SURAT

ધૂળેટી બનશે ટ્રેન્ડી, સોસાયટીઓમાં થશે કલરફુલ ધમાલ-મસ્તી

“હોલી ખેલે રઘુવીરા અવધ મેં હોલી ખેલે રઘુવીરા” આ વખતે આ ફિલ્મી સોંગ સુરતીઓની સોસાયટીના પરિસરમાં જ DGના તાલે અને ફોમ પાર્ટીની મજા વચ્ચે તદ્દન પ્રોફેશનલ ટચ સાથે સાંભળવા મળશે અને હોળીના રંગોની છોળો ઉછળતી જોવા મળશે. હા, હવે ધુળેટી પણ નવા નવા રંગોમાં ટ્રેન્ડી બનતી જોવા મળશે. એક સમયે રંગોના તહેવાર હોળીમાં લોકો એક બીજાને ગુલાલથી રંગી અને પિચકારીથી રંગીન પાણી વરસાવી ખૂબ જ સાદાઈથી ઉજવતા. ત્યાર બાદ પાકા કલરોથી લોકોને રંગી નાખવાનો જમાનો પણ જોવા મળ્યો. ફરી ધૂળેટીનો નવો ટ્રેન્ડી રંગ જોવા મળ્યો તે હતો મડ (કાદવ) હોળીના પ્રોફેશનલ આયોજન. દરેક નવા ટ્રેન્ડમાં પણ કલરફુલ રંગ ઉમેરવામાં માનતા સુરતમાં વસેલા લોકો હવે ઇવેન્ટ મેનેજમેન્ટનો સહારો લઈ પોતાની જ સોસાયટીમાં બોલીવુડની ફિલ્મો અને ટીવી સીરિયલ જેવી ધૂળેટી રમતા જોવા મળશે. તે કેવી રીતે? આ વખતે હોળીમાં શું નવો ટ્રેન્ડ જોવા મળશે? પ્રોફેશનલ ટચ આપતા આ આયોજનો પાછળ સુરતીઓ કેટલો ખર્ચો કરી નાખશે? તે સુરતીઓના જ શબ્દોમાં જાણીએ…

રેન ડાન્સ અને DJનું આયોજન થાય છે: મીનુ પંસારી
વેસુ સ્થિત કેપિટલ ગ્રીન સોસાયટીના મીનુબેન પંસારીએ જણાવ્યું કે તેમની સોસાયટીમાં 14 ટાવર છે તેમાં કુલ 256 ફ્લેટ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 6-7 વર્ષથી અમારી સોસાયટીમાં ઇવેન્ટ પ્લાનરના માધ્યમથી હોળીનું સેલીબ્રેશન થાય છે. ઇવેન્ટ પ્લાંનરને હાયર કરી રેન ડાન્સનું આયોજન કરાય છે.આ વખતે પણ અમે રેન ડાન્સ અને DJનું આયોજન કર્યું છે. આ ઉપરાંત બાળકો પણ હોળી રમી શકે તે માટે તેમના માટે પાણીના ટબની વ્યવસ્થા કરાઇ છે. કાર્યક્રમોના આયોજન માટે ફંડ ઉઘરાવવામાં આવે છે. સવારે બધા જ સોસાયટી મેમ્બર કલરફુલ કપડામાં આવે છે અને સાથે ઠંડાઈ અને બ્રેક ફાસ્ટનું આયોજન કરીએ છીએ પછી સાદા પાણીના શાવરમાં હોળી રમીએ છીએ. આ વખતે પણ આ રિતના કાર્યક્રમ માટે સોસાયટીની ઉત્સવ કમિટી દ્વારા પ્લાનિંગ ચાલી રહ્યું છે.

સોસાયટીમાં ધુળેટીના આયોજનમાં સેલ્ફી બુથ પણ તૈયાર કરાવે છે: નેહા ઝવેરી
ઇવેન્ટ પ્લાનર નેહા ઝવેરીએ જણાવ્યું કે લોકો હવે પોતાની સોસાયટીમાં ધૂળેટીમાં રંગોથી રમવાના કાર્યક્રમને પ્રોફેશનલ ટચ આપવા લાગ્યા છે. આ ચલણ છેલ્લા 6-7 વર્ષોથી જોવા મળી રહ્યો છે. ફિલ્મો અને TV સીરિયલમાં રમાતી હોળીની જેમ સુરતના લોકો પોતાની સોસાયટીમાં ઇવેન્ટ પ્લાનરને હાયર કરી રેન ડાન્સ માટેનું સેટઅપ, DJનું આયોજન તો કરાવે જ છે. તે સાથે હવે તો સોસાયટીના ગેટનું સ્પેશ્યલ હોળીને લઈને ડેકોરેશન કરાવે છે. સેલ્ફી બુથ પણ તૈયાર કરાવે છે. રેન ડાન્સનું ચલણ છેલ્લા પાંચેક વર્ષથી જોવા મળે છે. જો નાના પાયે આવા આયોજન કરવાના હોય તો 45 થી 50 હજાર સુધીનો ખર્ચો સોસાયટી દ્વારા કરાય છે. તો વળી મોટા પાયે આયોજન હોય તો લાખો રૂપિયા ખર્ચ કરવામાં પણ સુરતીઓ અચકાતા નથી.

