Comments

આપણે ‘વિશ્વ આદિવાસી દિવસ’ તો ઉજવીએ છીએ પણ આદિવાસી જનસંખ્યાને એના પૂરા અધિકારો મળ્યા છે ખરા?

દર વર્ષે યુનાઇટેડનેશન્સ દ્વારા નિયત કર્યા મુજબ ૯ ઑગસ્ટના દિવસે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઊજવણી કરવામાં આવે છે. ઉપલબ્ધ માહિતી મુજબ વિશ્વભરમાં ૯૦થી વધુ દેશોમાં લગભગ ૪૦ કરોડ જેટલા આદિવાસી લોકો વસે છે, જે વિશ્વની કુલ વસતીના લગભગ પાંચ ટકા છે અને ૭,૦૦૦થી વધુ ભાષાઓ બોલે છે. આદિવાસી સમુદાયો પૃથ્વીના ૮૦ ટકા જૈવવિવિધતા સાથે જોડાયેલા છે, જે પર્યાવરણ સંરક્ષણમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જેની રચના કરવામાં આવી હતી તે ‘વર્કિંગ ગ્રુપ ઑનઇન્ડી જિનિયસ પોપ્યુલેશન’ની પ્રથમ બેઠક ૯ ઑગસ્ટ, ૧૯૮૨ના રોજ મળી હતી. આ બેઠકમાં આદિવાસી અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેને સ્વીકૃતિ મળતાં ૨૫ વર્ષના વહાણા વાઈ ગયા. ચાલુ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ માટેની થીમ ‘આદિવાસી સમુદાય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઃ અધિકારોનું રક્ષણ અને ભવિષ્યની કલ્પના’ રાખવામાં આવી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો જતો પ્રભાવ અને જીવનના દરેક ક્ષેત્રમાં એનો ઝડપથી થયેલો પગપેસારો જોતાં આ એક ઉત્તમ કેન્દ્રવર્તી વિચાર છે, જેની આજુબાજુ આદિવાસી સંસ્કૃતિ અને તેનું પુનરુત્થાન, યુવા સશક્તિકરણ તેમજ હવામાન અને પર્યાવરણ વગેરે બાબતોને ધ્યાને લઈ કયા પ્રકારની તકો અને પડકારોનો આ સમુદાયે સામનો કરવાનો રહેશે તે દિશામાં એક રોડમેપ તૈયાર કરવાનો પ્રયત્ન કરાશે અને ભવિષ્યમાં એનું અન્ય ટેક્નોલૉજી સાથે સંયોજન કરી આદિવાસી જન સમુદાય માટે ક્ષિતિજે ઉભરી રહેલી તકોનું આલેખન કરાશે જેમાં યુવાશક્તિ રોજગારીની તકો તેમ જ જે પર્યાવરણ અને આબોહવામાં આદિવાસી સંસ્કૃતિ વિકસી છે તેને કઈ રીતે જાળવી રાખવું વગેરે બાબતે વિશ્વભરમાં અભ્યાસ થશે.

ઉપરાંત આગળ જતાં એક સર્વસ્વીકૃત ચાર્ટર પણ નક્કી થાય તેમ બની શકે. ઑસ્ટ્રેલિયા જેવા દેશમાં ત્યાંના મૂળ નિવાસી (Aboriginal) મૂળ નિવાસીને મારી નાખવાનો ગુનો છેક બ્રિટિશ હકૂમત દ્વારા ૧૭૮૮થી લાગુ કરવામાં આવ્યો હતો પણ એનો ભાગ્યે જ અમલ થતો. ૧૮૩૮માં ‘માય ઑલક્રિક’ ખટલો ચાલ્યો તેણે આ મુદ્દા પર પ્રકાશ ફેંક્યો. આમ છતાં ય ૨૦મી સદીમાં લોહિયાળ લડાઈઓ થતી રહી અને છેક હમણાં કાયદાકીય રીતે કોઈ પણ મૂળ નિવાસીને મારી નાખવો તેને સદોષ માનવવધનો ગુનો માનવામાં આવ્યો છે.

અમેરિકાની વાત કરીએ તો એ ખંડ શોધાયો તે પહેલાં ત્યાં પચાસ લાખથી દોઢ કરોડ જેટલા લોકો વસતા હતા. યુરોપિયનો ત્યાં ૧૪૯૨થી પ્રવૃત્ત બન્યા. આ ગોરી પ્રજા અમેરિકામાં આવી તેની સાથે એમણે ત્યાંના મૂળ નિવાસીઓની એવી તો કત્લેઆમ કરી કે ૧૯૦૦ સુધીમાં માત્ર ત્રણ લાખ જેટલી જ વસતી મૂળ નિવાસીઓની રહી. આનો અર્થ એવો થાય કે એમની વસતીમાં ૯૫થી ૯૮ ટકા ઘટાડો થયો. આમાંથી ૧૬૧૬થી ૧૬૧૯ વચ્ચે દરિયાકાંઠે વસતી અને ન્યૂઇંગ્લૅન્ડ જાતિઓ તરીકે ઓળખાતી વસતીનો ૯૦ ટકા સફાયો થઈ ગયો.

