વોશિંગ્ટન: (Washington) ગયા સપ્તાહે અમેરિકી પ્રમુખ બાઇડન (President Biden) સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં (Joint Press Conference) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછનાર એક અમેરિકી પત્રકારની સોશ્યલ મીડિયા (Social Media) પર હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આવી હેરાનગતિને વ્હાઇટ હાઉસે બિલકુલ અસ્વીકાર્ય ગણાવીને વખોડી નાખી છે.
- જેણે મોદીને લઘુમતિઓના અધિકારો અંગે પ્રશ્ન પૂછ્યો હતો તે પત્રકારની ઓનલાઇન સતામણી થતી હોવાના અહેવાલ
- મહિલા પત્રકારે ભારતમાં લઘુમતિઓના અધિકારોની સ્થિતિ સુધારવા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને માન્ય રાખવા તેમની સરકાર શું પગલા લેશે એમ પૂછ્યું હતું
- વોલસ્ટ્રીટ જર્નલના મહિલા પત્રકાર સબ્રીના સિદ્દીકીને સોશ્યલ મીડિયા પર પરેશાન કરતા સંદેશાઓ મળ્યા
- પત્રકારની આવી હેરાનગતિને વ્હાઇટ હાઉસે સખત શબ્દોમાં વખોડી નાંખી
ગયા સપ્તાહે વોલ સ્ટ્રીટ જર્નલના મહિલા પત્રકાર સબ્રીના સિદ્દીકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતિઓના અધિકારો બાબતે પ્રશ્ન પૂછ્યો હતો અને આ અધિકારોની સ્થિતિ સુધારવા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને માન્ય રાખવા તેમની સરકાર શું પગલા લેશે એમ પૂછ્યું હતું. આ પત્રકાર પરિષદના એક દિવસ પછી આ પત્રકારે ઓનલાઇન દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક તેમના પ્રશ્નને હેતુપૂર્વકનો ગણાવતા હતા અને તેમને પાકિસ્તાની ઇસ્લામિસ્ટ ગણાવતા હતા.
સબ્રીનાએ ટ્વીટર પર લખ્યું હતું કે કેટલાક લોકો મારો અંગત બેકગ્રાઉન્ડ પૂછતા હતા. કેટલીક વખતે વ્યક્તિની ઓળખ તે લાગે છે તેના કરતા વધુ ગુંચવાડાભરી બાબત બની જાય છે એમ તેમણે લખ્યું હતું. પોતાના ટ્વીટની સાથે પોતાનો એપ્રિલ ૨૦૧૧નો ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરેલો પોતાનો પોતાના પિતા સાથેનો ફોટો પણ તેમણે મૂક્યો હતો જે સમયે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું.
આ પત્રકારની થઇ રહેલી હેરાનગતિ બાબતે વ્હાઇટ હાઉસે એક વખોડી નાખતું નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવાયું છે કે અમે તે સતામણીના અહેવાલોથી વાકેફ છીએ અને અમે કોઇ પણ સંજોગોમાં કોઇ પણ પત્રકારની હેરાનગતિને સંપૂર્ણપણે વખોડી નાંખીએ છીએ. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અને તે ગયા સપ્તાહે જેના દર્શન થયા તે લોકશાહીના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે એમ વ્હાઇ હાઉસના નેશનલ સિકયુરિટી કાઉન્સિલના કોઓર્ડિનેટર જહોન કિર્બીએ કહ્યું હતું. દરમ્યાન સાઉથ એશિયન જર્નાલિસ્ટ એસોસીએશન(સાજા)એ પણ સબ્રીના સિદ્દીકીને ટેકો જાહેર કર્યો છે.