મહાભારતમાં દ્યુત પર્વમાં દ્રૌપદીને દાવ પર લગાવાઈ. આજે આપણે એ વિશે વિચારીએ તો 2023ની છોકરી પૂછે યુધિષ્ઠિરે તો કંઇ પણ કર્યું, દ્રૌપદીએ શા માટે વિરોધ ના કર્યો? પરંતુ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ગમે તેટલી દલીલ કરી શકતી સ્ત્રીને પણ એના પતિનો વિરોધ કરતાં અચકાટ થયો હશે. ત્યારથી આજ સુધી સુંદર હોવાની કિંમત સ્ત્રીને ચુકવવી પડી છે અને આજે પણ ચૂકવી રહી છે. સ્ત્રીનું શરીર તો વેચાય છે. પરંતુ દુનિયાભરની પ્રોડક્ટસ વેચવા માટે પણ સ્ત્રીનું શરીર ઉપયોગમાં લેવાય છે. એની ત્વચા, એના વાળ, એના દાંતની જાહેરાત થાય છે.
આ દુનિયાનું બજાર છે. આપણે બધા પશ્ચિમથી બહુ પ્રભાવિત થઇએ છીએ. આપણી ફેશન, વિચારો, સ્ત્રી સ્વતંત્રતાનો ખ્યાલ અને જીવનશૈલી પશ્ચિમના વિચારોથી રંગાતી જાય છે. કાગડો આખી રાત વરસાદમાં બેસી રહે તો પણ સવારે ધોળો નથી થઇ જતો. આધુનિક વારસો, ટૂંકાં, શરીર દેખાય એવાં વસ્ત્રો પરંતુ એ પછી ટુ વ્હીલર પર જતી કે બસ સ્ટોપ પર ઊભેલી છોકરી અસુરક્ષિત પરિસ્થિતિમાં મૂકાય છે. અન્યની દૃષ્ટિ ઉપર આપણો કોઇ કંટ્રોલ નથી. વળી સોશ્યલ મિડિયાએ દરેક સ્ત્રીના મનમાં પ્રસિધ્ધ થવાની અનેક લોકોને આકર્ષવાની એક છૂપી મહેચ્છા જગાડી છે.
ગંગાધરા – જમીયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ભગવાન એમ કાં મળે
વાળી લંગોટી ને દાનત ખોટી
માયામાં ચિતડું ચઢે,
ભગવા પ્હેરીને કરે ભવાડા
ભગવાન એમ કાં મળે- મનખો (સવો ભગત)
ધર્મ-અધ્યાત્મ, રાજકાજનું સમરાંગણ, વેપાર-વણજ, સાહિત્ય સોગાત અને એવાં બધાં જ ક્ષેત્રોમાં સારાં અને નરસાં પાસાં હોવાનાં જ. અધ્યાત્મના શબ્દોમાં દ્વૈત-અદ્વૈતથી સારો સંસાર તરબતર છે! જેને જેમાં ફાવટ આવે તેમાં મરજીવા થઇને બધા ડૂબકીઓ માર્યે જ જાય છે. પછી તો ભાઇ પસંદ અપની અપની. ગરવી ગુજરાતમાં સંતપરંપરાના અનોખા મોતી ભકત વત્સલઅખો, નરસૈંયો, મીરાંબાઇ, કબીર સાહેબ, રવિ, ભાણ સાહેબ, દાસી જીવણ, જલારામ, અરજણ, ત્રિકમ, રંગ અવધૂત, પુનિત બાપા, સત્તારશાહ, નંદુ-નરહરી, પ્રિતમદાસ અને સવો ભગત વગેરે નિષ્કલંક સંત મહાપુરુષોએ ભકિતની જયોતને જલતી રાખી છે.
તેમનાં પદો, ભજનો આજે પણ હૈયે ને હોઠે ગૂંજે છે. સવા ભગતના પદના ઉપરોકત શબ્દોમાં અધ્યાત્મ માર્ગે ઠેકો લઇને ચાલનારા ઢોંગી ધુતારા, બાવા-બાવટાઓને સવા ભગતે આડે હાથ લીધા છે. જેમણે પોતાની ભકિત લગની થકી પરવરદિગારને રીઝવવાના છે તેમને માટે કોઇ શોભા શણગાર શૃંગારની લકીરેય આવશ્યકતા નથી તેમ છતાં અવનવા પ્રપંચો રચી જનસમાજમાં પોતે કાંઇક છે એમ ઠસાવવા કેસરિયા વાઘા, ભગવાં વસ્ત્રો ધારણ કરી જગતને ભરમાવતાં હોય છે! ભગવાનનું ઠામ ઠેકાણું પોતાના અંતરમાં જ સુનિશ્ચિત કરી શકતા નથી તેથી સવા ભગતનો માર્મિક ટોણો સમાજને ચેતવણીરૂપ છે.
ઉમરપાડા – કનોજ મહારાજ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે