Columns

આપણે બધાં બંધાયેલાં છીએ

એક વૃદ્ધ માણસ હતો. તે દુનિયામાં સાવ એકલો હતો. તેનું પોતાનું કહેવાય તેવી તેની પાસે એક ગાય હતી, જેને તેણે પાળી હતી. તે ગાય વાછડી હતી ત્યારથી તેની દેખભાળ કરી હતી. વૃદ્ધ માણસ ઘરમાં અને ઘરના વાડામાં રહેતા. એક દિવસ વૃદ્ધે ગાયને જે ખૂંટાથી બાંધતો હતો તે ખૂંટાથી દોરડું ખોલી નાખ્યું અને પુચકારીને કહ્યું, ‘‘હું સાવ વૃધ્ધ થઈ ગયો છું. હવે તારી દેખભાળ કરી શકું તેમ નથી. જા, આજથી તું આઝાદ છે, જંગલમાં મેદાનમાં જયાં તને ખાવા ઘાસ મળી જાય ત્યાં જતી રહે.’’ગાય જાણે તેની ભાષા સમજતી હોય તેમ જતી રહી.

વૃદ્ધ દુઃખી થયો. તેને ગાય વિના આખો દિવસ ગમ્યું નહિ અને આ બાજુ ગાય આખો દિવસ જંગલમાં અને મેદાનોમાં ફરીને ઘાસ ચરતી રહી અને રાત્રે વૃદ્ધના ઘરના વાડામાં પોતાના ખૂંટા પાસે પાછી આવી ગઈ. વૃદ્ધ તેને જોઇને રાજી થયો અને પાણી પાયું પણ તેને ખૂંટા સાથે ફરી બાંધી નહિ તો પણ ગાય પોતાના ખૂંટા પાસે જ બેસી રહી.સવારે પાછી ઘાસ ચરવા ગઈ અને સાંજે ખૂંટા પાસે પાછી આવી ગઈ. પછી તો આ જ રોજનું થયું. સવારે ગાય જાય અને રાત્રે પોતાના ખૂંટા પાસે પાછી આવી જાય. વૃદ્ધ તેને પાણી પાય અને વ્હાલ કરી રાજી થાય.

આમ ચાલતું રહ્યું અને એક દિવસ વૃદ્ધ મૃત્યુ પામ્યો પણ ગાય તો રોજ રાત્રે પોતાના ખૂંટા પાસે આવતી જ રહી. આ એક ગાય અને વૃદ્ધની કહાની નથી. આ આપણા બધાની જીવન હકીકત છે. કારણ કે આપણે બધા જ જીવનમાં ખૂંટા સાથે બંધાયેલાં છીએ અને પોતાના ખૂંટાને છોડી શકતા નથી અને માનવજીવનમાં તો એક નહિ અનેક ખૂંટા હોય છે.જયાં રહીએ તે જગ્યા સાથે મોહ,જે વસ્તુઓ વાપરીએ તેની સાથે મોહ, જેની સાથે રહીએ છીએ તે સ્વજનો સાથે મોહ, જેની જેની સાથે પોતીકાપણું લાગે તેની સાથે મોહથી બંધાયેલાં રહેવું આપણને ગમે છે અને તે બંધનને છોડવાની આપણે હિંમત પણ કરી શકતાં નથી. ઘર, કામ ,ધંધો ,નોકરી, પતિ, પત્ની ,બાળકો ,પ્રેમી, પ્રેમિકા ,દોસ્ત ,માતા પિતા,સ્વજનો સાથે આપણે અદૃશ્ય ખૂંટાથી બંધાયેલાં રહીએ છીએ અને છેલ્લા શ્વાસ સુધી કોઈ ખૂંટો છોડી શકતાં નથી. આ સિવાય પણ અનેક ગમતી ભૌતિક વસ્તુઓ રમકડાથી લઈને કાર અને હીરા ઝવેરાત સાથેના મોહના ખૂંટા સાથે પણ આપણે બંધાયેલાં જ રહીએ છીએ.

Most Popular

To Top