આણંદ : આણંદ પાલિકાના વોર્ડ નં.4માં આવેલી બિસ્મીલ્લા સોસાયટી સહિતના રહિશોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને રોષે ભરાયાં છે. તેઓએ ગુરૂવારના રોજ વોર્ડના કાઉન્સીલરને ઘેરી હાય હાયના નારા લગાવ્યાં હતાં. જેના કારણે વાતાવરણ ગરમ બની ગયું હતું. આણંદ નગરપાલિકાના વોર્ડ નં.4માં સમાવિષ્ટ બિસ્મીલ્લા સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવે રહિશો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. આ અંગે અવાર નવાર લેખીત અને મૌખીક રજુઆત કરવા છતાં પાલિકા અને ખાસ કરીને કાઉન્સીલરના પેટનું પાણી ન હલતાં સોસાયટીવાસીઓમાં રોષની લાગણી જન્મી છે.
આથી, કાઉન્સીલર વિરૂદ્ધ હલ્લાબોલ કર્યું હતું. રહિશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગટર અને રસ્તાનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આ અંગે કાઉન્સીલરને રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરાતાં નહતાં. ચૂંટણી બાદ કાઉન્સિલરો આ વિસ્તારમાં ફરક્યા પણ નથી. આથી, ગુરૂવારના રોજ કાઉન્સીલરના ઘરે પહોંચી ઘેરાવ કર્યો હતો. આણંદ પાલિકાના કાઉન્સિલર નૂરમહંમદના ઘર બહાર જ હાયહાયના નારા લગાવ્યાં હતાં. મહિલાઓએ બંગડી પણ તોડી હોબાળો કર્યો હતો. આખરે કાઉન્સિલરે કામ કરી આપવાની બાહેંધરી આપતાં મામલો થોડો ઠંડો પડ્યો હતો. પરંતુ ઝડપથી કામ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.