‘Women Empowerment’ આ શબ્દ તો આજકાલ બધાએ સાંભળ્યો જ હશે. જયારે કોઇ સ્ત્રી પુરુષોના કાર્યક્ષેત્રમાં પગપેસારો કરી આગળ વધી નામના મેળવે છે ત્યારે એને ‘Women Empowerment’ નું નામ આપવામાં આવે છે પરંતુ પુરુષ જો સ્ત્રીઓ પ્રભાવિત કાર્યક્ષેત્રમાં કામ કરે, આગળ વધે કે નામના મેળવે તો શું એ વાતને સમાજ એટલી જ સહજતાથી સ્વીકારશે? હા, આજે આપણે એવા પુરુષોને મળવા જઇ રહ્યા છીએ જેઓએ આજથી દાયકાઓ પહેલાં સ્ત્રીઓ પ્રભાવિત કાર્યક્ષેત્રમાં સમાજ, મિત્રો અને ઘણી વાર તો પરિવારજનોનો વિરોધ અને નિંદા સહન કરી પદાર્પણ કર્યું. એટલું જ નહીં પરંતુ આજે તેઓ એમાં ઘણા આગળ વધી નામના મેળવી ચૂકયા છે અને બીજાને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તો આવો આજે ‘ઈન્ટરનેશનલ મેન્સ’ ડે છે ત્યારે એ લોકો પાસેથી તેઓના સંઘર્ષ અને સફળતાની રસપ્રદ વાતો જાણીએ….
હરિન દલાલ – મહેંદી આર્ટિસ્ટ
45 વર્ષના હરિનભાઇ કહે છે કે, ‘‘મેં માત્ર 13 વર્ષની ઉંમરે મારી પ્રથમ બ્રાઇડલ મહેંદી લગાવી હતી. પ્રોફેશનલી હું 25 વર્ષથી મહેંદી આર્ટિસ્ટ છું. જીવનભારતી સ્કૂલમાં હું ડ્રોઇંગ ટીચર તરીકે ફરજ બજાવી ચૂકયો છું અને ડ્રોઇંગ કલાસીસ ચલાવતો હતો. જયારે મેં મહેંદી આર્ટિસ્ટ તરીકે આગળ વધવાનું નકકી કર્યું ત્યારે મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો હતો. જો કે શેરી મહોલ્લાના લોકો જાતજાતની વાતો બનાવતા કે આવી કરિયરમાં શું ભવિષ્ય બની શકે? પણ આમાં આગળ વધવાનો નિર્ણય કરી લીધો હતો. મારી વાઇફ કૃતિ જીવનભારતી સ્કૂલમાં કોમ્પ્યુટર સબ્જેકટ ભણાવતી હતી. જયાં અમે પરિચયમાં આવ્યા અને અમે લગ્ન કર્યા. ઘણાં વર્ષો સુધી એ પણ મને મહેંદી મૂકવામાં મદદ કરતી પણ હવે એ એડમિનિસ્ટ્રેટિવ વર્ક અને તમામ ઓર્ગેનાઈઝિંગ કરે છે.
2006 માં રેલ વખતે જયારે નોકિયાના ફોનનો જમાનો હતો ત્યારે લક્ષ્મી મિત્તલની દીકરી માટે મહેંદી મૂકવા માટે ડાયરેકટ કોલ મારા પર આવ્યો હતો. ત્યારે વોટસએપ, સ્માર્ટફોન ન હતા અને ખૂબ જહેમતથી મેં મારું વર્ક એમને મોકલ્યું પરંતુ કોઇક કારણોસર એમનો ઓર્ડર કન્ફર્મ ન થઇ શકયો પરંતુ પછી 2008 માં એમની ભત્રીજીને મેં બ્રાઇડલ મહેંદી મૂકી હતી. એ જોઈને લક્ષ્મી મિત્તલે ખુશ થઈ મને ‘આર્કિટેક્ટ ઓફ ધ ડે’ કહ્યું હતું. હેમામાલિની, તેમનીની દીકરી આહના દેઓલ, ઈશા દેઓલ, સંગીતા બિજલાની, કૈલાસ ખેર જેવી બોલિવૂડ સેલિબ્રિટીસને પણ મેં મહેંદી મૂકી છે. હેમામાલિનીએ હથેળીમાં લક્ષ્મીદેવીની સ્પેશ્યલ મહેંદી અંગે પણ પૂછ્યું હતું.
