શૈવલનું આગમન ઘરના સભ્યો માટે ખુશીના સમાચાર તો હતા જ પણ નિરાલી ખૂબ ખુશ હતી, કારણ કે ભગવાને તેની સાથે રમવા નાનકડો ભાઈ મોકલી આપ્યો હતો. શૈવલ હજી ખૂબ નાનો, માંડ પાંચ મહિનાનો હતો. શૈવલની મમ્મી હંસાબહેન પોતાના બાળગોપાલને જોઈ રાજી તો હતી પણ તેના મનમાં સતત એક શંકા હતી કે બીજાં બાળકોની જેમ તેનો શૈવલ કેમ ધમાલ કરતો નથી. જયારે શૈવલના પપ્પા કમલભાઈએ પહેલાં તો હજી શૈવલ નાનો છે તેમ માની તે તરફ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ સમય જતાં તેમના મનમાં પણ એ શંકા ઘુમરાયા કરતી હતી કે તેમનો શૈવલ કેમ શાંત છે.
આખરે મનનું સમાધાન થાય તે માટે નક્કી કરવામાં આવ્યું કે શૈવલને ડોક્ટરને બતાવી દઈએ. પહેલા તો ડોક્ટરને પણ શૈવલની તબિયતમાં ખાસ કંઈ લાગ્યું નહીં, છતાં ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી અને નાનકડા શૈવલની પરીક્ષાનો દોર શરૂ થયો. દુનિયાભરના ટેસ્ટ કરાવ્યા પછી જે રિપોર્ટ ડોક્ટરના ટેબલ ઉપર આવ્યો તે આંચકારૂપ હતો. પહેલા તો ખુદ ડૉક્ટરમાં પણ હિંમત નહોતી કે તે હંસાબહેન અને કમલભાઈને શૈવલની બીમારી વિશે કહી શકે, છતાં મન મક્કમ કરીને ડોક્ટરે તેમને કહ્યું, ‘તમારા દીકરાને થેલેસેમિયા છે. આ રોગનું નામ જ નહીં રોગ પણ ડરામણો છે. શૈવલની બીમારી વિશે સાંભળી બને ભાંગી પડયાં હતાં.
હજી તો તેમના લાડકવાયાએ પોતાની જિંદગીમાં એક ડગલું પણ માંડયું નહોતું ત્યારે કુદરત તેને કયા પાપની સજા કરી રહી હતી. તેના કરતાં પણ મોટો આઘાત ત્યારે લાગ્યો કે જયારે ડૉક્ટરે એવી સલાહ આપી કે, આ દર્દની કોઇ દવા નથી. શૈવલને તેના નસીબ ઉપર છોડી દો. બીજા માટે કહેવું સહેલું હતું. પણ હંસાબહેન શૈવલની મા હતી. તેની આંખમાં આંસુ છતાં તેણે મનોમન નક્કી કર્યું હતું કે, તે કોઈપણ રીતે પોતાના બાળકને બચાવશે.
પાંચ મહિનાની ઉંમરથી શૈવલને લોહીના બાટલા ચઢાવવાની શરૂઆત થઈ હતી. દવાની સાથે દુઆઓ પણ શરૂ થઈ હતી. જો કે ડૉક્ટરના મતે શૈવલને સારી રીતે મૃત્યુના દરવાજા સુધી જવા દેવો તેવી સલાહ હતી. હંસાબહેને નાનકડા શૈવલની કુંડળી કઢાવી અને અનેક જયોતિષીઓને બતાવી. તે જોષીઓ પણ તેવું માનતા હતા કે, શૈવલના હાથમાં જીવનરેખા જ નથી. જેમ-જેમ લોકો કહેતા કે શૈવલ પાસે બહુ ઓછા શ્વાસ બાકી રહ્યા છે તેમ-તેમ હંસાબહેન કુદરત સામે લડવાની તૈયારી કરી રહ્યાં હતાં.
