ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં પાણીની (Water) તંગી વર્તાય રહી છે. કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ઉનાળાના કારણે નાના ડેમો (Dam) સૂકા પડી ગયા છે. તેથી સરકાર દ્વારા ડેમોમાં પાણી આપવા માટે નર્મદા (Narmada) ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકારના પ્રયાસો છતાં પણ કેટલાક ગામડાઓ પાણી વગર તરસ્યાં છે. કેટલાક ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
કચ્છ, સૌરાષ્ટ્રમાં જળ સંકટની ભીતિ
રાજ્યના છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવું ઘણું મુશકેલ બન્યું છે. રાજ્યના મુખ્ય 17 ડેમોમાં માત્ર 46 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જો આ વર્ષે ચોમાસું સારું ન રહે તો આવતા વર્ષે પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાથી સ્થિતિ કફોડી બની છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા છેવાડાના ગામે પાણીની પોકાર ઉઠી છે. પાણીની સમસ્યામાં ઉત્તર ગુજરાતની સ્થતિ કોફોડી છે. જ્યારે કચ્છમાં પાણીની સમસ્યાને લઈને બૂમરાણ ઉઠવા પામી છે. સૌરાષ્ટ પણ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે.
ગુજરાતના 207 ડેમમાં અત્યારે માત્ર 46 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જેમાંથી ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માંડ 13.69 ટકા જેટલું જ પાણી છે, કચ્છમાં 20 ડેમ આવેલા છે અને આ ડેમોમાં માત્ર 16.90 ટકા પાણીનો જથ્થો છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં હવે માત્ર 32.59 ટકા પાણીનો સંગ્રહ બચ્યો છે. જે ઘણો ઓછો છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ સારો ન રહેશે તો આવતા વર્ષે પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે.
છેવાડાના ગામડાઓમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવવામાં આવે છે
રાજ્યાના કચ્છ સહિતના છેવાડાના ગામોમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવવામાં આવે છે. સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર રોજ 100 જેટલા ટેન્કરોના ફેરા થાય છે. તો બીજી તરફ બનાસકાંઠામાં પાણીની સાથે સાથે ઘાસચારાની અછતના કારણે મૂંગા પશુઓનાં મોતને લઈને રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આ સિવાય પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. રાજ્યના નર્મદા અને કલ્પસર વિભાગની માહિતી પ્રમાણે બનાસકાંઠામાં અત્યારે પાણીનો જીવંત જથ્થો માંડ 4.86 ટકા છે, સાબરકાંઠામાં 3.79 ટકા, અરવલ્લીમાં 7.17 ટકા અને મહેસાણામાં 11.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.
આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે ભારતમાં ચોમાસું પાંચ દિવસ વહેલા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 27 મે ના રોજ ભારતમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ સૌ પ્રથમ કેરળમાં પડશે ત્યાર બાદ સમગ્ર ભારતમાં વરસાડ પડશે. તો બીજી તરફ સ્કાયમેટ દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તેથી કહી શકાય કે જો આ વર્ષે રાજ્યમાં વરસાદ સારો નહીં પડે તો આવતા વર્ષે પાણીની સમસ્યા સર્જાય શકે છે.