વોશિંગ્ટન: (Washington) અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ (NASA) ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પાસે બુર્જ ખલીફા (Burj Khalifa) કરતા બમણા ઊંડા ખાડાની શોધ કરી છે. બુર્જ ખલીફાની ઊંચાઈ 820 મીટર છે જ્યારે આ ખાડાની ઉંડાઈ તેનાથી બમણા જેટલી છે. આજ પહેલા આ ખાડા વિશે કોઈ માહિતી ન હતી. નાસા આર્ટેમિસ 3 મિશન માટે લેન્ડિંગ સાઇટ્સની ઓળખ કરી રહ્યું છે. આ માટે નાસાના વૈજ્ઞાનિકો (Science) ચંદ્રના નકશાનો વિગતવાર અભ્યાસ કરી રહ્યા છે. આ સમય દરમિયાન વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની ઉચ્ચ રીઝોલ્યુશનવાળી સંયુક્ત છબીઓ અગાઉ ક્યારેય જોઈ ન હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની આ આકર્ષક છબી લુનર રિકોનિસન્સ ઓર્બિટર કેમેરા (LRO) દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સની શ્રેણીમાંથી બનાવવામાં આવી હતી.
લુનાર રિકોનિસન્સ ઓર્બિટર કેમેરા એ નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર પરના કેમેરાનું નેટવર્ક છે જે જૂન 2009થી ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. આ કેમેરા શેડોકેમ નામના ઉપકરણ સાથે પણ જોડાયેલા છે જે કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના કોરિયા પાથફાઈન્ડર લુનાર ઓર્બિટર પર લગાવવામાં આવ્યા છે. નાસાએ આ સાધનો માટે ભંડોળ પૂરું પાડ્યું છે. કોરિયન એજન્સીના એક નિવેદન અનુસાર શેડોકેમ અગાઉ તૈનાત નાસા મૂન કેમેરા કરતાં 200 ગણાં વધુ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે.
આ ખાડો હંમેશા અંધકારમાં ડૂબેલો રહે છે
તસવીરો શેર કરીને નાસાએ જણાવ્યું છે કે આ જગ્યા કાયમ માટે અંધકારમાં ડૂબેલી રહે છે. આ અદભૂત મોઝેકમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક શેકલટન ક્રેટરનો આંતરિક ભાગ દૃશ્યમાન છે. દક્ષિણ કોરિયન લુનર ઓર્બિટર પર નાસાના એક સાધન શેડોકેમ દ્વારા આ ખાડો કબજે કરવામાં આવ્યો હતો. તે ચંદ્રની સપાટીના સંદિગ્ધ ભાગોને જોવા માટે રચાયેલ છે. કોરિયન સ્પેસક્રાફ્ટ ડેનુરી પર લાગેલું આ ઉપકરણ છેલ્લા એક વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે.
નાસા આર્ટેમિસ 3 માટે લેન્ડિંગ સાઇટ શોધી રહ્યું છે
નાસાના જણાવ્યા અનુસાર આ ખાડાની આસપાસની તસવીરો લુનર રિકોનિસન્સ ઓર્બિટર કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવી છે. આર્ટેમિસ 3 મિશન દરમિયાન અવકાશયાત્રીઓ માટે 13 સંભવિત ઉતરાણ ક્ષેત્રોમાંથી ત્રણના ભાગો આ છબીમાં જોઈ શકાય છે. સેન્ટર ફોર લુનાર સાયન્સ એન્ડ એક્સપ્લોરેશન અનુસાર શેકલટન ક્રેટર લગભગ 12.4 માઇલ પહોળું (20 કિમી) અને 2.6 માઇલ ઊંડું (1.3 કિમી) ફેલાયેલું છે જે તેને ગ્રાન્ડ કેન્યન કરતાં પણ ઊંડું બનાવે છે.