તે યમરાજ અને પોતાના પુત્ર વચ્ચે અડીખમ બનીને ઊભાં હતાં. પહેલાં તો દર મહિને શૈવલને એક બોટલ લોહીની જરૂર પડતી હતી પણ જેમ-જેમ તે મોટો થવા લાગ્યો તેમ તેને વધુ લોહીની બોટલોની જરૂર પડવા લાગી. પહેલાં તો એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, શૈવલને સ્કૂલમાં મૂકવો જ નહીં પણ એક પરિચિતે સલાહ આપી કે, શૈવલ હજી નાનો હતો અને તેને પોતાની બીમારી વિશે ખબર નહોતી. પણ તેને ખબર હતી કે તેને કોઈ બીમારીના કારણે લોહીની બોટલો ચઢાવવી પડે છે. એટલે જ તેને સ્કૂલમાં તેના મિત્રો સાથે રમવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તે ૨મતો નહોતો. તે એવું માનતો હતો કે જો હું ૨મીશ તો મને થાક લાગશે અને થાક લાગશે તો લોહીની બોટલો ચઢાવવી પડશે. તેના નાનકડા મનમાં ચાલતો તર્ક ખોટો પણ નહોતો. તે કાચના એક નાજુક વાસણ જેવો હતો કે જેને એક નાનકડો ધક્કો પણ તોડી નાખે તેમ હતો.
જેમ જેમ શૈવલની બીમારી આગળ વધી તેમ તેમ તેની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવા લાગ્યો હતો. તેને તરત ઇન્ફેકશન લાગી જતું હતું. હંસાબહેન અને પરિવારના બાકીના સભ્યો જાણે બલિની વેદી ઉપર પહોંચેલા શૈવલને પાછો લાવવા માટે મહાયજ્ઞ કરી રહ્યાં હતાં. તેને ઇન્ફેકશન ના લાગે માટે સ્કૂલમાં જયારે બધાં બાળકો પ્રાર્થનાખંડમાં જાય પછી શૈવલને સ્કૂલના જીવતી વાર્તા વર્ગમાં મૂકી આવવો પડતો હતો અને સ્કૂલ છૂટવાની થોડીક મિનિટો પહેલાં બહાર લઈ આવવો પડતો હતો. એકએક દિવસ શૈવલને ખોબાના પક્ષીની જેમ સંભાળવાનો હતો, સાથે બ્લડ ડોનરની ફોજ પણ હાજર રાખવાની હતી.
બીજી તરફ શૈવલને થેલેસેમિયાથી કાયમી છુટકારો મળે તે માટે ભારતમાં અને દેશ બહાર તેના રિપોર્ટ મોકલી તેને મોતની દિશામાંથી પાછો લાવવાના પ્રયત્નો ચાલુ હતા. ત્યાં સમાચાર મળ્યા કે દક્ષિણ ભારતમાં વેલુર ખાતે થેલેસેમિયાના દર્દીને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સાજો કરી શકાય છે. તે અંગેના તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા અને બોનમેરો ડોનર તરીકે શૈવલની મોટી બહેન નિરાલીના રિપોર્ટ મેચ પણ થતા હતા. આખરે તેના માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી. વેલુર ખાતે જઈ ડોક્ટરને મળ્યા અને લાખો રૂપિયાની વ્યવસ્થા પણ કરી હતી. ત્યારે શૈવલ ૧૪ વર્ષનો હતો.
હવે આ નાજુક તબક્કો હતો, કારણ કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે શૈવલને છ મહિના માટે વેલુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માની લો કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જાય તો શૈવલને કોઈપણ રીતે બચાવી શકાય તેમ નહોતો. શૈવલને દાખલ કરવામાં આવ્યા બાદ તે એક પછી એક તબક્કાની તપાસ અને સારવારમાંથી પસાર થતો હતો. જેમાં તેને એક મહિના દરમિયાન ઘરના તમામ સભ્યોથી દૂર એક ખાસ રૂમમાં રાખવાનો હતો. ત્યાં તેને કોઈ મળી શકે તેમ નહોતું. ચોવીસ કલાકમાંથી માત્ર એક કલાક તેની માતાને મળવાની છૂટ હતી. જે દિવસે શૈવલને તે રૂમમાં લઈ જવાનો હતો તે પહેલાં તે રૂમની બહાર હંસાબહેન અને શૈવલ બંને એકબીજાની સાવ નજીક અડીને બેઠાં હતાં. આંસુ તેમની આંખ સુધી આવી ગયાં હતાં. બંને રડવા માગતાં હતાં પણ હંસાબહેનને ડર હતો કે કયાંક શૈવલ ભાંગી પડશે તો, માટે રડ્યા નહીં. એટલામાં ત્યાંથી નીકળેલા ડોક્ટરે જ્યારે હંસાબહેને પૂછયું ત્યારે તેમણે શૈવલને સમજાય નહીં માટે અંગ્રેજીમાં કહ્યું, “ડૉક્ટર, મારે ખૂબ ૨ડવું છે પણ શૈવલને કારણે રડી શકતી નથી.”
