આણંદ : આણંદ નગરપાલિકાનો વહીવટ કેટલો અણઘણ છે, તે છેલ્લા બે મહિનાથી સર્જાયેલી પાણીની સમસ્યાથી જોઇ શકાય છે. બોરસદ ચોકડી પર બ્રિજ નીચે લાઇન તુટ્યા બાદ શહેરમાં ઠેર ઠેર પાણીનો કકળાટ ઉભો થયો છે. તેમાંય વોર્ડ નં.9 અને 10માં આવેલા નિલકંઠનગરમાં બે મહિનાથી પાણીના પ્રશ્ને રજુઆતો છતાં કોઇ નક્કર પરિણામ ન આવતાં મહિલાઓએ માટલાં ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. આણંદ શહેરની બોરસદ ચોકડી પર બ્રિજના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે સંકલનના અભાવે પ્રજા પરેશાન થઇ રહી છે. પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની હુંસાતુંસીમાં પાણીની લાઇન પર જ બ્રિજ બનાવી દીધો હતો. જેના કારણે વરસો જુની લાઇન તુટી ગઇ હતી. પાણીના પ્રવાહમાં બ્રિજને ભારે નુકશાન થયું હતું. સાથોસાથ અડધા શહેરને છતે પાણીએ તરસ્યાં રહેવાનો વખત આવ્યો છે. ખાસ કરીને નીલકંઠનગરમાં આ સમસ્યા ભારે ગંભીર બની છે.
છેલ્લા બે મહિનાથી પાણી ન મળતાં રહીશો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હતી. આમ છતાં શાસકોના પેટનું પાણી હલતું નથી. આખરે કંટાળી નિલકંઠનગરના રહિશોએ ભેગા થઇ માટલા ફોડ્યાં હતાં અને પાલિકાની હાય.. હાય..ના નારા લગાવ્યાં હતાં. સાથોસાથ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, દિવાળી જેવા તહેવાર ટાણે પાલિકાના નગરસેવકો જલસા કરવા ઉપડી ગયા હતા, ત્યારે પ્રજા અહીં પાણી વગર ટળવળતી હતી. આણંદ પાલિકાના શાસકો દ્વારા પાણી પ્રશ્ને દૂર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેના કારણે શહેરના મોટા ભાગમાં રોષ જોવા મળી રહ્યો છે.
ટેન્કરથી અપાતુ પાણી પણ ડહોળું આવી રહ્યુ છે
નિલકંઠનગરના રહિશોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકામાં રજુઆતો કર્યા બાદ ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ આ પાણી પણ ડહોળુ આવી રહ્યું છે. આ અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં કોઇ પગલાં ભરવા આવી રહ્યાં નથી.
