Editorial

સમાધાનના તમામ માર્ગ બંધ થાય ત્યારે જ યુદ્ધ કરવું જોઇએ, કૃષ્ણનું આ કથન રશિયા-યુક્રેને સમજવું જોઇએ

24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને આજે 500 દિવસ પૂર્ણ થયા છે. આ 500 દિવસમાં યુક્રેનના 9 હજાર સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે. જેમાં 500 બાળકોનો સમાવેશ થાય છે. 15 હજારથી વધુ લોકો ઘાયલ પણ
થયા છે. તે જ સમયે, યુદ્ધના કારણે જુલાઈ 2023 સુધીમાં 60 લાખ લોકોએ તેમના ઘર છોડવા પડ્યાં છે. આમાં સૌથી વધુ 12,75315 લોકો રશિયા ગયા છે.

આ યુદ્ધ વચ્ચે એક સમયે બેલારુસમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો હાથ ધરાઈ હતી. આ પૂર્વે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં વચ્ચે લગભગ દોઢ કલાક સુધી યુક્રેન મુદ્દે ચર્ચા થઈ હતી. પુતિને મૈક્રોંને કહ્યું કે ‘યુક્રેન રશિયાની શરતો નહીં સ્વિકારે તો રશિયા આક્રમણ ચાલુ રાખવા કૃતનિશ્ચયી છે. રશિયન સૈન્યના અભિયાનનો આશય યુક્રેનનું નિઃશસ્ત્રીકરણ કરવાનો અને તેની તટસ્થ સ્થિતિ જાળવી રાખવાનો છે. અમે આ લક્ષ્ય કોઈપણ ભોગે હાંસલ કરીશું. રશિયા યુક્રેન સાથે વાટાઘાટો માટે તૈયાર છે અને વાતચીતમાં વિલંબનો પ્રયાસ થતાં રશિયા તેની માગો વધારી દેશે.

તો બીજી તરફ તે જ સમયે ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને ચેતવણી આપતા કહ્યું કે,‘ જીવવા માગતા હોવ તો ઘરે પાછા જતા રહો. અમે નથી ઈચ્છતા કે યુક્રેન રશિયન સૈનિકોની લાશોથી ઢંકાઈ જાય. યુદ્ધ પછી યુક્રેનનું પુનઃનિર્માણ કરાશે અને તેની કિંમત રશિયાએ ચૂકવવી પડશે. યુક્રેન હવે રક્ષણાત્મક સ્થિતિમાંથી હુમલાની સ્થિતિમાં આવવા તૈયાર છે. બે વિશ્વ યુદ્ધ, ત્રણ દુષ્કાળ, પ્રલય, બેબીન યાર, ધ ગ્રેટ પર્જ, ચર્નોબિલ વિસ્ફોટ અને ક્રીમિયાના કબજા પછી પણ અમે ફરી ઊભા થયા છીએ. કોઈ માનતું હોય કે યુક્રેનીયન ડરી જશે, તૂટી જશે, આત્મસમર્પણ કરશે તો તેઓ અમારા અંગે કશું જ નથી જાણતા.’

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે યુક્રેનના ઘણા વિસ્તારો પર પણ વેગનર આર્મીએ કબજો કર્યો હતો. આ યુદ્ધને 500 ઉપરાંત દિવસ પૂર્ણ થઇ ગયા છે છતાં હજી તેનું પરિણામ શુ આવશે તે કોઇ કહી શકતું નથી. એનાથી પણ આગળ આ યુદ્ધનું પરિણામ આવશે કે કેમ તે પણ નક્કી નથી. મહાભારતમાં કૃષ્ણે કહ્યું હતું કે, જ્યારે સમાધાનના તમામ માર્ગ બંધ થઇ જાય ત્યારે જ યુદ્ધ કરવું જોઇએ. ભગવાન શ્રી કૃષ્ણનું આ કથન રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે બિલકુલ સાચું ઠરે છે. બંને દેશો લડી રહ્યાં છે અને બંને દેશોની પ્રજા પાયમાલ થઇ રહી છે.

સૌથી મોટી વાત તો એ છે કે, હાલના તબક્કે આ બંનેમાંથી એક પણ દેશની પ્રજા યુદ્ધ ઇચ્છતી નથી પરંતુ પુતિન અને ઝેલેન્સ્કી બેમાંથી એક પણ ઝુકવા તૈયાર નથી. આ યુદ્ધના કારણે રશિયા કે યુક્રેનને શું મળશે તે તો નક્કી નથી પરંતુ બંને દેશ અને તેમની પ્રજા આર્થિક બોજ તળે આવી જાય તે નક્કી જ છે. આ યુદ્ધથી બંને દેશોએ અત્યાર સુધી તો કંઇ જ મેલવ્યું નથી પરંતુ દુનિયાએ તેનો મોટો ભોગ આપવો પડ્યો છે. રશિયા ક્રૂડના સૌથી મોટા સપ્લાયર પૈકીનો એક દેશ છે તેમજ અહીંના ઘઉં પણ દુનિયાના અનેક દેશોને પૂરા પાડવામાં આવે છે. જે સપ્લાય પર અસર પડતાં મોંઘવારી વધી ગઇ છે. નાટો અને પશ્વિમી દેશો ભલે રશિયા પર આર્થિક કે અન્ય પ્રતિબંધ મૂકે પરંતુ તેનાથી પુટિનને કોઇ ફેર પડવાનો નથી અંતે ભોગવવાનું તો રશિયાન પ્રજાએ જ આવવાનું છે.

Most Popular

To Top