ડોક્ટર હંસાબહેનની માનસિક હાલત સમજી શકતા હતા, કારણ કે તેનો દીકરો એક જોખમી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. કદાચ કંઈક ભૂલ થાય અને ફરી તે શૈવલને કયારેય જોઈ ન શકે એટલે ડૉક્ટરે શૈવલને સમજાવતાં કહ્યું, “બેટા, તારા રૂમમાં ટીવી સહિત અનેક વીડિયો ગેમ પણ છે, તને ત્યાં ગમશે.” ડોક્ટરની વાત સાંભળી તેણે કહ્યું, ‘સર પણ ત્યાં મારી મમ્મી તો નહીં હોય ને ? જેનો કોઈ જવાબ ડોક્ટર પાસે નહોતો.
અલાયદા રૂમમાં શૈવલને કિમોથેરાપી આપવામાં આવી રહી હતી. જેના કારણે તેના શરીર ઉપર તો ઠીક પણ મન ઉપર પણ અસર થઈ રહી હતી. જયારે તેની મમ્મી તેને મળવા માટે આવે ત્યારે તે કહેતો, “મમ્મી, મને સપનાં બહુ આવે છે, જાણે હું કોઈ ઊંડી ખીણમાં હીંચકા ઉપર બેઠો છું અને મને કોઈ ખૂબ જોરથી હીંચકા નાખે છે. હું હીંચકો રોકવા માટે બૂમો પાડું છું. પણ કોઈ મારું સાંભળતું નથી.” આવી વખતે હંસાબહેન પાસે કોઈ શબ્દો નહોતા. શૈવલના વાળ ઊતરી રહ્યા હતા અને ચહેરો વિકૃત થઈ રહ્યો હતો. તે પોતાનો ચહેરો જોઈ શકે નહીં માટે તેના રૂમમાંથી અરીસો હટાવી લેવામાં આવ્યો હતો. છતાં તેણે એક દિવસ બારીના કાચમાં પોતાનો ચહેરો જોયો અને તે ડરી ગયો હતો. શૈવલ અને તેની મમ્મી શારીરિક કરતાં માનસિક વેદનામાંથી પસાર થઈ રહ્યાં હતાં.
યમરાજના દરબારમાં જઈ જિંદગી પાછી લાવવાની હતી. જેના માટે તેની મા ૧૪ વર્ષથી સંઘર્ષ કરી રહી હતી. આખરે નિરાલીના બોનમેરો લઈ શૈવલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા અને જેમાં ઈશ્વરકૃપાથી ડૉક્ટરને સફળતા મળી હતી. ત્યાર પછીનું એક વર્ષ શૈવલને ઘરે લાવ્યા બાદ પણ ખૂબ સાચવવાનો હતો. તે પરીક્ષા પણ પાર પડી હતી. આજે શૈવલ ૨૧ વર્ષનો છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. તે હવે સામાન્ય જિંદગી જીવવા માટે લોહીની બોટલનો મોહતાજ નથી. હંસાબહેન પોતાના જૂના દિવસો ભૂલ્યાં નથી. તે હવે બીજા શૈવલોની મદદ માટે કામ કરી રહ્યાં છે. કદાચ તે તેમનું જિંદગી જીવવાનું બહાનું હશે. શૈવલ પાસે જે જિંદગી છે તે ઈશ્વરની નહીં પણ તેની માતાની દેન છે. કોઈએ તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ જોયાં નથી પણ આવી એક મા જોઈ હોય તો તેત્રીસ કરોડ દેવી-દેવતાઓની જરૂર નથી.