પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા છે. દરમિયાન તાલિબાને ઈસ્લામાબાદમાં ફૈઝાબાદ લશ્કરી ઠેકાણા સહિત અનેક મુખ્ય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.
ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર અફઘાન હુમલાથી સંઘર્ષ શરૂ થયો હતો. 22 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ટોલો ન્યૂઝ અનુસાર તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો.
આ હુમલાના જવાબમાં પાકિસ્તાન સરકારે ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું અને કાબુલ, નંગરહાર, પક્તિકા, પક્તિયા, લઘમાન અને ખોસ્ત પ્રાંત સહિત અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાને આ હવાઈ હુમલામાં 133 અફઘાન લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો. બંને વચ્ચેના સંઘર્ષમાં લગભગ 200 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
તાલિબાન લડવૈયાઓએ એક પાકિસ્તાની જેટ તોડી પાડ્યું
અફઘાન મીડિયા અહેવાલો અનુસાર તાલિબાન લડવૈયાઓએ એક પાકિસ્તાની જેટ પણ તોડી પાડ્યું હતું. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. અફઘાન સરકાર 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ હોવાનો દાવો કરે છે. પાકિસ્તાની સેનાનું એક મુખ્યાલય અને 19 ચોકીઓ પણ કબજે કરવામાં આવી છે. પાક સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, “અમારી ધીરજ તેની હદ સુધી પહોંચી ગઈ છે હવે અમારી અને તમારી વચ્ચે ખુલ્લું યુદ્ધ શરૂ થઈ ગયું છે.”
બીજી તરફ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે બંને દેશોને તાત્કાલિક તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા અને સંયમ રાખવા અપીલ કરી. અનવરે કહ્યું કે તાજેતરના સરહદ પારના હુમલાઓ અને ખુલ્લા સંઘર્ષમાં જાનહાનિ થઈ છે જે અત્યંત દુઃખદ છે. તેમણે રમઝાન મહિનામાં આ હિંસાને વધુ ગંભીર ગણાવી.