ટણીપ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો અને જાણકારીઓનો પ્રચાર કરતા હોય છે. મોટાભાગે અપેક્ષા એવી હોય છે કે તેમાં સત્યનો, હકીકતોનો, તથ્યોનો અને હકારાત્મકતાનો જ પ્રચાર થાય, પરંતુ માહિતીના યુગમાં અસત્યનો, ભ્રામક જાણકારીઓનો અને અતિશયોક્તિઓનો પણ એટલો જ પ્રચાર થતો હોય છે, જેને દુષ્પ્રચાર કહે છે.
જનમત કેળવવા માટે આખી દુનિયામાં પ્રચાર- દુષ્પ્રચારનો ઉપયોગ થાય છે. એમાં ક્યારેક સફળતા મળે છે, ક્યારેક નથી મળતી. ક્યારેક એવા પ્રચાર ઉંધા પણ પડતા હોય છે- એટલે કે જનમત કેળવવાને બદલે તે જનમતને વિરુદ્ધ પણ કરી નાખે છે.
દેશમાં લોકસભાના વર્તમાન ચૂંટણી પ્રચારમાં, BJPના એક પ્રચાર સાથે એવું જ થયું છે. માર્ચ મહિનામાં, પાર્ટી તરફથી સોશ્યલ મીડિયા અને યુટ્યુબ પર એક વિડીયો જારી કરવામાં આવ્યો હતો. તેની થીમ હતી- વોર રુકવા દી પાપા.
તેમાં, રશિયા-યુક્રેન યુદ્ધના શરૂઆતી દિવસો દરમિયાન યુક્રેનમાં ફસાઈ પડેલા ભારતીય વિધાર્થીઓ વતીથી એક યુવતી તેના પિતાને કહેતી સંભળાય છે, “મૈંને કહા થા ના, કૈસી ભી સિચ્યુએશન હો, મોદીજી હમેં લે આયેંગે. વોર રુકવા દી પાપા ઔર ફિર હમારી બસ નિકાલી પાપા.”
આ વિડીયોમાં તથ્યાત્મક ત્રુટી હોવાના કારણે વિરોધ પક્ષોએ તો તેનો જબરદસ્ત વિરોધ કર્યો, પણ સામાન્ય લોકોને પણ આ દાવો ગળે ઉતરે તેવો નહોતો એટલે લોકોએ તેની ક્લિપને વાઈરલ કરીને મજાક ઉડાવાનું શરુ કર્યું. ત્યાં સુધી કે એ છોકરી અને તેના બયાન ‘વોર રુકવા દી પાપા’નાં એટલાં બધાં મીમ બન્યાં ( અને હજુય બને છે) કે એવું કહેવાય છે કે તેમાં હિસ્સો લેનારી (જેનું નામ પ્રિયંકા હોવાનું કહેવામાં આવે છે) એ છોકરીનું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અલબત્ત, વિડીયોમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહોતો, પણ લોકોએ તાળો મેળવી લીધો હતો. આ વિડીયો મજાકનું સાધન બની ગયો તેનાં બે કારણો હતાં:
- બે દેશ વચ્ચે પુરજોશ યુદ્ધ ચાલતું હોય ત્યારે, ત્રીજો દેશ તેના વિધાર્થીઓને સહી સલામત ઘરે લાવવા માટે એ યુદ્ધને થોડા સમય સુધી રોકી રાખે તે વાત આમ જનતાની કોમન સેન્સમાં બેસે તેવી નહોતી, ખાસ કરીને અમેરિકા કે ચીન જેવી મહાશક્તિઓ પણ એ યુદ્ધ રોકવામાં વિફળ ગઈ હોય. દેખીતી રીતે જ, વિડીયોમાં અતિશયોક્તિ હતી.
- બીજું કારણ એ હતું કે ખુદ ભારત સરકારનું વિદેશ મંત્રાલયે આ દાવાનું ખંડન કરી ચૂક્યુ હતું. યુદ્ધ શરુ થયું તેના થોડા દિવસ પછી બીજેપી તરફી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી સરકારની વિનંતીથી રશિયાએ થોડો સમય યુદ્ધ અટકાવ્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોના સવાલમાં કહ્યું હતું કે-‘અમને એક રસ્તો સલામત હોવાની માહિતી મળી હતી અને અમે તે નાગરિકોને પહોંચાડી હતી એટલું જ. કોઈકે બોમ્બમારો અટકાવી દીધો કે અમે એવું કોઓર્ડિનેશન કરી રહ્યા હતા તે વાત ખોટી છે.’