આ લોકોને મારી નાખવા માટે જુદા જુદા દેશના સંસ્થાનવાદીઓએ સીધા હુમલાઓ ઉપરાંત શીતળાનો ચેપ ધરાવતા ધાબળા વહેંચવા, ભૂખમરીથી મારી નાખવા, ફરજિયાત ખસીકરણ, જમીનો પડાવી લેવી જેવા અનેક કારણોસર અમેરિકામાં મૂળ નિવાસીઓની હત્યા થતી રહી. આ અમેરિકા એ સંસ્કૃતિ જેણે હીરોશીમા, નાગાસાકી પર અણુબૉમ્બ ફેંક્યો. વિયેતનામ અને ઇરાક જેવા યુદ્ધોમાં આધુનિકતમ શસ્રો વડે બેફામ નરસંહાર કર્યો અને આજે એના જ ઓઠા હેઠળ ઇઝરાયલ ગાઝામાં ક્રૂરતાની પરાકાષ્ઠા કહી શકાય તે રીતનો નરસંહાર કરી રહ્યું છે.

પાકિસ્તાનને પણ પોતાની પાંખમાં લઈ અમેરિકા એનો ઉપયોગ ભારત કે અન્ય દેશો સામે કરવા માગે છે તે ઉપરાંત દુનિયાભરમાં જે નાના-મોટા યુદ્ધો ચાલ્યા કરે છે ત્યાં પણ શસ્ત્રો પૂરા પાડવાનું કામ અમેરિકા કરે છે. આ સંસ્કૃતિને સભ્ય કહેવી કે રાક્ષસી તે તમારા પર છોડું છું. છેક ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીના પ્રારંભ સુધી જગતભરમાં આદિવાસી પ્રજાનો સંહાર થતો રહ્યો. આજે આદિવાસી સમાજની મુખ્ય સમસ્યાઓ જોઈએ તો: (૧) જમીન અધિકારોઃ આદિવાસીઓને તેમની પરંપરાગત જમીનો પરથી વિસ્થાપિત કરવામાં આવે છે.

(૨) શિક્ષણ અને રોજગારનો અભાવ: ગરીબી અને શિક્ષણની ઓછી સુવિધાઓના કારણે તેમનો વિકાસ અવરોધાય છે. (૩) સાંસ્કૃતિક લોપઃ આધુનિકતા અને ગ્લોબલાઇઝેશનના દબાણથી તેમની ભાષાઓ અને પરંપરાઓ ખોવાઈ રહી છે. (૪) શોષણ અને ભેદભાવ: ઘણા આદિવાસી સમુદાયોને સામાજિક અને આર્થિક ભેદભાવનો સામનો કરવો પડે છે. ટૂંકમાં, વિશ્વ આદિવાસી દિવસ એ આપણા સમાજના મૂળ નિવાસીઓના યોગદાન અને સંઘર્ષોને ઓળખવાની તક છે. તેમના અધિકારોનું રક્ષણ, સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ અને સમાજ વિકાસની ખાતરી કરવી એ સરકારની અને સમાજની જવાબદારી છે, પણ આવું થાય છે ખરું?

ગુજરાત દેશનું મૉડેલ રાજ્ય ગણાય છે. ગુજરાતમાં પણ સરકાર યંત્રવત વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરે છે ત્યારે ગુજરાતમાં આજે આદિવાસી જનતા મૂળભૂત આંતર માળખાકીય સવલતો અને તેમને માટે જાહેર કરાયેલ સરકારી લાભથી વંચિત રહે છે. સસ્તું કે મફત અનાજ હોય, મનરેગા હોય કે પછી આંગણવાડી, તંત્ર અને એના મળતિયાઓ ભયંકર ભ્રષ્ટાચાર આદરી આ ગરીબ પ્રજાના મોંમાથી કોળિયો ખાઈ જાય છે.

એક માહિતી પ્રમાણે ગુજરાતમાં ૩.૨૧ લાખ આદિવાસી બાળકો કુપોષિત છે, જ્યારે ૩૬૧ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. ૨૦૦૦થી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં બેસે છે. રાજ્યની સરેરાશ કરતાં આદિવાસી વિસ્તારોમાં કુપોષણ તેમજ તબીબી સારવારના અભાવે બાળ મૃત્યુદર ઊંચો છે. મનરેગામાં ઓછામાં ઓછી ૧૦૦ દિવસ રોજગારી મળવી જોઈએ, જે અડધી પણ મળતી નથી.

સ્વરોજગારી આ વર્ગમાં મજદૂરીથી આગળ ભાગ્યે જ જોવા મળે છે. એક ફરિયાદ એવી પણ છે કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે જે આદિવાસી ખાતેદારોની જમીન લઈ લેવામાં આવી તેમના જ લારી-ગલ્લા હટાવી તેમને બેરોજગાર બનાવી દેવામાં આવ્યા છે. એક સમાચાર તો એવા છે કે, આ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં ૯,૦૦૦થી વધુ ખંડની ઘટ છે અને કેટલીક જગ્યાએ તો એક જ ખંડમાં બધા જ ધોરણના વિદ્યાર્થીઓ બેસે છે. આને કારણે એવી પણ ઘટનાઓ સપાટી પર આવે છે કે જ્યાં સ્કૂલ હોય, શિક્ષક પણ હોય પણ બાળકો શાળાએ આવતા બંધ થઈ ગયા હોય.

ગુજરાતમાં એવા ઘણા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં રસ્તાને અભાવે ગરીબ દર્દીને ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાય છે. એક બાજુ આપણે આઝાદ થયા તેનો અમૃત મહોત્સવ ઊજવતા હોઈએ અને બીજી બાજુ ગુજરાત જેવા કહેવાતા ‘મૉડેલ સ્ટેટ’માં પણ આદિવાસીઓના અનેક પ્રશ્નો પડતર હોય ત્યારે સરકારને સીધો પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી નિમિત્તે જે દેખડો કરીએ છીએ તેને માટે લાયક છીએ ખરા?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top