અને આજે મારા લક્ષ્મી મિત્તલ, ઝવેરી એન્ડ કું., મેનકાઈન્ડ ફાર્મા, રજનીગંધા (ડી.એેસ. ગ્રુપ), દાવત (બાસમતી રાઈસ), એસ્ટ્રલ પાઈપ્સ, જેડ બ્લૂ જેવા મોટા બિઝનેસ કલાયન્ટ્સ છે. હું માત્ર ઇન્ડિયામાં જ મહેંદી નથી મૂકતો પરંતુ ઘણી વાર ડેસ્ટિનેશન વેડિંગ થાય તો સ્વીત્ઝરલેન્ડ, ટર્કી, બારસેલોના, સ્પેન, દુબાઈ, અબુધાબી, ઓમાન, થાઈલેન્ડ, નેપાળ, બાંગલાદેશ, કેન્યા વગેરે ઘણી જગ્યાઓથી મને મહેંદી મૂકવાના ઓર્ડર આવે છે.’’ તેઓ કહે છે કે ‘‘આજકાલ તો લોકોને મહેંદીનો કલર પણ ઇન્સ્ટન્ટલી જોઇએ છે.
4-5 કલાક મહેંદી રાખવાની ધીરજ બ્રાઇડમાં પણ નથી એટલે ઘણી વાર અમુક આર્ટિસ્ટ કેમિકલનો ઉપયોગ કરે છે પરંતુ અમે પહેલેથી જણાવી દઇએ છીએ કે ધીરજ રાખવી પડે. અમે ફકત ઓર્ગેનિક મહેંદીનો જ ઉપયોગ કરીએ છીએ.’’ હરિનભાઇ કહે છે કે, ‘‘મને મહેંદી મૂકવા કરતાં શીખવવું વધારે ગમે છે કારણ કે એમાં છોકરીઓને પગભર બનાવ્યાનો સંતોષ અને આનંદ મળે છે.’’ એક અનુભવ વર્ણવતાં તેઓ કહે છે કે, ‘‘સીંગર કૈલાસ ખેરની બહેનના લગ્નમાં એ લોકોએ પોતાના બાળપણના ઘરમાં મહેંદી મૂકવા મને બોલાવ્યો હતો જયાંનું વાતાવરણ, ત્યાંના વાઇબ્સ કંઇક અલગ જ હતા. એક આર્ટિસ્ટ હોવાથી આર્ટિસ્ટના ઘરમાં મહેંદી મૂકવાનો એ એક યાદગાર અનુભવ હતો.’’ ઈન્ડિયાની ફર્સ્ટ ‘હિના કોન્ફરન્સ’નું આયોજન કરવાનું શ્રેય પણ હરિનભાઈને નામે છે.
જયમિન કનન – ભરત નાટયમ કલાગુરુ
45 વર્ષના જયમીનભાઇ 25 વર્ષથી ભરતનાટયમના કલાસીસ ચલાવે છે. બાળપણનો સમય યાદ કરતા તેઓ કહે છે કે, ‘‘જયારે દૂરદર્શન સિવાય બીજી કોઇ ચેનલ નહોતી આવતી ત્યારે હેમામાલિનીની ‘નૂપુર’ સીરિયલ અને ‘સિંહાસન બત્તીસી’ જેમાં પૂતળીઓ ડાન્સ કરતી તે જોઇને હું ડાન્સ તરફ અટ્રેકટ થયો હતો. 15 વર્ષે ડાન્સ શીખવાનો નિર્ધાર કર્યો અને ઇલાક્ષીબેન ઠાકોર સાથે નૃત્ય શીખવાની શરૂઆત કરી પછી નીલાબેન રાવળ, પ્રો. એસ.વી. ચંદ્રશેખર, ડો. દીપક મજમુદાર વગેરે ઘણા ગુરુઓ પાસેથી કલા શીખવાનો લાભ મળ્યો. સાથે હું ઘણી વર્કશોપ્સ અટેન્ડ કરતો રહું છું જેમાં અસ્સલ દેવદાસી સમયના નૃત્ય શીખવા મળતા હોય છે.
જયારે હું સ્ટેજ પર ડાન્સ કરતો તો મારા ફ્રેન્ડસ મને મળવાની ના પાડતા. એમને ભય હતો કે હું એમને મળીશ તો લોકો એમને સારી દૃષ્ટિથી નહીં જોશે. ઘણાએ મારા આ નિર્ણયનો ખૂબ વિરોધ કર્યો. મેલ ડાન્સર હોવાના કારણે મારા લગ્ન પણ નહોતા થતા. ૩ વર્ષ પહેલાં જ મારા લગ્ન થયા છે પરંતુ મારી મમ્મીએ મને ખૂબ સાથ આપ્યો. હું જે કંઇ પણ આજે છું મારી મમ્મીના લીધે જ છું. મારી પાસે પહેલાં 700 વિદ્યાર્થી હતા પણ કોરોના પછી આજે 400 છે અને વર્ષ દરમ્યાન મારા વિવિધ આરંગેત્રમ્ થતા રહે છે.