તે પછી પણ BJPના નેતાઓ દ્વારા આ દાવો ચાલુ રહ્યો અને તેનો અંત આ ‘વોર રુકવા દી પાપા’ના વિડીયોમાં આવ્યો હતો. તેમાં એટલી બદનામી થઇ હતી કે પાર્ટીના સમર્થકોએ તેને અવગણવાનું શરુ કરી દીધું હતું. ટૂંકમાં, આ વિડીયો બૂમરેંગ સાબિત થયો. ચૂંટણી પ્રચારમાં આવું દુનિયામાં દરેક પક્ષો સાથે, દરેક સમયમાં થતું રહેતું હોય છે, પણ એમાં સમજવા જેવું એ છે કે પ્રચાર, દુષ્પ્રચાર કે અતિશયોક્તિ કેમ એક પ્રભાવી માધ્યમ છે? ચૂંટણી જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ (જેમ કે માર્કેટિંગ) ઘણાં પ્રચાર અત્યંત સફળ પુરવાર થયા હોવાના પણ દાખલા છે.
દાખલા તરીકે, બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી શાસકોએ બહુ સફળતાથી પ્રચાર કરીને જનમત તેમની તરફેણમાં વાળ્યો હતો. તેની પ્રેરણા તેમને 1914ના પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી મળી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં, જર્મનીનો બ્રિટનના હાથે પરાજય થયો હતો અને જર્મન મિલિટરી અધિકારીઓએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે તેમના પરાજયમાં બ્રિટિશ પ્રચાર-તંત્રનો મોટો હાથ હતો.
બ્રિટિશ સરકારે પ્રચાર માટે માહિતી મંત્રાલયની રચના કરી હતી, પરંતુ વિશ્વ યુદ્ધના અંત સાથે, મંત્રાલય નાબૂદ કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે લોકોને લાગ્યું કે સરકાર તેમની સાથે જૂઠું બોલી રહી છે. જો કે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી, બ્રિટિશ સરકારે ફરીથી માહિતી મંત્રાલયની જરૂરિયાત જણાઈ હતી. તેનો હેતુ નાઝી પ્રચાર તંત્રનો સામનો કરવાનો, બ્રિટિશ લોકોને યુદ્ધ માટે તૈયાર કરવાનો અને બાકીના યુરોપમાં હિટલર વિરુદ્ધ પ્રચાર કરવાનો હતો. હિટલર જયારે જર્મનીમાં સત્તામાં આવ્યો ત્યારે, તે પણ માનતો હતો કે 1918માં જર્મન મોરચામાં હતાશા ફેલાઈ ગઈ અને બળવો થયો તેની પાછળ બ્રિટિશ પ્રચાર કારણભૂત હતો. એટલે હિટલરે તેના શાસનમાં જર્મન નાગરિકોનો ભરોસો બરકરાર રાખવા માટે પ્રચારને એક નીતિ તરીકે સરકારનો હિસ્સો બનાવ્યો હતો.
તેની આત્મકથા ‘મેઈન કામ્ફ’માં હિટલર પ્રચારના ઘણાં નિયમોની રૂપરેખા આપી હતી. બ્રિટિશ માહિતી મંત્રાલયના ઘણા અધિકારીઓ હિટલર સાથે સહમત થયા હતા. તેમણે હિટલર સામેની ઝુંબેશમાં આ જ પ્રકારની ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. હિટલરે લખ્યું હતું, “તમામ પ્રચાર લોકપ્રિય હોવા જોઈએ અને એને જે લોકો સુધી પહોંચાડવાના છે, એમાંથી સૌથી ઓછા બુદ્ધિશાળી વ્યક્તિને પણ એ સમજમાં આવવા જોઈએ. કુશળ અને સતત પ્રચારની મદદથી, કેટલાય લોકોને સ્વર્ગ પણ નર્ક જેવું બતાવી શકાય અથવા સાવ જ નઠારા જીવનને સ્વર્ગ જેવું બતાવી શકાય છે.”
સવાલ એ છે કે લોકો પ્રચારમાં કેમ માનતા થઇ જાય છે? તેની પાછળ ગહન મનોવિજ્ઞાન છે. હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. સત્ય અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું હોય તે જૂઠ નજર આવે છે.
એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે. પરિચિતતા આપણી વિચાર પ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈપણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.
- રાજન ગાંધી