જાલંધરની રેચલ ગુપ્તાએ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ હવે ખિતાબ જીત્યાના લગભગ એક વર્ષ પછી તેની પાસેથી આ તાજ પાછો છીનવી લેવામાં આવ્યો છે. આ સમાચારની જાહેરાત સૌંદર્ય સ્પર્ધાના આયોજકો દ્વારા કરવામાં આવી છે. જોકે, રેચલ ગુપ્તાનો દાવો છે કે તેણે પોતે આ નિર્ણય ખૂબ જ ભારે હૃદયથી લીધો છે. રેચલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તાજ પરત કરવાનું કારણ સૌંદર્ય સ્પર્ધાના ઝેરી વાતાવરણનો ઉલ્લેખ કર્યો છે.

રેચલ ગુપ્તાએ તાજ પરત આપ્યો હોવાની પોસ્ટ મુકી
રેચલ ગુપ્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું, દુનિયાભરના મારા બધા સમર્થકો જો આ સમાચારથી મેં તમને નિરાશ કર્યા હોય, તો હું ખરેખર દિલગીર છું. મારી પડખે ઉભા રહેવા બદલ આભાર. પ્લીઝ સમજો કે આ નિર્ણય લેવો સરળ નહોતો પણ મારા માટે તે શ્રેષ્ઠ નિર્ણય હતો. સત્ય ખૂબ જ ટૂંક સમયમાં બધા સમક્ષ જાહેર થશે. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. મને આ સમાચાર શેર કરતા ખૂબ જ દુઃખ થાય છે કે મેં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 ના ખિતાબ પરથી રાજીનામું આપવાનો અને મારો તાજ પાછો આપવાનો નિર્ણય લીધો છે.

રેચલે આગળ લખ્યું, તાજ પહેરવો એ મારા જીવનના સૌથી મીઠા સપનાઓમાંનું એક હતું અને હું આશા અને ગર્વથી ભરેલી હતી કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરીશ અને ઇતિહાસ રચીશ. પરંતુ તાજ પહેર્યા પછીના મહિનાઓમાં મારો અનુભવ ખરાબ રહ્યો. તૂટેલી અપેક્ષાઓ, દુર્વ્યવહાર અને ટોક્સીક વાતાવરણનો રહ્યો છે જેને હું હવે શાંતિથી સહન કરી શકું તેમ નથી. મેં આ નિર્ણય હળવાશથી લીધો નથી. આવનારા દિવસોમાં હું એક સંપૂર્ણ વિડિઓ શેર કરીશ જેમાં હું આ મુશ્કેલ સફર પાછળની બધી હકીકત જણાવીશ. આ આગલું પગલું ભરતી વખતે હું તમારી દયા, ખુલ્લા હૃદય અને સતત સમર્થનની વિનંતી કરું છું. તમારો પ્રેમ મારા માટે મારી કલ્પના કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે.
સૌંદર્ય સ્પર્ધાના આયોજકો દ્વારા કરાયો મોટો દાવો
રેચલ ગુપ્તાએ પોતાનો પક્ષ જાહેર કર્યો પરંતુ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરતી સંસ્થા કંઈક અલગ જ દાવો કરી રહી છે. સૌંદર્ય સ્પર્ધાના આયોજકોનું કહેવું છે કે તેમણે પોતે જ રેચલને આ પદ પરથી દૂર કરી છે. તેણી હવે આ પદવીનો ઉપયોગ કરવા માટે હકદાર નથી.

સત્તાવાર જાહેરાત કરીને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી કે તેઓ આજથી મિસ રેચલ ગુપ્તાને પદ પરથી હટાવી રહ્યા છે. આ નિર્ણય તેમની સોંપાયેલ ફરજો નિભાવવામાં નિષ્ફળતા, સંસ્થાની પૂર્વ પરવાનગી વિના બાહ્ય પ્રોજેક્ટ્સમાં સામેલ થવા અને ગ્વાટેમાલાની સુનિશ્ચિત યાત્રામાં ભાગ લેવાનો ઇનકાર કરવાને કારણે લેવામાં આવ્યો હતો.
તેથી સંગઠને તાત્કાલિક અસરથી તેમનું બિરુદ રદ કરવાનો નિર્ણય લીધો છે. મિસ રેચલ ગુપ્તા હવે આ ખિતાબનો ઉપયોગ કરવા અથવા મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 તરીકે તાજ પહેરાવવા માટે લાયક નથી.