આજ સુધીમાં લગભગ 35000 શિષ્યોને મેં નૃત્ય શીખવ્યું છે. હું ખૂબ મકકમતાથી આ કરિયર પસંદ કરી એમાં આગળ વધ્યો. મારી વાઇફ રાજકોટમાં કોર્પોરેટ જોબ કરતી હતી તે છોડીને આજે એ મારી સાથે ડાન્સમાં જ જોડાઇ ગઇ છે અને મને બહુ જ સપોર્ટ આપે છે. મેં એક દીકરાને આરંગેત્રમ કરાવ્યું છે અને એ આજે એન્જિનિયર છે. મારે લોકોની માનસિકતા બદલવી છે કે ભણતરને મહત્ત્વ આપો પરંતુ એમાં થોડા માર્કસ ઓછા આવશે તો બીજી ફિલ્ડમાં બાળક આગળ વધી શકશે અને એમાં 100 / 100 પણ સ્કોર કરી શકશે.’’
ભાવિન ભાવસાર – હેર એન્ડ મેકઅપ એકસપર્ટ
42 વર્ષીય ભાવિન ભાવસાર 22 વર્ષથી આ પ્રોફેશનમાં છે. તેઓએ કરિયરની શરૂઆત મહેંદી આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેઓ કહે છે કે, ‘‘જયાં મહેંદી મૂકવા જતો ત્યાં બધાના મેક-અપ થયેલા જોતો તો મને એમ લાગતું કે કંઇક ખૂટે છે. હું આનાથી સારું કામ કરવા માંગું છું. બજારમાંથી મટીરિયલ લાવી હું જાતે ટ્રાય કરતો થયો અને હું મુંબઇમાં હરીશભાઇ ભાટિયા પાસેથી બેઝિક મેક-અપ શીખ્યો. ત્યાર બાદ હું એડવાન્સ હેર એન્ડ મેકઅપ સ્ટડીઝ માટે લંડન ગયો. જયારે હું પ્રોફેશનલી કામ કરવા લાગ્યો તો લોકોને શરૂઆતથી જ મારું કામ ગમવા માંડયું, ત્યાં સુધી US થી NRI કલાયન્ટ્સ આવતા તો મારા નામનું રેકમેન્ડેશન લઇને જ આવતા. ઘણા લોકોએ મારા મેકઅપ આર્ટિસ્ટ બનવા સામે ઘણો વિરોધ કર્યો. મને ટોન્ટ પણ મારતા હતા પરંતુ જે કામ મારું ઘર ચલાવે અને મને ઓળખ આપે તે મારા માટે ભગવાન છે.
મારા જે મિત્રોને મારી શરમ લાગતી તેમણે મારો સાથ છોડયો હતો. આજે તેઓ મને મળવા માટે મારો સમય માંગે છે. જે લોકો મારી નિંદા કરતા તે જ લોકો આજે મને માન આપતા થયા છે. મારું જોઇને ઘણા પુરુષો આજે આ કરિયરમાં આગળ આવ્યા છે. હું જે છું આજે એ મારા પપ્પાને કારણે છું. એમણે મને અભૂતપૂર્વ સાથ આપ્યો છે.’’ ભાવિનભાઇ કહે છે, ‘‘મેં મારી આસિસ્ટન્ટ સાથે જ મેરેજ કર્યા છે કેમ કે અમે એકબીજાને પ્રોફેશનલી સમજી શકતા હતા અને મને આગળ લાવવામાં એનું ખૂબ મોટું યોગદાન છે.’’ તેઓ જણાવે છે કે, ‘‘આપણે જેમાં કમ્ફર્ટેબલ અને ખુશ હોઇએ એવી જ કરિયર પસંદ કરી એમાં આગળ વધવું તો જ સફળતા મેળવી શકાય. જગન્નાથપુરીમાં આજે પણ દાસી પરંપરા છે જયાં સ્ત્રીઓને શણગારવાવાળા પુરુષો જ છે પણ તેમનો ભાવ સાત્ત્વિક હોય છે. એ રીતે હું પણ એવા જ ભાવથી બહેનોને મેકઅપ કરું છું અને એ લોકો મારી પાસે ખૂબ વિશ્વાસથી આવે છે.’’