Comments

કોઇના માટે કચરો કોઈને માટે કિંમતી

એક ગરીબ ઘર વગરની સ્ત્રી પોતાની નાનકડી છ વર્ષની છોકરી સાથે રસ્તામાં ભટકીને એક કોથળામાં પ્લાસ્ટીકની બોટલો અને કેન અને અન્ય ટુકડાઓ ભેગા કરી રહી હતી.મોઢા પરથી સારા ઘરની લાગતી સ્ત્રી પાસે કોઈ રહેવાનું સ્થળ ન હતું અને તેણે અને તેની છ વર્ષની છોકરીએ બે દિવસથી કંઈ ખાધું ન હતું. છોકરી હવે ભૂખે પેટે ચાલી શકતી ન હતી. તે ઘડી ઘડી પોતાની મમ્મીને પૂછતી હતી કે ‘મમ્મી, આપણે કયારે ખાઈશું?’ પેલી સ્ત્રી બિચારી રડી પડી.પછી બોલી, ‘હા,બેટા, જો થોડી હજી બોટલો ભેગી કરી લઉં એટલે તે વેચીને આપણે કંઇક ખાવાનું લેશું.’

ત્યાં જ નજીકની કચરાટોપલીમાં એક યુવાન છોકરો કોલ્ડ્રીંક પીને ચાર બોટલ ફેંકવા આવ્યો.પેલી સ્ત્રીએ દોડીને તેની પાસે જઈને કહ્યું, ‘આ બોટલ કચરાટોપલીમાં ન ફેંકતાં મને આપો.’ગરીબ સ્ત્રીના દીદાર જોઇને પેલા યુવાનને થોડી ચીતરી ચઢી. તે બોલ્યો, ‘આ તો કચરો છે …’પેલી સ્ત્રી હાથ લાંબો કરતાં બોલી, ‘કોઈના માટે કચરો એ અન્ય કોઈ માટે કામની વસ્તુ થાય છે.’પેલા યુવાને કહ્યું, ‘તારી પોતાની હાલત તો કચરા જેવી જ છે.

હું તો આ કચરામાં જ બોટલ નાખીશ. તારે જોઈએ તે કચરામાંથી લઇ લે.’અને છોકરો કચરાટોપલીમાં બોટલો નાખી ચાલ્યો ગયો. પેલી સ્ત્રીએ અપમાન ગળી જઈને આંખમાં આંસુ સાથે કચરામાંથી બોટલો કાઢી અને પોતાના કોથળામાં નાખી.છોકરાની મમ્મીએ કારમાંથી છોકરાને પેલી સ્ત્રી સાથે વાત કરતાં જોયો હતો એટલે છોકરો આવ્યો એટલે પૂછ્યું, ‘શું થયું, કેમ વાર લાગી.’પેલા છોકરાએ  બધી વાત કરતાં કહ્યું, ‘મમ્મી, એટલી ગંદી સ્ત્રી અને તેની દીકરી હતાં, કચરો વીણતાં હતાં. એ પોતે જ કચરા જેવા લાગતાં હતાં.પાછું મને તેણે કહ્યું કે કોઈને માટે કચરો હોય, તે કોઈ માટે અત્યંત કિંમતી હોય અને મારી પાસે ખાલી બોટલ માંગી.’મમ્મીએ પૂછ્યું, ‘તેં આપી?’ છોકરાએ કહ્યું, ‘ના, એ સ્ત્રી એટલી ગંદી હતી હું તેની પાસે શું કામ જાઉં.

મેં તો કચરામાં નાખી દીધી અને કહ્યું, ‘જોઈએ તો આ કચરામાંથી લઇ લે.’ મમ્મીએ કહ્યું, ‘દીકરા, તેં આ ભૂલ કરી.પેલી સ્ત્રીની વાત સાચી છે.એ તો જેની પર વીતે તેને ખબર પડે. જા આ બીજી બે બોટલ અને બિસ્કીટના પેકેટ તેને જઈને આપ અને માફી માંગ.’પેલી સ્ત્રી કચરાટોપલીમાંથી બોટલો કાઢી રહી હતી ત્યાં છોકરો આવ્યો.પેલી ગરીબ સ્ત્રી બે ડગલાં પાછળ હટી ગઈ. છોકરાએ હાથની બોટલો કચરામાં ન ફેંકતાં તેના હાથમાં આપી અને નાની છોકરીના હાથમાં બિસ્કીટના પેકેટ આપ્યાં. બે દિવસની ભૂખી છોકરી રાજી થઇ ગઈ અને બિસ્કીટ ખાવા લાગી. છોકરાએ પોતાના વર્તાવ બદલ પેલી સ્ત્રીની માફી માંગી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top