એક લાઈફ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં સ્પીકરે સરસ વાત કરી કે, ‘આપણને ગુસ્સો આવતો નથી ….ગુસ્સો આપણે કરીએ છીએ.’ બધાને થયું આ તો એક જ કહેવાય …પોતાના વાક્યથી બધાનાં મનમાં ઊભા થયેલા પ્રશ્નને ઓળખી લઇ સ્પીકરે કહ્યું, “મારા વાક્યને બરાબર સમજો …આ ગુસ્સો એક નકામો નુકસાનકારક પ્રતિભાવ છે જે આપણે પરિસ્થિતિ અનુસાર આપીએ છીએ …આ ગુસ્સો કંઈ કુદરતી હાજત ..છીંક ..ઉધરસ કે હેડકી નથી કે આપોઆપ આવે અને જેની પર આપણો કોઈ અંકુશ હોતો નથી. આ ગુસ્સો તો આપણે કરીએ છીએ.” પહેલી હરોળમાં બેઠેલા એક ભાઈ બોલ્યા,”સર, ગુસ્સો ના કરવો જોઈએ તે ખબર છે પણ પરિસ્થિતિ મુજબ ગુસ્સો આવી જ જાય છે. તો શું કરવું?”
સ્પીકર હસ્યા અને બોલ્યા, તમે હમણા જ મેં જે કહ્યું તે ધ્યાનથી સાંભળ્યું લાગતું નથી. સૌથી પહેલાં સમજો. ગુસ્સો આવતો નથી, ગુસ્સો આપણે કરીએ છીએ ……જુઓ હું તમને બે પ્રસંગ કહી સાબિત કરી આપું……. પહેલો પ્રસંગ કે આપણામાંથી ઘણાં નોકરી કરતાં હશે અને ઘણી વાર એવું બન્યું હશે કે આપણા બોસ કે ઉપરી સાવ કારણ વિના તેમના ઘરે કે તેમના બોસે ગુસ્સો કર્યો હોય કે કંઇક અણગમતું બન્યું હોય તો મૂડ ખરાબ હોય અને કારણ વિના આપણી પર બધો ગુસ્સો કાઢે છે અને આપણું બધા વચ્ચે અપમાન કરે છે…ત્યારે આપણે શું કરીએ છીએ? કંઈ બોલતા નથી. નીચું માથું કરી બધું સાંભળી લઈએ છીએ.. બરાબર….” …ઓડિયન્સમાંથી બધાની હા આવી.
સ્પીકરે આગળ કહ્યું, “હવે આપણા બધાના જીવનમાં બનતો એક બીજો પ્રસંગ. આપણે થાકીને સાંજે ઘરે પહોંચીએ છીએ ..હજી તો ચા પીતાં હોઈએ ત્યાં તો નાનો દીકરો રડવા લાગે છે કે મને મોટા ભાઈએ માર્યું અને બસ ખલાસ આપણે આખા દિવસનો પેલા બોસની ઉપરનો આપણો બધો જ ગુસ્સો પેલા મોટા દીકરા પર ઠાલવી દઈએ છીએ ખરું ને?”ઓડિયન્સમાંથી હા નો અવાજ ન આવ્યો પણ હકારમાં ડોકાં ઘણાં હલ્યાં.
સ્પીકરે આગળ કહ્યું,”પહેલા પ્રસંગમાં આપણને બહુ ગુસ્સો આવે છે પણ કાબૂ રાખી આપણે કરતા નથી કારણ ખબર છે. અહીં બોસ સામે ગુસ્સો કરીશ તો નોકરીથી હાથ ધોવા પડશે પણ સાંજે આપણે ગુસ્સા પર કાબૂ રાખતા નથી. આપણા જ બાળક પર ગુસ્સો કાઢીએ છીએ કારણ તે રડવાથી વધુ કંઈ કરી શકવાનો નથી. આપણું કંઈ ખરાબ થવાનું નથી.આપણને ગુસ્સો આવતો નથી. આપણે ગુસ્સો જયારે કરવો હોય ત્યારે કરીએ છીએ.” ગુસ્સા પર કાબૂ મેળવો …ગુસ્સો કરો નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.