બાલાજી રોડ મોહલ્લામાં ફોમ પાર્ટીનું આયોજન: શંકરભાઈ જાદવ
ચૌટા બજાર વિસ્તારમાં સ્થિત બાલાજી રોડ મોહલ્લાના શંકરભાઈ જાદવે જણાવ્યું કે તેમના મોહલ્લામાં દર વર્ષે અલગ-અલગ થિમને લઈને હોળી-ધૂળેટી ઉજવવામાં આવે છે. આ વખતે પહેલીવાર ઇવેન્ટ મેનેજમેન્ટનો સહારો લઈ ફોમ પાર્ટીનું આયોજન કરાયું છે. અલગ-અલગ થિમમાં અમે એર સ્ટ્રાઇક, યુક્રેન યુદ્ધ જેવી થીમ પર હોળીનું આયોજન કર્યું હતું. આ વખતે ધાર્મિક વિષયને લઈને કૃષ્ણ ભગવાન અને ગોપીઓની હોળીની થીમ પર હોળીની ઉજવણી કરીશું. આ વખતે અમે DJ વિથ ડિસ્કો લાઈટ અને ફોમ પાર્ટીનું આયોજન કર્યું છે. ઓર્ગેનિક કલરથી હોળી ઉજવવામાં આવશે. અમે હોલિકા દહન માટે 7 સ્ટેપના ચોરસ બનાવી હોલિકા અને તેની ગોદમાં પ્રહલાદ અને આજુબાજુ આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશન કરીશું. રંગોના આ તહેવાર માટે દરેક સભ્ય 300 રૂપિયા જમા કરાવશે અને તે ફંડમાંથી રંગોના તહેવારમાં બધાને શામિલ કરીશું. ફોમ પાર્ટીમાં લોકો પર ઊંચાઈ પરથી ફોમ ( ફીણ) ઉડાવવામાં આવશે.

ચંગ ધમાલના આયોજન સાથે ધૂળેટીની મજા લઈશું: મનીષા અગ્રવાલ
વેસુ કેનાલ રોડ વિસ્તારના મનીષાબેન અગ્રવાલે જણાવ્યું કે અમારી રોયલ પેરેડાઈઝ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી હોલી સેલિબ્રેશન રંગોઉલ્લાસથી થાય છે. આ વખતે અમે આ વખતે ચંગ ધમાલ સાથે ધૂળેટી રમીશું. અમે ઇવેન્ટ પ્લાનરને હાયર કરી મોટા પાયા પર હોળી ઉત્સવ મનાવીએ છીએ. ચંગ ધમાલમાં ચંગ વાદ્યની તાલ સાથે રાજસ્થાની લોકનૃત્ય કલાકાર લોક નૃત્ય કરશે જેમાં પુરુષ કલાકારો સાથે સોસાયટીના પુરુષ ડાન્સ કરશે જ્યારે અમે મહિલાઓ મહિલા લોકનૃત્ય કલાકારો સાથે ડાન્સ કરીને હોળી એન્જોય કરીશું. ગત વર્ષે અમે ઇવેન્ટ મેનેજમેન્ટના માધ્યમથી 13 તાલી લોકનૃત્યનું આયોજન કર્યું હતું. અમે ફૂલોની હોળી પણ રમીશું, જેના માટે 10kg ગુલાબ અને ગલગોટાના ફૂલ લાવીશું. એક બીજા સાથે અમે ફૂલોની હોળી રમીશું તથા અમારી સોસાયટીની મ્યુઝિક સિસ્ટમના સથવારે ડાન્સ કરીશું. ઉપરાંત ઠંડાઈ અને લોચો, ખમણ, જલેબી, છોલે-ભટુરેના સ્વાદ બધા ફ્લેટ મેમ્બર્સ એક સાથે બેસીને લેશે.

Most Popular

To Top