સુરત(Surat): દિલ્હી હોય કે મુંબઈ કે અમદાવાદ. આ શહેરોમાં મેટ્રો રેલ (MetroRail) છે તેવું લોકોએ સાંભળ્યું છે પરંતુ વોટર મેટ્રો? (WaterMetro) આ નવું આવ્યું! સુરત મહાપાલિકા (SMC) દ્વારા આગામી દિવસોમાં સુરતમાં વોટર મેટ્રો દોડાવવા માટે આયોજનો કર્યા છે. આમ તો સુરતમાં મેટ્રો રેલના બે રૂટ માટેની કામગીરી ચાલી જ રહી છે. એક રૂટમાં તો મેટ્રો રેલ માટે ટનલ પણ બની રહી છે. આ મેટ્રો રેલ સુરત માટે ટ્રાફિક અને ટ્રાફિક જામની સમસ્યા ઘટાડશે જ પરંતુ જે વિસ્તારોમાં મેટ્રો રેલ નથી તેનું શું?
સુરત એવું શહેર છે કે જેની વચ્ચેથી તાપી (Tapi) નદી વહી રહી છે અને આખા સુરતને ભરડો કરીને વહી રહી છે. આ સંજોગોમાં તાપી નદીના પાણીનો જો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ કરવામાં આવે તો સામુહિક પરિવહન માટે સરળતા થઈ શકે. હાલમાં તાપી નદીમાં સિંગણપોર પાસે વિયર કમ કોઝવે છે અને મગદલ્લા-રૂંઢ પાસે બેરેજ બનાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. આ સંજોગોમાં જો તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવામાં આવે તો સુરતનો ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. આ કારણે જ તાપી નદીમાં વોટર મેટ્રો માટે મનપાના બજેટમાં તેનો ફીઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી છે.
શું છે આ વોટર મેટ્રો??
જો મેટ્રો રેલને જોઈ હોય તો જે રીતે તેના ડબ્બા હોય છે તેવી જ રીતે નાની બોટમાં બેઠકવ્યવસ્થા હોય છે. આ બોટ પાણીમાં એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર પેસેન્જરોને લઈ જાય છે. જેવી જરૂરીયાત હોય તે પ્રમાણે આવી બોટ બનાવીને તેને નદીના પાણીમાં દોડાવી શકાય છે. વોટર મેટ્રોની બોટનું ભાડું પણ મેટ્રો રેલ જેટલું જ હોય છે અને તેમાં માસિક અને વાર્ષિક પાસ પણ મળી શકે છે. આવી બોટ બેટરીથી ચાલે છે અને તેમાં બહારનો નજારો જોઈ શકાય તે માટે કાચની બારીઓ લગાડવામાં આવી હોય છે.
રૂંઢના બેરેજથી કામરેજ સુધીના તાપી નદીના 31 કિ.મી.ના પટમાં વોટર મેટ્રો દોડાવી શકાશે
સુરતીઓ હાલમાં કામરેજ સુધી ફેલાઈ જ ગયા છે. આ સંજોગોમાં રૂંઢ ખાતેના બેરેજથી શરૂ કરીને છેક કામરેજ સુધી તાપી નદીના પાણીમાં વોટર મેટ્રો દોડાવી શકાય તેમ છે. રૂંઢના બેરેજથી સિંગણપોરના કોઝવે સુધીનું અંતર 10 કિ.મી. છે અને સિંગણપોરના કોઝવેથી કામરેજ સુધીનું અંતર 21 કિ.મી. છે. બેરેજ બન્યા બાદ તાપી નદીમાં કોઝવે સુધીમાં 19 મિલિયન ક્યુબિક મીટર અને કોઝવેથી કામરેજ સુધીમાં 31 મિલિયન ક્યુબિક મીટર પાણીના સરોવર બનશે. આ સંજોગોમાં આ પાણીમાં વોટર મેટ્રો આરામથી ચાલી શકે તેમ છે. હાલના તબક્કે સિંગણપોર કોઝવેના સરોવરમાં વોટર મેટ્રો શરૂ કરી દેવાય તેમ છે. જ્યારે રૂંઢનો બેરેજ તૈયાર થઈ જાય ત્યારે તે સરોવરના પાણીનો ઉપયોગ કરી શકાશે.
દેશની પ્રથમ વોટર મેટ્રો કોચીમાં શરૂ કરવામાં આવી છે, સુરત બીજું શહેર બની શકે, દરિયાના બેક વોટરથી ટ્રાન્સપોર્ટ થશે
વોટર મેટ્રોનો કન્સેપ્ટ ફેરી સર્વિસ પરથી આવ્યો છે. જે રીતે દરિયામાં સુરતના હજીરાથી ઘોઘા સુધીની ફેરી સર્વિસ છે તેવી જ રીતે નદીના પાણીમાં વોટર મેટ્રો ચલાવવામાં આવે છે. દેશમાં સૌ પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કેરળના કોચી શહેરમાં કરવામાં આવી છે. કોચીમાં વોટર મેટ્રો માટે 78 બોટનો ઉપયોગ કરવામાં આવનાર છે. જ્યારે 38 ટર્મિનલ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ચાર ટર્મિનલ તૈયાર કરીને 8 બોટ સાથે વોટર મેટ્રો શરૂ કરી દેવામાં આવી છે. હવે સુરતમાં વોટર મેટ્રો માટેનો કોન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે. બની શકે છે કે વોટર મેટ્રો ચલાવનાર સુરત દેશમાં બીજું શહેર બની શકે.
સુરતમાં મેટ્રો રેલના તાપી નદીના કિનારાના અડાજણ તરફે બદરીનારાયણ અને અઠવાલાઈન્સ તરફે ચોપાટીના સ્ટેશન બનશે
સુરતમાં જે મેટ્રો રેલ બની રહી છે તેના તાપી નદીના કિનારા પર અઠવાલાઈન્સ તરફે ચોપાટી અને અડાજણ તરફે બદરીનારાયણ મંદિર ખાતે સ્ટેશન તૈયાર થશે. પ્રાથમિક તબક્કે વોટર મેટ્રો દ્વારા આ બંને સ્ટેશનને જોડવામાં આવશે કે જેથી લોકો વોટર મેટ્રો મારફત મેટ્રો રેલનો પણ લાભ લઈ શકે.
વોટર મેટ્રો સુરત માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે: મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલ
સુરતમાં જે રીતે ટ્રાફિક છે તે જોતાં આગામી દિવસોમાં વોટર મેટ્રો સુરત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. સુરતની ફરતે તાપી નદી છે ત્યારે તેનો મહત્તમ ઉપયોગ વોટર મેટ્રો મારફત કરી શકાય તેમ છે. હાલમાં પ્રાથમિક તબક્કે બદરીનારાયણ અને ચોપાટીના સ્ટેશનને વોટર મેટ્રો દ્વારા જોડીને બાદમાં ફીઝિબિલિટી રિપોર્ટના આધારે અન્ય ટર્મિનલોની સંખ્યા પણ નક્કી કરવામાં આવશે. ટર્મિનલની સંખ્યા નક્કી થયા બાદ કેટલી બોટ દોડાવવી તેનો નિર્ણય કરવામાં આવશે. હાલમાં આ માટે સુરતમાં બની રહેલી મેટ્રો રેલના અધિકારીઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે તેમ સુરતના મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.