ઈરાની હુમલાઓ વચ્ચે ગલ્ફમાં હાઈ એલર્ટ:ઈરાનના ડ્રોન-મિસાઇલ હુમલાઓ વચ્ચે કતાર-યુએઈની એર ડિફેન્સ સક્રિય; ભારત સહિત અનેક દેશો નાગરિકોને બહાર લાવવા રાહત ફ્લાઈટ ચલાવી રહ્યા છે
મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક બનાવી દેવામાં આવી છે. તાજેતરમાં ઈરાન દ્વારા હુમલાની શક્યતા વધતા કતારમાં આવેલી અમેરિકી દૂતાવાસની આસપાસના વિસ્તારમાં રહેવાસીઓને ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચાલુ સંકટ વચ્ચે અનેક દેશોએ પોતાના નાગરિકોને સલામત રીતે પરત લાવવા માટે ખાસ રાહત ફ્લાઈટોની વ્યવસ્થા શરૂ કરી છે. ભારતની એરલાઈન્સ અકાસા એર, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા દ્વારા દુબઈ, ઓમાન અને જેદ્દાહ સહિતના શહેરોમાંથી ખાસ ફ્લાઈટો ચલાવવામાં આવી રહી છે, જેથી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવી શકાય.
ભારત ઉપરાંત ફ્રાન્સ સહિતના કેટલાક અન્ય દેશોએ પણ ગલ્ફ દેશોમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની કામગીરી તેજ કરી છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકન નાગરિકોને મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં વિભાગે જણાવ્યું કે જે કોઈ અમેરિકન નાગરિક મિડલ ઈસ્ટમાંથી બહાર આવવા ઈચ્છે છે તેઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે જેથી તેઓ સુધી મદદ પહોચી શકે .અત્યાર સુધીમાં લગભગ 18 હજાર અમેરિકન નાગરિકોને પરત લાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બીજી તરફ યુનાઇટેડ અરબ અમીરાતે પણ સુરક્ષા સ્થિતિ અંગે માહિતી આપી છે. યુએઈના રક્ષા મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 941 ડ્રોન શોધવામાં આવ્યા છે જેમાંથી 876 ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. 65 ડ્રોન રાજ્યની અંદર તૂટી પડ્યા હોવાનું પણ જણાવાયું છે. ઉપરાંત 189 બેલિસ્ટિક મિસાઇલોમાંથી 175ને પણ અટકાવવામાં સફળતા મળી છે.
આ દરમિયાન કતારે ઈરાનના બોમ્બર વિમાનોને પણ નિશાન બનાવ્યા હોવાનો અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાનો અમેરિકાના મોટા સૈન્ય બેઝ પર હુમલો કરવા માત્ર બે મિનિટ દૂર હતા ત્યારે કતારની એરફોર્સે તેમને રોકી દીધા હતા. ત્યારબાદ કતારના ફાઈટર જેટ દ્વારા હવાઈ લડાઈમાં આ વિમાનોને પાડી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
મિડલ ઈસ્ટમાં વધતી સૈન્ય કાર્યવાહી વચ્ચે સમગ્ર વિસ્તારમાં અનિશ્ચિતતા અને ચિંતા વધી રહી છે. અનેક દેશો પોતાના નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે ગલ્ફ દેશો સતત સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.