વડોદરા: વડોદરા શહેરમાં અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવે છે ત્યારે સોમવારે કોર્પોરેશનની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરના ગેટ પાસે જ પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થવા પામ્યો છે. આ અંગે વોર્ડ નંબર 13 કોંગ્રેસ નગરસેવક દ્વારા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં વર્ષોથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવવાની સમસ્યા છે. અને અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ મુશ્કેલીમાં વધારો કરે છે. નવાઈની વાત તો એ છે કે આ પ્રકારના ભંગાણ નું વહેલી તકે સમારકામ પણ હાથ ધરાતું નથી. અને હજારો લિટર પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કમિશનરના ગેટ પાસે જ પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવું જોઈએ. સાથે એક જ સ્થળે અવારનવાર ભંગાણ કઈ રીતે થાય છે તે દિશામાં પણ તપાસ કરવી જરૂરી બને છે.