Business

અહંકાર દૂર કરવાની રીત

એક મહાપરાક્રમી જ્ઞાની સમ્રાટ હતો. તે નિયમિત રીતે પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માટે અને સત્સંગ માટે જતો. ગુરુ રાજાને સદાચારથી જીવન જીવવાનો, અહંકારથી દૂર રહેવાનો ઉપદેશ આપતાં પ્રજાજનની સેવા સહાય કરવા માટે સમજાવતા અને સતત પ્રેરણા આપતા. રાજા આમ તો સદાચારી હતો, પરંતુ રાજા હોવાનો અને સંપત્તિવાન હોવાનો અને ઉપરાંત જ્ઞાની હોવાનો છૂપો અહંકાર તો તેના મનમાંથી ગયો જ ન હતો. રાજા ઘણીવાર અહંકારને કારણે રાજા રાજ્યના અન્ય વિદ્વાનોનું અપમાન કરી નાખતો. કલાકારોનું પણ સન્માન ન જાળવતો.  રાજાના ગુરુના કાને આ વાત આવી, ગુરુ જાણતા હતા આમ તો રાજા જ્ઞાની, સદાચારી છે, વિવેકી પણ છે પરંતુ મનનો આ છૂપો અહંકાર ક્યારેક આવું વર્તન કરાવે છે.

આ અહંકારને દૂર કરવો બહુ જરૂરી છે. એક દિવસ રાજા ગુરુ પાસે સત્સંગ માટે આવ્યો તેને ગુરુજીને પ્રણામ કરી કહ્યું, ‘મહારાજ, મારા મનને પૂર્ણ શાંતિ મળતી નથી, કંઈ પણ કરું, ક્યાંક એવી કમી છે જે મને અજંપામાં રાખે છે… પરેશાન કરે છે’… ગુરુ જાણતા હતા કે મૂળ અહંકારને કારણે કરેલા ખરાબ વર્તનને લીધે રાજાનું મન અશાંત રહે છે.  તેમણે કહ્યું, ‘જો તું મારી વાતનું સંપૂર્ણ પાલન કરીશ તો હું તને મનની શાંતિ મળે તેનો ઉપાય બતાવીશ.’ રાજાએ વચન આપ્યું પછી ગુરુજીએ કહ્યું, ‘આવતીકાલથી નગરમાં સાત દિવસ સુધી તું નગરશેઠ, વિદ્વાન, શ્રેષ્ઠી, જ્ઞાની, સાહિત્યકાર, કલાકાર, કવિ, ચિત્રકાર લઈને ખેડૂતો અને શુદ્રો સુધી બધાના ઘરે જઈને ભિક્ષા માંગીને જે મળે તે ખાજે,’  રાજા વાત સાંભળી અવાચક થઈ ગયો, તેણે ધીમેથી ગુરુજીને કહ્યું, ‘ગુરુજી બીજો ઉપાય નથી હું રાજા છું.

હું બધાને હંમેશા આપું છું. તેમની સામે હાથ ફેલાવીને ભિક્ષા માંગવી મારા માટે બહુ કઠિન થશે.’ ગુરુજીએ કહ્યું, ‘રાજન, ઉપાય હંમેશા કઠિન જ હોય છે. તારો છુપો દુશ્મન છે તારા મનના ખૂણામાં છુપાયેલો અહંકાર… આ દુર્ગુણ આ ઉપાય કરવાથી જ દૂર થશે.’ રાજાએ ગુરુજીની આજ્ઞા પ્રમાણે નગરમાં ઘર ઘર જઈને ભિક્ષા માંગી તેના મનમાં છુપાયેલો અહંકાર નષ્ટ થઈ ગયો અને ધીમે ધીમે તેને શાંતિની અનુભૂતિ થવા લાગી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે     

Most Popular

To Top