે પિનેશ હસતાં હસતાં કહે છે કે, ‘’મારા એક ચેઇન સ્મોકર મિત્રએ મને એકવાર આગ્રહ પૂર્વક સિગરેટ પીવા માટે આપી હતી. મિત્રનું મન રાખવા અને કુતૂહલવશ મેં સિગરેટ પીધી હતી. જો કે બાદમાં મને ધીરેધીરે તેની આદત પાડવા લાગી. જો કે આ આદત હું છોડવા તો માંગતો હતો પણ છોડી શકતો ન હતો. હવે તકલીફ તો ત્યારે થઈ જ્યારે મારી ગર્લફ્રેન્ડ મારી આ આદતને કારણે મને છોડીને જતી રહી, કારણ કે એને સિગરેટની સ્મેલ પસંદ ન હતી. મને ખરાબ તો લાગ્યું પણ પછી થયું કે કઈ નહીં બીજી મળશે.થયું એવું કે બીજી મળી ખરી અને હું એને જવા દેવા માંગતો ન હતો પણ, આ આદત નડી ગઈ અને એ પણ ભાગી ગઇ. સતત આવું થવાથી આખરે મેં આ આદત છોડી દીધી.’’

કાણાવાળું શર્ટ પહેરીને ફરવું પડ્યું : દેવવ્રત ત્રિવેદી
દેવવ્રત ત્રિવેદીએ વર્ષો પહેલાં સિગરેટ પીવાની છોડી દીધી છે પણ સિગરેટ છોડવાનું કારણ આજે પણ તાજું છે. તેઓ કહે છે કે, શરૂઆતમાં મારૂ કામ માર્કેટિંગનું હતું એટ્લે વહેલી સવારથી જ ઘરેથી નીકળી જતો. આખા દિવસમાં વચ્ચે વચ્ચે મને સિગરેટ સાથ આપતી રહેતી. એકવાર એવું બન્યું કે, મારે સુરત બહાર જવાનું હતું અને મોટો ઓર્ડર મળે એમ હોવાથી કપડાં પણ વ્યવસ્થિત જ પહેર્યા હતા પણ નસીબજોગે મને સિગરેટ પીવાની ઈચ્છા થઈ અને જેવી મેં તે પેટાવી કે, માચીસની સળીથી શર્ટના આગળના ભાગે કાણું પડી ગયું. બીજું કોઈ ઓપ્શન ન હોવાથી આ જ કપડાં પહેરીને જવું પડ્યું જે ઘણું શરમજનક રહ્યું. એ દિવસથી મેં નક્કી કર્યું કે હવે સિગરેટને હાથ નહીં લગાડું.’’

પકડાઈ જવાની બીક લાગતી: રાજ ગજ્જર
રાજ કહે છે કે, ‘’સિગરેટ એવી આદત છે કે તે પીવાથી તેનાથી પેટ નથી ભરાતું પણ એકવાર આદત લાગે પછી સતત તેને પીવાની તલપ જાગે. હું મોજશોખ માટે ક્યારેક મિત્રો સાથે સિગરેટના કસ ખેંચી લેતો પણ કોઈ ઓળખીતું જોઈ જશે એ ડર લાગ્યા કરતો. હું જાણતો હતો કે આ આદત હાનિકારક જ છે પણ આદત એકવાર લાગ્યા પછી સરળતાથી ક્યાં છૂટે છે. એકવાર એવું થયું કે હું સિગરેટ પી રહ્યો હતો ત્યાંથી મારી પત્ની અને દીકરી પસાર થયા અને મને જોઈ ગયા. મને ડર હતો કે આજે તો આવી જ બન્યું સમજો. જો કે મારા આશ્ચર્ય વચ્ચે મારી પત્નીએ તો કઈ ન કહ્યું પણ મેં ફરીથી સિગરેટને હાથ ન લગાડવાનું પ્રોમિસ આપ્યું.’’

મન મક્કમ કરીને સિગરેટ છોડવું સરળ રહેશે: નયન ચટનીવાળા
નયન ચટનીવાળા કહે છે કે, મને વર્ષોથી સિગારેટની આદત હતી. ઘણીવાર ઓછી કરી ને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એમાં હું સતત નિષ્ફળ રહ્યો પણ પછી મેં એકવાર નક્કી કરી જ લીધું કે હવે જે થવાનું હોય તે થાય પણ સિગારેટ નથી જ પીવી, ને મેં મનોબળ મક્કમ કરીને અચાનક જ સિગારેટ છોડી દીધી. સિગારેટ છોડવા માંગતા હોય એને પણ હું તો એ જ સલાહ આપીશ કે મન મક્કમ કરીને એક જ ઝાટકે સિગરેટ પીવાનું છોડી દેવું વધારે સરળ રહેશે.
