સુરત: ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટિના પરિણામે ઉકાઈ ડેમ 344.43 ફુટની સપાટીએ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6628.41 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પીવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન માટે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
સુરત સિંચાઈ વર્તુળની કચેરી અઠવાલાઈન્સના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં 2023-34 દરમિયાન ખરી. રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે મેઘ મહેરથી ઉકાઈ ડેમમાં પૂરતી જળરાશિનો સંગ્રહ થયો છે, ત્યારે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડૂતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે, પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય. કેનાલના તળ વિસ્તારમાં પાણી પહોંચે તે પ્રકારનું આયોજન કરવા પર તેમજ દરેક ગામોમાં વધુમાં વધુ પિયત મંડળીઓ સ્થાપવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં 2023-24માં સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત કાકરાપાર યોજના, ઉકાઈ યોજના અને ઉકાઈ સિવિલ વર્તુળ-ઉકાઈ અંતર્ગત વિ પાકની સિઝન માટે 1,56,015 હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન 1,46,210 હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સૂચિત રોટેશન ઘડી કાઢવામાં આવ્યું છે.
રવિ, ઉનાળુ પાક માટે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા રોટેશન અનુસાર નવેમ્બર- 2023થી લઈ જુન 2024 દરમિયાન કાકરાપારના ડાબા કાંઠા મુખ્ય નહેર તથા ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે 154 દિવસ પાણી વહેવડાવવામાં આવશે, જેમાં નહેર 35 દિવસ બંધ રહેશે . જ્યારે કાકારાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર માટે 196 દિવસ પાણી અપાશે. જયારે 91 દિવસ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર 188 દિવસ પાણી અપાશે અને 61 દિવસ બંધ રહેશે.
સિંચાઈ વસુલાત અને પિયાવાની વિગતોમાં એપ્રિલથી સપ્ટેમ્બર- 23 સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં 531.30 લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી 50.65 લાખ મળી 582 લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે, જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં 447 કરોડની વસુલાત કરવામાં આવી છે.